Business

રીલ હોય કે રીયલ લાઈફમાં હવે એવી ‘શ્રધ્ધા’ ક્યાં?

શ્રધ્ધા કપૂરને એ વાતની ચિંતા થઇ રહી છે કે જે ચાર-પાંચ અભિનેત્રીઓની ચર્ચા થતી રહે છે તેમાં તેનું સ્થાન નથી. કોરોનાના સમય દરમ્યાન ‘નાગીન’ ફિલ્મ મળી અને હવે ‘ચાલબાઝ ઇન લંડન’ જરૂર મળી છે પણ શ્રધ્ધાને ફિલ્મો મળે એટલે ઉત્તેજના ફેલાઇ જાય એવું બનતું નથી. તે જાણે છે કે જે સ્ટાર્સની વધુ ચર્ચા થતી નથી તેને પ્રેક્ષકો ભુલવા માંડે છે. જોકે તેને તેની પ્રતિભા પર ભરોસો છે અને બધી શકિત મળેલી ફિલ્મોમાં લગાવવામાં માને છે. ફિલ્મો સ્વયં એવી હોવી જોઇએ જે સ્ટાર્સને ચર્ચામાં લાવે.

શ્રધ્ધા કપૂરે શરૂથી આજ સુધી પોતાના પાત્રોમાં, ફિલ્મોના વિષયોમાં વૈવિધ્ય જાળવ્યું છે પણ કશુંક ખૂટે છે જે તેને મોટી સ્ટારનો દરજજો નથી આપાવવા દેતું. ટાઇગર શ્રોફ, વરુણ ધવન, શાહીદ કપૂર, સુશાંતસીંઘ રાજપૂત, રાજકુમાર રાવ સાથે ફિલ્મો કર્યા પછી તેને થાય છે કે આ બધા તો સ્ટારડમના રસ્તે છે, સલમાન, શાહરૂખ, અક્ષયકુમારની જેમ સ્ટાર તરીકે એસ્ટાબ્લિશ થયા નથી. શું એસ્ટાબ્લિશ્ડ સ્ટાર સાથેની ફિલ્મો વધારે ફાયદો કરાવી શકે? કે સંજય લીલા ભણસાલી, રાજકુમાર હીરાની જેવા દિગ્દર્શકની ફિલ્મો વધારે ફાયદો કરાવે? તેને ખબર છે કે જે ફિલ્મો દિપીકા પાદુકોણને મળી શકે તે તેને નહીં મળશે. જે પ્રકારની ફિલ્મો માટે કંગના યા તાપસી પસંદ કરવામાં આવે છે તે પણ તેના માટે નથી. જાણે કે આ અભિનેત્રીઓએ સ્પેશ્યાલાઇઝેશન કરી નાંખ્યું છે. શ્રધ્ધા જુદી જુદી ભૂમિકા એટલા માટે કરે છે કે તે પોતાની ટેલેન્ટ દેખાડવા માંગે છે પણ કેટરીના કૈફ જેવું નથી કરતી. ટેલેન્ટ દેખાડો તો મોટી એકટ્રેસ સાબિત થવાય એવી કોઇ શરત નથી. અત્યારે અનેક અભિનેત્રીઓ સ્પર્ધામાં છે એટલે દરેક ફિલ્મ ચેલેન્જ બની જાય છે.

શ્રધ્ધાએ ‘આશિકી-2’, ‘હાફ ગર્લફ્રેન્ડ’ જેવી ફિલ્મો સાથે ‘રોક ઓન-2’ અને ‘એબીસીડી-2’ જેવી ફિલ્મો કરી. લોકોએ માન્યું કે તે સારી ડાન્સર પણ છે અને ગાયિકા પણ છે. ‘ફીર ભી તુમકો ચાહુંગી’, ‘સબ તેરા’ (બાગી) ‘ગલીયાં…..’ (એક વિલન), ‘સૂન સાથિયા’ ગીતોએ તેને લોકપ્રિયતા પણ અપાવી છે પણ તે પાર્શ્વગાયિકા તરીકે નહીં એકટ્રેસ તરીકે જ વધુ જોવા માંગે છે. તે ફકત એ ફિલ્મોમાં જ ગાઇ છે જેમાં તે પોતે હોય. પોતે એકટ્રેસ હોય ત્યારે બીજી એકટ્રેસ માટે ગાઓ તો પોતાની ઇમેજ ડાઉન થાય.

તેને અત્યારે લવરંજનની ફિલ્મ પાસે વધારે અપેક્ષા છે કારણ કે તેમાં રણબીરકપૂર, ડિમ્પલ કાપડિયા ને બોનીકપૂર છે. આ પ્રકારનાં કાસ્ટિંગમાં કામ કરવામાં તે ઉત્તેજના અનુભવે છે. આ ફિલ્મના ચાર શેડયુલ પૂરા થઇ ગયા છે છતાં શૂટિંગ ધીમા ચાલી રહ્યા છે. ‘નાગીન’ માં તેને જુદી ભૂમિકા કરવાની આવી છે. ’ચાલબાઝ ઇન લંડન’ ના દિગ્દર્શક પંકજ પરાશર લાંબા સમય પછી દિગ્દર્શન કરી રહ્યા છે. તેમાં ફરી રાજકુમાર રાવ છે. શ્રધ્ધાને સાજીદ નડિયાદવાલાની ‘સત્યનારાયણ કી કથા’ ફિલ્મ મળે એવી શકયતા છે. જો તેમ થશે તો કાર્તિક આર્યન સાથેની તેની આ પહેલી ફિલ્મ હશે. અત્યારે શ્રધ્ધા અંગતજીવનમાં રોમાન્સથી થોડી દૂર છે. ‘આશિકી-2’ સાથે શરૂ થયેલા આદિત્ય રોય કપૂર સાથેનો રોમાન્સ લાંબા સમયની આશિકીમાં ફેરવાયો નથી. તે નાની હતી ત્યારે વરુણ ધવન તરફ આકર્ષણ અનુભવતી હતી કારણકે તેના પિતા શકિતકપૂર ડેવિડ ધવનની અનેક ફિલ્મોમાં હતા એટલે શૂટિંગ પર વરુણ ધવનને મળવાનું થતું પણ એવો ક્રશ તો તેણે અક્ષયકુમાર અને ઋતિક રોશન માટે પણ અનુભવ્યો છે પણ તે અત્યારે કોઇ નિયમિત બોયફ્રેન્ડ વિનાની છે. જે ફિલ્મો છે તે પૂરી થાય ને રિલીઝ થાય પછી જ જીવન આગળ વધી રહ્યાનો અનુભવ થાય. એકટ્રેસ માટે અગત્યનું એજ છે ને શ્રધ્ધા લક્ષય ચુકવા નથી માંગતી.

Most Popular

To Top