Entertainment

સુપરસ્ટારની રેસમાં વરૂણ (ધ) ‘વન’ કયારે બનશે?

સ્ટારથી સુપરસ્ટાર થવાનો રસ્તો સલમાન ને શાહરૂખ ખાનને જ ગણવા પડે. ઋતિકનું સ્ટેટસ જૂદું છે. તે સલમાન, શાહરૂખની જેમ જાહેરમાં, મિડીયામાં પોતાના ‘સ્ટારડમ’ને પ્લે નથી કરતો. સુપરસ્ટાર થવાની આખી જે મોટી ગેમ છે તેમાં તે શામિલ નથી થતો. અત્યારે સવાલ એ છે કે આવનારા સમયમાં કોઇ એવો સુપરસ્ટારનો દાવેદાર છે? રણવીર સિંઘ? રણબીર કપૂર? વરુણ ધવન? વિકી કૌશલ? આ ચાર જ વિચારો તો રણબીરને આગળ કરવો પડે પણ તે કયાં છે તે હવેની 2 – 3 ફિલ્મો પછી કહી શકાય. રણવીર સિંઘમાં સોફેસ્ટિકેશન નથી.

વધારે પડતી એનર્જી બતાવવાથી સ્ટાર બની ન શકાય. તે પોતાને કલાસિક ફિલ્મો માટે ખાસ માને તે પણ યોગ્ય નથી. તેના દિગ્દર્શક અને ફિલ્મોનું પ્રોડકશન લેવલ જ કલાસિક યોગ્ય કામ આપી શકે. તો વિકી કૌશલ? ના, હજુ એટલી ફિલ્મો નથી આવી કે તેની સ્ક્રિન ઇમેજને એ રીતે વિચારી શકીએ. ને એવું વરુણ ધવન વિશે પણ નથી. પણ હા, તે પોતાને એકસ્પ્લોર કરવા તૈયાર રહે છે. બાકી વિત્યા 4 વર્ષની તેની ફિલ્મોમાં જેને ખાસ ગણવી હોય તે તો ‘સુઇધાગા’ ય નથી, ‘કલંક’, ‘સ્ટ્રીટ ડાન્સર – 3D’ પણ નથી, ‘કુલી નં.- 1’ કે ‘અંતિમ’ પણ નથી પણ અત્યારે તેની ફિલ્મ આવી રહી છે તો ચર્ચા કરીએ.

જે આવે છે તે ફિલ્મ ‘જુગ જુગ જીયો’ છે અને તેમાં કુટુંબમૂલ્ય અને તેના માટેના સંઘર્ષની કથા છે. આવા પ્રકારની ફિલ્મો હમણાં બહુ બનતી નથી. બને તો TV સિરીયલો બને છે. બાકી સુરજ બડજાત્યાની જ રાહ જોવી પડે. કરણ જોહરની આ ફિલ્મ છે, જે યશ ચોપરા સ્ટાઇલે ફેમિલી ફિલ્મ બનાવી શકે છે. એટલે વરુણ ધવન આમાં થોડી જુદી દિશાનું કામ કરશે. આમ તો ‘સુઇધાગા’ માં પણ તે મધ્યમ વર્ગીય સંઘર્ષ કરતો હતો, પણ ‘જુગ જુગ જીયો’ કરણનું પ્રોડકશન છે. એટલે ગ્લોરીફાઇડ ફેમિલી જ હશે ને તેથી મનોરંજક પણ વધારે હશે.

જે સ્ટારની દિશા સુપરસ્ટારની હોય, તેણે ફેમિલી વેલ્યુવાળી લવસ્ટોરી ફિલ્મો કરવી પડે. કોમેડી કે એકશન કે હોરર કે થ્રીલર કે વોર ફિલ્મ કે સરહદ પર ખપી જતા નેશનલ હીરોની ફિલ્મ વચ્ચે કરી શકાય પણ તેનાથી સુપરસ્ટાર ન બની શકાય. વરુણ ધવન અત્યારે વધારે વૈવિધ્ય સાથે પોતાના સ્ટારડમને ચકાસી રહ્યો છે. હવે તે એકદમ એવી ફિલ્મો જ નથી લેતો જેમાં ડાન્સ, રોમાન્સ, કોમેડી જ કરવાના હોય. તમે એવું કહી શકો કે તેના સ્ટારડમના બીજા તબકકામાં પ્રવેશી ગયો છે, જેમાં તેણે હકીકતે જ રણબીર, રણવીર વગેરેનો મુકાબલો કરવાનો હોય.

હા, તેના સપોર્ટમાં એવી જ ફિલ્મો હોવી જોઇએ. અત્યારે ‘જુગ જુગ જીયો’ પછી તેની ‘ભેડીયા’ ફિલ્મ બનીને તૈયાર છે, પણ તે નવેમ્બરમાં રજૂ થવાની છે. એ એક હોરર કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મના 70 %થી વધુ કળાકારો અરુણાચલ પ્રદેશના છે અને ત્યાં જ વધારે શૂટિંગ થયું છે, પરંતુ આ આટલી બાબત ફિલ્મને ખાસ બનાવી શકશે? હમણાં હોરર – કોમેડી ફિલ્મો ઘણી બની. ઘણીવાર હોરર તરફ તો ઘણીવાર કોમેડી તરફ ફિલ્મ વધારે ખેંચાય જાય તો પ્રેક્ષક મુંઝાઇ જાય છે. વરુણની ‘બવાલ’નું ફિલ્મીંગ ચાલી રહ્યું છે. નિતેશ તિવારીની અને સાજીદ નડિયાદવાલાની આ ફિલ્મ છે. પેરિસ સહિતના 3 યુરોપિયન દેશોમાં તેનું શૂટિંગ ચાલુ છે અને સાથે જાન્હવી કપૂર છે, તો અપેક્ષા જુદી રાખી શકો.

વરુણ જે ભૂમિકાઓમાં વૈવિધ્ય ઝંખે છે તે ‘ઇક્કીસ’માં ય છે. કારણ કે તે બીજા લેફટનંટ અરુણ ક્ષેત્રપાલની બાયોપિક છે. આ ઉપરાંત ‘સનકી’, ‘મિસ્ટર લેલે’ છે. વરુણ ધવન માટે આ બધી બીજા તબકકાની જ ફિલ્મો છે અને તે પોતાના સ્ટારડમ વિશે સભાન જણાય છે. તે પોતાને ડેવિડ ધવનના દિકરા તરીકે પણ આગળ નથી કરતો કે પછી ફિલ્મ નિર્માણ તરફ પણ ગયો નથી. તેનું ફોકસ રણબીર, રણવીર, વિકી, ટાઇગર શ્રોફ વગેરેની જેમ ફકત એકટિંગ પર છે, પણ તેની આ ફિલ્મો રજૂ થશે તે દરમ્યાન બીજા સ્ટાર્સની ફિલ્મો પણ આવશે અને સાઉથની ફિલ્મો તો હુમલાખોર પ્રકારની હોય છે. આ બધા વચ્ચે તે શું હાંસલ કરે છે તે જોવાનું રહેશે. ગયા વર્ષે નતાશા દલાલ સાથે પરણ્યો પછી તે જહોન અબ્રાહ્મ, શાહીદ કપૂરની જેમ કામ પર ધ્યાન આપે છે. બસ, એ જ જરૂરી છે બાકી સ્ટારથી સુપરસ્ટાર બનવાના રસ્તા સરળ નથી. તમે વરુણને એ માટેનો એક દાવેદાર ગણો બસ એટલું જ! •

Most Popular

To Top