Comments

શિક્ષણ ક્ષેત્રમાં શિક્ષણની નિસ્બત કયાં?

હોલીવુડની ફિલ્મ જસ્ટીસ ફોર ઓલના કલાયમેકસ દૃશ્યમાં કોર્ટરૂમમાં કેસ લડતો વકીલ બોલે છે કે ‘આ ન્યાયની વ્યવસ્થા….. આ કાયદા આ જજ આ વકીલ બધું જ શેના માટે છે! તેનો મૂળ ઉદ્દેશ શું છે! ન્યાયનો! અરજદારને ન્યાય મળે, દેશના નાગરિકને ન્યાય મળે! પણ જરા વિચારો આજે અહીં કોણ ન્યાય માટે લડે છે! વકીલ ન્યાય માટે નથી લડતો એ તો પોતાના પક્ષને જીતાડવા માટે લડે છે. જજને ન્યાય થાય તેમાં રસ નથી! એને તો ઉપલબ્ધ બાબતોમાં કોનો પક્ષ મજબૂત છે તેમાં રસ છે! કયારેક તો તેને પણ ચુકાદા થકી મહાન થવામાં રસ હોય છે. અહીં સાક્ષીઓ આવે છે તે પોતાના પક્ષને જીતાડવા માટે… અહીં દરેકને જીતવું છે! ન્યાય કોને કરવો છે!

What is the rural education scenario in India and how can we change it? -  Education Today News

ટૂંકમાં ન્યાય માટેની આખી જ વ્યવસ્થામાં ન્યાય ગુમ છે! બસ આ જ વાત ગુજરાતના (આમ તો ભારતનાં) શિક્ષણ જગતમાં જોવા મળે છે. વિદ્યાર્થીને ડિગ્રી જોઇએ છે. માતા-પિતા બાળકને ભણાવે છે કારણ કે ભણશે તો નોકરી મળશે, કમાશે તેવી આશા છે. સંચાલકોને તો ફીમાં રસ છે. શિક્ષકો – અધ્યાપકોને પગારમાં રસ છે. થોડા સિનિયર થાય તો જુદી જુદી કમિટીઓમાં સ્થાન મેળવવામાં રસ છે. શું ભણાવવું? – એ નકકી કરવા બેસતી અભ્યાસ કમિટી ભાગ્યે જ જે તે વિષયના વર્તમાન પ્રવાહોની માહિતી, વિવિધ યુનિ.ના અભ્યાસક્રમો અને ભવિષ્યની જરૂરિયાતોનો અભ્યાસ કરીને અભ્યાસક્રમ નકકી કરે છે.

સરકારી કે ગ્રાન્ટેડ શાળા – કોલેજોમાં શિક્ષક અધ્યાપકની ભરતીમાં પોતાના ઓળખીતા, જ્ઞાતિબંધુ, આર્થિક લાભ આપનાર લાગે તે માટે સૈા પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીને એક યોગ્ય શિક્ષક મળે તે માટે કોણ વિચારે છે! ખાનગી સંચાલકો ઓછા પગારમાં કોને રાખી શકાય એ જૂવે છે. પરીક્ષા સમિતિના સભ્યો, બોર્ડ ઓફ સ્ટડીઝના સભ્યો, ફેકલ્ટી ડીન કયારે શિક્ષણની નિસ્બત સાથે મિટિંગ કરે છે. ટૂંકમાં આ આખી વ્યવસ્થામાં શિક્ષણ કયાં? શિક્ષણના હેતુ બે. એક જ્ઞાન ખાતર જ્ઞાન, બીજું વ્યવસાય – આવક માટેનું જ્ઞાન. આજે વ્યવસાયલક્ષિતા એ હદે વધી ગઇ છે કે જ્ઞાન-શિક્ષણ તેના મૂળ હેતુથી દૂર થઇ ગયું છે.

ન મીડિયામાં, ન સમાચાર પત્રોમાં, ન પાનના ગલ્લે, ન લગ્ન સમારંભોમાં કયાંય ગુજરાતની વર્તમાન શિક્ષણ વ્યવસ્થાની મર્યાદા ચર્ચાતી નથી. આ લેખ વંચાય છે ત્યારે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો યુવક મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. વિદ્યાર્થીમાં રહેલી શકિતઓને બહાર લાવવા આ મંચ આપવો જરૂરી છે. પણ એમેક્રોનના સંક્રમણ વચ્ચે કોરોનાની ગાઇડલાઇનમાં જયાં લગ્ન સમારંભમાં ચારસો માણસોની છૂટ છે ત્યાં હજાર વિદ્યાર્થીઓને ભેગા કેમ કરવાના! યુવક મહોત્સવ યોજવો જ હોય તો ભાગ પાડીને સ્પર્ધાઓ વહેંચીને યોજી શકાય.

