વડોદરા: શહેરમાં પાણીજન્ય રોગોના કારણે રોગચાળો ફેલાયો છે અને કેસોમાં વધારો થયો છે જેના કારણે પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. છેલ્લા 3 દિવસથી શહેરમાં પાણીપુરીની લારીઓ ઉપર કડક ચેકીંગ કરવામાં આવી રહ્યું છે અને અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવી રહ્યો છે જો કે સવાલ એ છે કે શું શહેરમાં માત્ર પાણીપુરીથી જ આ રોગચાળો ફેલાયો છે? અનેક એવા વેપારીઓ છે જેના કારણે પાણીજન્ય રોગો ફેલાય છે ત્યારે તંત્ર તેઓ ઉપર ક્યારે તવાઈ બોલાવશે તેવી ચર્ચા છે.
ચોમાસાની શરૂઆત સાથે પાણીજન્ય રોગોના કારણે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. અનેક હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ત્યારે આ માંદગીને લઈને પાલિકાનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. અને પાણીપુરીની લારીઓ ઉપર તવાઈ બોલાવવામાં આવી છે. છેલ્લા 3 દિવસથી પાણીપુરીની લારીઓ પર ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. એ વાત સાથે સહમત છીએ કે પાણીપુરીથી માંદગી ફેલાઈ શકે છે પરંતુ શું પાણીજન્ય રોગો થવા પાછળ પાણીપુરી જ જવાબદાર છે? અન્ય કેટલાય વેપારીઓ છે જે બિનઉપયોગી પાણીનો ઉપયોગ કરીને ચટણી, સોસ, સહિતની સામગ્રી બનાવતા હોય છે. પાલિકા તંત્ર આવા વેપારીઓ સામે પગલાં ક્યારે ભરશે તેવી ચર્ચા ચાલી રહી છે. માત્ર પાણીપુરીના વિક્રેતાઓ ઉપર તવાઈ બોલાવવાથી શું માંદગી પુરી થઇ જશે શહેરમાંથી રોગચાળો નાથવા માટે મોટા મગરોને પણ નિશાન બનાવવા પડશે.