હવે દરેક લોકસભા ચૂંટણીમાં કોઈને કોઈ ફિલ્મસ્ટાર ચૂંટણી લડે છે. કયારેક ગોવિંદા, કયારેક ઉર્મિલા માતોંડકર, કયારેક સની દેઓલ, કયારેક ધર્મેન્દ્ર ફિલ્મજગતમાં પોતાને મળતાં કામ ઓછા થાય એટલે રાજકારણમાં ઘુસવાના પ્રયત્ન કરવા જેથી સલામતી જળવાય રહે. સુનીલદત્ત, શત્રુધ્નસિંહા, વિનોદ ખન્ના, હેમામાલિની વગેરે રાજકારણમાં લાંબુ રહ્યા અને તેઓ તેમના કામથી ઓળખાયા પણ ખરા. બાકી તો રાજેશ ખન્ના, દિપીકા ચિખલીયા, અરવિંદ ત્રિવેદી, મહેશ કનોડિયા જેવા અનેક આવ્યા ગયા. જેઓ ફકત પોતાની લોકપ્રિયતાને રોકડી કરવા આવે તે લાંબા સમય ટકર્તા નથી અને ટકા ન જ જોઇએ. પણ આજકાલ એવું છે કે ચૂંટણીમાં ઊભા રહેનાર ઘણા ઉમેદવારો પોતાની નહીં તેટલી પક્ષની પ્રતિષ્ઠાને આધારે ચુંટાય જાય છે. પેલા પક્ષોને પણ તેમની પાસે વધારે અપેક્ષા નથી હોતી. બસ, પોતાની બહુમતિમાં તેના નામની એક બેઠક વધારે. આ વખતે અયોધ્યા મંદિર બન્યું અને આખા દેશમાં તેના નામે મહોત્સવ યોજાયો તો તેનો લાભ લેવા રામાનંદ સાગરની ‘રામાયણ’ ટી.વી. સિરીયલના રામ-અરુણ ગોવિલને મેરઠ સંસદીય ક્ષેત્ર માટે ટિકિટ આપવામાં આવી છે. અરુણ ગોવિલ મેરઠમાં જ ભણ્યો છે એટલે મેરઠથી જાણીતો છે પણ ત્યાંના લોકોએ તેની પાસે શું અપેક્ષા રાખવી તે ખબર નથી. રાજકારણમાં સફળતા માટે લોકોને કામ કેવી રીતે થાય તેની ખબર હોવી જોઇએ. અરુણ ગોવિલ જો જીતશે તો કદાચ કામ શીખશે. પણ અરુણ ગોવિલથી વધારે ચર્ચામાં છે કંગના રણૌત જે હિમાચલના મંચથી ચૂંટણી લડી રહી છે. અગાઉ તેને પૂછાતું તો કહેતી કે રાજકારણમાં જવાનો તેનો કોઇ ઇરાદો નથી પણ છેલ્લા થોડા વર્ષોથી તે ભાજપની ઘણી નજીક આવી છે તે ખબર પડતી હતી. ભાજપને ખુશ કરવા જ તેણે ‘ઇમરજન્સી’ જેવી ફિલ્મ પણ બનાવી છે જે આ ચૂંટણી પછી જૂનમાં રજૂ થવાની છે. કંગના વધારે બહુ બોલકી અભિનેત્રી છે. ઘણીવાર તેની પાસે બોલવાના સારા મુદ્દા હોય છે પણ ઘણીવાર એવું બોલે છે કે કોઇ રાજકીય પક્ષે જ બચાવવી પડે. હવે તેણે બોલવા બાબતે સાવધાની રાખવી પડશે જો કે જો જીતી ગઈ તો તે વધારે આકરી બને તે પણ શકય છે. ઘણા કહે છે કે કંગના એટલા માટે રાજકારણમાં આવી છે કે તેની ફિલ્મો લાગલગાટ નિષ્ફળ જઈ રહી છે. જો કે તે માને છે કે એવો તબક્કો તો કોઇ પણ સ્ટારના જીવનમાં આવતો હોય છે. કંગનાની વાત ખોટી નથી પણ તે ઘણી તુમાખીવાળી છે. ફિલ્મજગતમાં વધરે પડતા બોલ્ડ દેખાવાનો કે એક્ટિવિસ્ટ દેખાવાનો અર્થ નથી. બાકી અત્યારે પણ ‘ઇમરજન્સી’ ઉપરાંત બીજી ત્રણ-ચાર ફિલ્મો છે પણ ફિલ્મજગતના મોટા ને સારા નિર્માતા તેને પોતાની ફિલ્મમાં લેવા તત્પર નથી. તેને લેવી હોય તો તેને જ કેન્દ્રમાં રાખતી ફિલ્મ વિચારવી પડે. તે ફિલ્મમાં કોઇ મોટા પુરુષ સ્ટારને પણ ન લઇ શકો એટલે ફિલ્મની કમર્શીઅલ વેલ્યુ શરૂથી જ ઓછી થઈ જાય. બીજું કે તે ઇચ્છે તેવી રાજકીય પ્રતિક્રિયા આપે તો તેના કારણે કયારેક રજૂ થનારી ફિલ્મને પણ વેઠવાનો વારો આવે. કંગનાએ ફિલ્મમાં રહેવું હોય તો ઘણું બદલાવું પડે તેમ છે. આ સંજોગોમાં તે રાજકારણની કારકિર્દી વિચારે તે તેની દૃષ્ટિએ સલામત રસ્તો છે. પણ તેનાથી સંસદીય ક્ષેત્રને કેટલો લાભ થશે તે ખબર નથી હવે લોકસભા માટે ઊભી જ છે તો તેણે તાકાત લગાવી દેવી જોઇએ. •
કંગના ફિલ્મોની નિષ્ફળતાથી ડરી રાજકારણમાં આવી છે?
By
Posted on