અલાયા એફની આજ સુધીમાં તો એક જ ફિલ્મ રજૂ થઇ છે. ‘જવાની જાનેમન’ એને એ બાબતે બદનસીબ ગણવી જોઇએ કે કોરોના સમયમાં તેની પ્રથમ ફિલ્મ આવી. પરંતુ તેની સાથે સદ્નસીબ પણ છે એટલે અત્યારે તેની પાસે ત્રણ ફિલ્મ છે અને તેમાંની ‘ફ્રેડી’ તો રજુ પણ થઇ રહી છે. અલાયાને પોતાની ઓળખ ઊભી કરવા ખાસ્સી મહેનત કરવી પડી છે. નામ આલિયા હતુ તો અલાયા કર્યું અને અટક ફર્નીચરવાલા હતી તો તેણે તેનું ‘સેફ’ જ રાખ્યું ને બીજું ફર્નચીર કાઢી નાખ્યું. તેની મમ્મી પૂજા બેદી મોટી સ્ટાર બની શકી નહોતી અને મુખ્ય અભિનેત્રી તરીકે સ્વીકાર પામી નહોતી. પણ અલાયાએ મુખ્ય અભિનેત્રી તરીકે જ કારકિર્દી શરૂ કરી અને એ રીતે જ આગળ વધી રહી છે.
અલાયા એફ તેના પિતા ફરહાન ઇબ્રાહીમ ફર્નીચરવાલાને કારણે ગુજરાતી ખોજા મુસ્લિમ છે. ન્યુ યોર્ક ફિલ્મ એકેડમીમાંથી અભિનયમાં ડિપ્લોમા લઇને આવેલી અલાયાએ ‘ફ્રેડી’માં કાર્તિક આર્યન સાથે જોડી બનાવી છે. કાર્તિક અત્યારે ખાસ્સી સફળતા મેળવી રહ્યો છે અને પોતાનો એક ચાહક વર્ગ ઉભો કર્યો છે એટલે અલાયાને આ ફિલ્મથી ફાયદો થશે. બાકી, અલાયામાં તો સૈફ અલી ખાનની દિકરી તરીકે દેખાય હતી. અભિનેત્રી નવી હોય ને રોમેન્ટિક ભૂમિકામાં ન હોય તો પ્રેક્ષકોની નજર તેની તરફ ઓછી જતી હોય છે.
અલાયા હમણાં જે ‘યુ ટર્ન’માં કામ કરી રહી છે તે કન્નડ થ્રીલરની રિમેક છે અને કન્નડમાં તે બ્લોકબસ્ટર સાબિત થઇ હતી. પછી એ ફિલ્મ તેલુગુમં સામંથા સાથે અને તે ઉપરાંત બંગાળી, મલયાલમ, તેલુગુ ભાષામાં પણ બની ચુકી છે. ‘યુ ટર્ન’ની નિર્માત્રી એકતા કપૂર છે એટલે ય અલાયાને લાભ તો થશે. અલાયાને ‘યુ ટર્ન’ વિશે કહેવાયું છે કે ઓરિજીનલ ફિલ્મ જોઇશ નહીં જેથી એકટિંગમાં ફ્રેશનેસ જળવાય રહે. અલાયાએ આ વચન પાળ્યું છે. મોટા હોઠ અને આંખો ધરાવતી અલાયા ફિલ્મના પરદે હજુ કોલેજિયન યુવતી જેવી લાગે છે. તેના ચહેરામાં નિર્દોષતા પણ છે. ‘યુ ટર્ન’ ફિલ્મ પાસે અલાયાને ઘણી આશા પણ છે કારણ કે આખી ફિલ્મ તેના પાત્રની આસપાસ ફરે છે. આ ફિલ્મમાં તેના પાત્રનું નામ રચિતા પાઠક છે.
અલાયા અત્યારે જે વધુ એક ફિલ્મમાં કામ કરી રહી છે તે ‘શ્રી’ છે જેમાં તેની સાથે રાજકુમાર રાવ છે. એ ફિલ્મ ટી. સિરીઝ બનાવી રહી છે. તુષાર હીરાનંદાનીનાં દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મમાં શરદ કેળકર ઉપરાંત દક્ષિણની અભિનેત્રી જયોતિકા છે. આ ફિલ્મ ઉદ્યોગપતિ શ્રીકાંત ભોલાના જીવન આધારીત છે. ‘ફ્રેંડી’ રજૂ થયાપછી 2022નું વર્ષ પણ અલાયા માટે પૂરું થશે એટલે અન્ય બંને ફિલ્મો 2023માં જ રજૂ થશે.
અલાયા ફિલ્મોમાં આવી છે પણ તેણે કોઇ ખોટા સેન્સેશન ઉભા નથી કર્યા. બાકી તેની મમ્મી પૂજા યા નાની પ્રોતિમા બેદી તો એ બધા માટે ઘણી જાણીતી રહી છે. હમણાં 28 નવેમ્બરે જ 25માં વર્ષમાં પ્રવેશેલી અલાયા શાંત અને મેચ્યોર છે. તેનું પૂરું ધ્યાન કારકિર્દી પર છે. તેના નાના કબીર બેદીએ પણ ‘જવની જાનેમન’ જોઇને કહેલું કે અલાયા એક સીઝન્ડ એકટર છે. કબીર જે કહે છે તે સાચું છે એવું આપણે એ રીતે કહી શકીએ કે અલાયાને ફિલ્મો મળતી રહે છે. વળી તે પોતે વેબસિરીઝ કે મ્યુઝિક વિડીયો વગેરેમાં પણ પડતી નથી. ‘ફ્રેડી’ તેની ટેલેન્ટને ફરી વાર સાબિત કરશે. •