Charchapatra

ટોચનાં ત્રણ વૈશ્વિક અર્થતંત્રોમાં ભારતના સમાવેશનું સ્વપ્ન ક્યારે શક્ય બને?

મહારાષ્ટ્રમાં અમૃત પ્રોજેક્ટની શિલાન્યાસની વિધિ પત્યા પછી આપણા વડા પ્રધાન દ્વારા જણાવવામાં આવ્યું કે હવે પછીની મારી ત્રીજી ટર્મમાં આપણો દેશ વિશ્વનાં ટોચનાં ત્રણ વૈશ્વિક અર્થતંત્રોમાં હશે. દેશમાં સર્વોચ્ચ સ્થાને લોકપ્રતિનિધિ તરીકે બેઠેલી વ્યક્તિ જેને લોકોએ અનેક આશા અને અપેક્ષા સાથે ચૂંટેલ એમના દરેક સ્ટેટમેન્ટ અને વચનોને લોકો મહદ્ અંશે સાચા માનીને એમના બહેતર ભવિષ્યની અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે અને એમાં કશું ખોટું પણ નથી કારણ કે કોઇ પણ દેશની લોકશાહીમાં લોકોએ ચૂંટી કાઢેલ વ્યક્તિ લોકપ્રતિનિધિ તરીકે ઓળખાય છે અને દરેક લોકપ્રતિનિધિ પાસે એમના મતદાતાઓની એવી અપેક્ષા હોય કે એમના કાર્યકાળ દરમિયાન સામાન્ય લોકોનું જીવન બહેતર બને એ માટે જેમના પર વિશ્વાસ મૂકી ચૂંટ્યા છે તેઓ આ બાબતે સઘન પ્રયત્નો કરે.

આપણા દેશનાં લોકો એટલાં ઉદાર પણ છે કે તેઓ એવી અપેક્ષા પણ નથી રાખતા કે લોકનેતા એમના દરેકે દરેક વાયદામાં ખરા ઊતરે પરંતુ એમના જીવનની જે કોઇ સમસ્યા હોય એ ઓછી થાય અને એ રીતે એમનો ભવિષ્યનો માર્ગ મોકળો થાય એટલી અપેક્ષા તો જરૂર રાખે. આ બધી આશા અને અપેક્ષાના સંદર્ભે આપણે હાલ લોકનેતાઓમાં મુખ્યત્વે આપણા વડા પ્રધાન કે જેઓ હવે એમનાં દરેક ભાષણોમાં એમના પક્ષને બદલે એમની અંગત ગેરન્ટીની વાત કરે છે (જે લોકશાહીમાં સામુહિક નેતૃત્વના મૂળભૂત સિધ્ધાંતની વિરુધ્ધ છે) એથી લોકોની અપેક્ષા ઘણી વધી જાય છે કારણ કે આ ગેરન્ટી કહેવાતા લોકપ્રિય નેતા દ્વારા મતદાતાઓને અપાયેલ ગેરન્ટી છે.

આ ગેરન્ટી સંદર્ભે એમનું આ ઉચ્ચારણ વાંચતાં એમનો ૨૦૧૪ થી અત્યાર સુધીનો સંપૂર્ણ કાર્યકાળ અને એ સમય દરમિયાન તેમજ દરેક લોકસભાની ચૂંટણી પહેલાં એમણે કરેલા વાયદાઓ અને જાહેરાતો યાદ આવી ગયા તેમજ એ વચનો કેટલે અંશે હકીકતમાં પરિવર્તિત થયા એ અંગે વિચારતાં ખ્યાલ આવે છે કે દેશના મોટા ગજાના ઉદ્યોગપતિઓ સિવાયના મોટા ભાગના મધ્યમ અને ગરીબ લોકોને કહેવાતા વિકાસનાં ફળ પ્રાપ્ત થયાં નથી અને મોટા ભાગનાં વચનો ચૂંટણી દર ચૂંટણી દોહરાતાં જાય છે પરંતુ આ વચનો મહદ્ અંશે જમીની હકીકતોથી ઘણાં દૂર છે.

જેમકે આવકની અસમાનતા અને બેકારી ઘટવાને બદલે વધી છે, મોંઘવારી ઘટવાનું નામ નથી લેતી, રૂપિયો સતત ઘસાતો જાય છે અને ગવર્નમેન્ટનું દેવાનું પ્રમાણ સતત વધતું જાય છે જે હાલ લગભગ દેશના જીડીપી જેટલું છે. આ બધાની સીધી અસર લોકોના જીવનધોરણ પર પડે છે. દેશને બુલેટ ટ્રેન કે અન્ય આધુનિક ટ્રેનો અને ઠાલાં વચનો કરતાં વધુ જરૂર છે ધંધા-રોજગાર દ્વારા લોકોની આર્થિક ક્ષમતા વધારવાની, જે આખરે દેશની આર્થિક પ્રગતિમાં પરિણમી શકે અને આ નવી ટ્રેનોને જરૂરી પ્રમાણમાં પેસેન્જરો પણ મળતાં રહેવાની શક્યતા પેદા થાય. આપણે આશા રાખીએ કે સરકાર અને વડા પ્રધાન લોકોના પાયાના પ્રશ્નોને અગ્રતાક્રમ આપી એ અંગે ઘટતું કરે કે જેથી કોઇ વાયદો જુમલામાં પરિવર્તિત ન થાય જે અત્યાર સુધી બનતું આવ્યું છે.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top