આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાનમાં યોજાશે કે નહીં તે અંગેનો નિર્ણય 29 નવેમ્બરે લેવામાં આવશે. રિપોર્ટ અનુસાર ICCએ દુબઈમાં બોર્ડ મીટિંગ બોલાવી છે. પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીની તક મળ્યા બાદ ભારતે સુરક્ષાના કારણોસર ત્યાં જવાની ના પાડી દીધી હતી. ત્યારે એવું માનવામાં આવતું હતું કે એશિયા કપની જેમ ચેમ્પિયન્સ ટ્રોફી પણ હાઇબ્રિડ મોડલ પર યોજાશે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ અગાઉ તમામ ભારતીય મેચો લાહોરમાં યોજવાનો અને મેચ બાદ ખેલાડીઓને ભારત મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જ્યારે ભારતે આ સ્વીકાર્યું ન હતું ત્યારે (PCB) એ પણ હાઇબ્રિડ મોડલ માટે ઇનકાર કર્યો હતો. ICC મીટિંગમાં હાઇબ્રિડ મોડલનો પ્રસ્તાવ મૂકી શકે છે. જો PCB તેને સ્વીકારે નહીં તો તે હોસ્ટિંગ અધિકારો ગુમાવી શકે છે. પાકિસ્તાનમાં જઈને રમવા માટે ભારત પર દબાણ લાવવાની શક્યતા ઓછી છે. 2008માં મુંબઈ હુમલા બાદ ભારતીય ટીમ પાકિસ્તાન ગઈ નથી.
જણાવી દઈએ કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે સતત તૈયારી કરી રહ્યું છે. પીસીબીએ ત્રણેય સ્ટેડિયમનું કામ લગભગ પૂર્ણ કરી લીધું છે. તેઓએ લાહોર, કરાચી અને રાવલપિંડી સ્ટેડિયમના નવીનીકરણ પર 12.5 અબજ પાકિસ્તાની રૂપિયા ખર્ચ્યા છે.
જ્યારે ભારત સરકારે પહેલા જ પોતાની ટીમ પાકિસ્તાન મોકલવાનો ઈન્કાર કરી દીધો હતો. બીસીસીઆઈએ આઈસીસીને કહ્યું હતું કે ટીમ પાકિસ્તાનમાં ટૂર્નામેન્ટ નહીં રમે. જો પાકિસ્તાન હાઈબ્રિડ મોડલ માટે સહમત ન થાય તો ટૂર્નામેન્ટ બીજા દેશમાં શિફ્ટ થઈ શકે છે.
ICCએ BCCIને ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન ન મોકલવાનું કારણ જણાવવા કહ્યું હતું
આઈસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમને પાકિસ્તાન ન મોકલવા પર બીસીસીઆઈ પાસેથી લેખિત જવાબ માંગ્યો હતો. પાકિસ્તાની ચેનલ જિયો ન્યૂઝના અહેવાલ અનુસાર PCBએ ICC પાસેથી ભારતના જવાબની લેખિત નકલ માંગી છે.
PCBએ ICCને લખ્યો પત્ર – પાકિસ્તાન ભારત કેમ ન આવી શકે?
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમ ઈન્ડિયાના પાકિસ્તાન ન જવા અંગે આઈસીસી પાસેથી જવાબ માંગ્યો હતો. ક્રિકબઝના અહેવાલ મુજબ પીસીબીના પ્રવક્તાએ કહ્યું હતું કે પાકિસ્તાનમાં સુરક્ષાની કોઈ સમસ્યા નથી. તેથી જ ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમોએ અહીં મુલાકાત લીધી હતી. જ્યારે આ ટીમો આવી શકે છે તો ટીમ ઈન્ડિયા કેમ નહીં?