Comments

બિહારની તસવીર ક્યારે બદલાશે?

બિહારમાં આ વર્ષના અંતે ચૂંટણી થવાની છે અને એ માટે રાજકીય માથાપચ્ચી શરૂ થઇ છે. એનડીએ અને ઇન્ડિયા વિરુદ્ધ મુકાબલો થવાનો છે પણ અત્યારથી કેટલીક દુવિધાઓ જોવા મળી રહી છે. નીતીશકુમારની આગેવાનીમાં એનડીએ ચૂંટણી લડશે એ તો લગભગ નક્કી છે પણ નીતીશ ફરી મુખ્યમંત્રી બનશે કે કેમ એ તો ચૂંટણીનાં પરિણામો પર આધારિત છે. જેમ કે મહારાષ્ટ્રમાં ચિત્ર બદલાઈ ગયું. સામે લાલુ યાદવનો પક્ષ છે. તેજસ્વી મોરચો સંભાળે છે. પણ તમે જુઓ કે, બિહારમાં જેમનો દબદબો રહ્યો છે એ લાલુ યાદવ ફરી બીમાર પડ્યા છે અને નીતીશ પણ બીમાર રહે છે અને એ અંગે ઘણી બધી અટકળો થઇ રહી છે.

આ બધાથી ઉપર એક મહત્ત્વનો સવાલ એ છે કે, બિહારની તસવીર ક્યારે બદલાશે. બીમાર રાજ્યની યાદીમાંથી બિહાર ક્યારે બહાર આવશે? જેનો ભવ્ય ઈતિહાસ રહ્યો છે. ચન્દ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ અશોક જેવા શાસકો બિહારે આપ્યા છે. નાલન્દા જેવી વિદ્યાપીઠ અહીં હતી, બૌધગયા અહીં છે, વૈશાલી હતું જે લોકતંત્રની મિસાલ ગણાઈ અને ગુરુ ગોવિંદસિંહ પન્તામાં જન્મ્યા હતા. પણ આ બધો ઈતિહાસ છે. આજે બિહારની છબી કેવી છે? દર વર્ષે લાખો લોકો રોજીરોટી માટે મુંબઈ, દિલ્હી કે પંજાબ કે અન્ય રાજ્યોમાં જાય છે. બિહારમાં સાક્ષરતા વધી છે. સડકો તો બની છે પણ બેરોજગારી ઘટતી નથી.

પણ માત્ર ઈતિહાસ સારો હોવાથી ભવિષ્ય ઉજળું બનતું નથી. બિહાર આજે ગરીબી, ભ્રષ્ટાચાર, ગુંડાગીરી માટે જાણીતું છે અને એ માટે છેલ્લાં થોડાં વર્ષોમાં જે શાસકો આવ્યા એ દોષી છે. લાલુ રાજને જંગલ રાજ ગણવામાં આવે છે. આ સમયમાં બિહારમાં જે બન્યું એના કારણે બિહાર પાછું પડી ગયું. નીતીશ કુમાર આવ્યા અને શરૂઆતમાં એ સુશાસન બાબુ તરીકે જાણીતા થયા અને બિહારમાં વિકાસ થવા લાગ્યો પણ એમને વારંવાર સત્તા મળી  અને એ માટે એમણે સાથીઓ બદલવાનું ચાલુ રાખ્યું એમાં બિહારનાં હિતો હાંસિયામાં ધકેલાઈ ગયાં. આજે બિહારમાં દારૂબંધી મજાક બનીને રહી ગઈ છે.

હા, બિહાર જરૂર બદલાયું છે. સાક્ષરતા ૨૦૦૧માં ૪૭ ટકા હતી એ વધી ૨૦૨૧માં ૭૯ ટકા થઇ છે. અર્થવ્યવસ્થાની વાત કરીએ તો વિકાસ દર ૧૦.૪૩ ટકા છે જે રાષ્ટ્રીય વિકાસ દર ૭.૨ ટકા કરતાં વધારે જ છે. એમ તો બિહારમાં સારી સડકો પણ બની છે. પણ બેરોજગારી ઘટતી નથી. અહીં ગરીબી રેખા નીચે જીવતાં લોકોની સંખ્યા ૩૩.૭ ટકા છે. રાષ્ટ્રીય આંકડો ૨૧.૯ ટકા છે. ગુજરાત,મહારાષ્ટ્ર કે તામીલનાડુમાં ઉદ્યોગોનું પ્રમાણ ઝાઝેરું છે. શહેરીકરણ ઘણું બધું થયું અને આ રાજ્યોમાં માથાદીઠ આવક ૨ લાખથી વધુ છે. જ્યારે બિહારમાં આ આંકડો ૬૬,૮૨૮નો છે. પહેલાં જમીનદારીનાં દુષ્પરિણામો બિહારે જોયાં અને પછી ગેરશાસનના કારણે બિહારની માઠી બેઠી. એમાં ઝારખંડ છૂટું પડ્યું એ કારણે ખનીજ સંપદા ઘટી ગઈ.