ઘણી બધી સ્પર્ધાઓ ઓનલાઇન યોજી શકાય! પણ મૂળ મુદ્દો એ છે કે જે યુનિવર્સિટી ઓફ લાઇન પરીક્ષા હજુ સુધી નથી યોજી શકી તે યુવક મહોત્સવનું તાત્કાલિક આયોજન કરે ત્યારે ઘણાને થાય કે આ યુવક મહોત્સવ યુવાનોમાં રહેલી શકિતઓ બહાર લાવવા માટે યોજાયો છે કે બે વરસથી ભેગા થયેલા સાંસ્કૃતિક ફીના બજેટને થાળે પાડવા યોજાયો છે! ખેર! શિક્ષણમંત્રીશ્રીને કદાચ ખબર નથી કે યુવક મહોત્સવ યોજાઇ રહ્યો છે. જો કે એમને કદાચ એ પણ ખબર નથી કે ગુજરાતની ઘણી બધી યુનિવર્સિટી વર્ગખંડ શિક્ષણની રીતે ઓફ લાઇન ચાલે છે પણ પરીક્ષાઓ  ઓનલાઇન અથવા માત્ર બહુ વિકલ્પ પ્રશ્નો દ્વારા લેવાની છે. અને માર્ચ ૨૦૨૦ માં બંધ થયેલું વર્ગખંડ શિક્ષણ માર્ચ ૨૦૨૨ સુધી નિયમિત થવાનું નથી.

શિક્ષણમંત્રીશ્રીએ શિક્ષકો વધારાના 100 કલાક ભણાવશે એવી જાહેરાત કરી છે. પણ આ જાહેરાતનો ગેરલાભ લઇને ખાનગી શાળાના સંચાલકો વધારાનું કોઇ મહેનતાણું આપ્યા વગર જ શિક્ષકોને હેરાન ન કરે તે પણ જોવું પડશે! કારણ કે સ્પષ્ટતા ન કરવામાં આવે તો ગેરલાભ લેનારા તક ચૂકતા નથી. જેમ કે યુ.જી.સી.એ કોરોના સમયમાં યુનિવર્સિટીઓ ઓફ લાઇન કે ઓન લાઇન પધ્ધતિથી પરીક્ષા લઇ શકશે તેવા બન્ને વિકલ્પ ખુલ્લા રાખ્યા એનો લાભ યુનિવર્સિટીઓ લઇ રહી છે. હવે યુ.જી.સી.એ. જ સ્પષ્ટતા કરવી પડે કે ઓનલાઇન પરીક્ષાનો મતલબ એમ.સી.કયુ બેઝ પરીક્ષા નહીં વર્ણનાત્મક પણ ઓનલાઇન લઇ જ શકાય!

આજે ઘણી યુનિવર્સિટીમાં થોડાક વિદ્યાર્થી જૂથો ઓનલાઇન પરીક્ષા માટે હડતાળ, દેખાવો કરી રહ્યા છે. ખાનગી કોલેજોના સંચાલકો કે કેટલાક યુનિ. સત્તાવાળા પાછલા બારણે આવા વિદ્યાર્થી જૂથોને સપોર્ટ કરે છે અને પછી ‘વિદ્યાર્થીની માંગણી’ના નામે ઢંગધડા વગરની પરીક્ષા યોજવા મિટિંગોમાં ચર્ચા કરે છે. આ તમામને એક જ વાત કહેવાનું મન થાય કે જો સત્તાવાળા ઓનલાઇન અને માત્ર એમસીકયુ બેઝ પરીક્ષા લેવા માંગે છે તો માર્કશીટમાં પણ લખે કે આ પરીક્ષા ઓનલાઇન માત્ર એમસીકયુથી લેવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ વાલીઓ જે ગુણવત્તા વગરની પરીક્ષા લેવા દબાણ કરે છે.

તેમને પણ કહેવામાં આવે કે પરીક્ષા લેવાશે પણ માર્કશીટમાં લખવામાં આવશે બોલો છે મંજૂર? આપણે જેમ માર્કશીટમાં રેગ્યુલર અને એકસટર્નલ એમ લખીએ છીએ તેમ યુનિવર્સિટી બન્ને રીતની પરીક્ષા યોજે અને માર્કશીટમાં લખે કે આ વિદ્યાર્થી ઓફ લાઇન પરીક્ષાથી પાસ થયો છે. આ ઓનલાઇન પરીક્ષાથી પાસ થયો છે અને પછી જુઓ કે કોણ માંગણી કરે છે! પણ આ વિચાર કયારે આવે? જો શિક્ષણ સાથે નિસ્બત હોય! મૂળ વ્યવસ્થા ‘શિક્ષણ’ માટે ચલાવવી હોય!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top