તાજેતરમાં એક હોટેલમાં 100રૂ.થી લઈને 500 રૂ.ની આઈસ ડીશનું લીસ્ટ વાંચતાં ચોંકી જવાયું. ઘડીભર હું વિચારે ચઢી ગયો. વર્ષો પહેલાં અમારી ગલીમાં આવતા બરફના (ગોલા) પંગની લારીવાલા દાઉદ ચાચાની યાદ તાજી થઈ. ઉનાળાની ગરમીમાં અમારી ગલીમાં દાખલ થતાં પંગની લારીની નીચે લટકાવેલા ઘંટ વગાડીને પંગ ખાઓ પંગ ની બૂમ પાડતા જાય. મને બરોબાર યાદ છે કાળા પાટલુન પર લીલા રંગનો ઝભ્ભો પહેરીને આવતા એ ચાચા શ્યામ વર્ણના કદાવર બાવડા સાથે પંગનો સંચો ચલાવતા જાય અને કોઈ ગીત ગાતાં જાય.
એમના ગલીમાં આગમન સાથે નાનાં ભૂલકાંઓનું ટોળું ભેગું થઈ જાય. ચાચા મને પહેલાં આપો, ચાચા મને પંગ આપો. ચાચા બધાને શાંતિથી વારાફરતી વિવિધ રંગના અસલી શરબતના મજબૂત પંગ ભૂલકાંઓને આપતા. 10 પૈસામાં પંગનો સ્વાદ હજુ પણ ભુલાયો નથી. મનભાવન પંગની મજા કંઈ ઓર હતી. પ્યાસ બુઝાઈ જતી અને ઠંડક થઈ જતી. ચાચા છેલ્લે ઘસાઈ ગયેલા બરફની ટુકડા કરીને ભૂલકાંઓને આપી ખુશ કરી દેતાં. સમયની સાથે બધું બદલાઈ ગયું. પંગની લારીવાલા દાઉદ ચાચા પણ ખુદાને પ્યારા થઈ ગયા. એ જમાનામાં ભાઈચારાની બોલબાલા હતી. હવે તેઓની માત્ર યાદ રહી ગઈ. કહાં ગયે વો લોગ? કહાં ગયે વો દિન?
સુરત – જગદીશ પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.