આજે શું સ્થિતિ છે? મોટા ઉદ્યોગો નથી અને રોકાણ થતું નથી. રાજકીય અસ્થિરતા પણ અહીં રહી એ કારણે ભ્રષ્ટાચાર વધ્યો. શિક્ષા અને સ્વાસ્થ્યમાં રોકાણ થવું જોઈએ એ ના થયું. આમ છતાં પટનામાં ફ્લેટના ભાવ છે એ નોઇડા કરતાં પણ વધુ છે કે લગોલગ છે. બેરોજગારીનો દર ૧૩.૫ ટકા છે અને રાષ્ટ્રીય દર ૭.૮ કરતાં એ ઘણો ઊંચો છે. આ જ કારણે બિહારીઓ રોજી માટે રાજ્ય બહાર જાય છે.

આ સ્થિતિ બદલવાની જરૂર છે. આ માટે કોણ યોગ્ય છે એની લડાઈ આવતી ચૂંટણીમાં થવી જોઈએ. ભાજપ પાસે કોઈ બળુકો નેતા બિહારમાં નથી અને એટલે નીતીશ કુમારને આગળ કરવા પડે છે. સામા અપક્ષે લાલુ યાદવના પુત્ર તેજસ્વી છે. એ યોગ્ય વિકલ્પ ક્યાં છે? કોંગ્રેસ તો અહીં નબળી પડી છે. એમાં વળી નીતીશકુમાર બીમાર છે એવી વાતો સતત આવતી રહે છે. આ સમાચાર જેડીયુ માટે સારા નથી અને એનડીએ માટે પણ ખરાબ છે. કારણ કે, અત્યારે ભાજપે નીતીશના સહારે જ ચૂંટણી લડવી પડે એમ છે. શું આવતી ચૂંટણી બિહારની તસવીર બદલી શકશે?

કાશી મથુરામાં સંઘના કાર્યકર્તા જશે
મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર દૂર કરવા માટે અવાજ બુલંદ બન્યો અને હિંસા પણ થઇ પછી આર. એસ. એસ. દ્વારા સારું સ્ટેન્ડ લેવાયું અને કહેવાયું કે, ઔરંગઝેબ પ્રાસંગિક નથી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિશે પણ કહ્યું કે, એ કબર સ્મારક છે. પણ સંઘે એ પછી જે નિવેદન કર્યું એ વિવાદ સર્જે એવું છે. સંઘે કહ્યું કે, કાશી અને મથુરામાં અમારા કાર્યકર્તા જવા માગતા હોય તો જઈ શકે છે. કાશી અને મથુરામાં મસ્જીદ અને મંદિરનો ઝઘડો ચાલે છે અને કેસ સુપ્રીમ કોર્ટમાં છે અને છતાં ઘણાં લોકો જુદી જુદી અરજીઓ કોર્ટમાં કરે છે અને કોઈ સ્થળ અંગે પણ અરજીઓ થઇ રહી છે અને કોર્ટે એ વિષે પોતાનો મત સ્પષ્ટ કરી દીધો છે કે કોઈ નવી અરજી નહિ સ્વીકારાય. પણ સંઘે એકાએક એમ કેમ કહ્યું કે, કાર્યકર્તા કાશી મથુરા જઈ શકે છે.

અગાઉ મોહન ભાગવતે પણ કહ્યું હતું કે, વારેવારે કોઈ ધાર્મિક સ્થળનો વિવાદ જગાવવાની જરૂર નથી. પણ સંઘ દ્વારા કાર્યકર્તાને છૂટ આપવી એ ભાગવતના નિવેદન સાથે મેળ ખાતી નથી. શું સંઘ દ્વારા રામ મંદિર માટે આંદોલન થયું એ પ્રકારે કોઈ આંદોલનની તૈયારીના ભાગ રૂપે આ છૂટ અપાઈ છે. કોર્ટમાં કેસ હોય અને ત્યાં સુનાવણી ચાલી રહી હોય પછી શા માટે વિવાદમાં ઘી રેડવું જોઈએ? રામ મંદિર માટે કોર્ટે ચુકાદો આપ્યો અને મંદિર બન્યું. એ રીતે જ કાશી મથુરા માટે કોર્ટના ચુકાદાની રાહ જોવી એ જ હિતાવહ છે. નહિ તો હિંદુ મુસ્લિમ તણાવ વધી શકે છે અને એનાં પરિણામો કોઈ પણ માટે સારાં નથી હોતાં એવા આપણા અનુભવો રહ્યા છે.
કૌશિક મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top