ડાયના પેન્ટીએ જયારે કારકિર્દી શરૂ કરી ત્યારે ઘણી ચર્ચામાં હતી. બોમ્બ ફાટે ત્યારે તેનો અવાજ બધાને કાને પડે અને પછી સૂનકાર વ્યાપી જાય. ડાયનાનું એવું જ થયું. આમ તો તે બ્યુટીફૂલ છે અને લેડી ડાયનાનું નામ ધરાવે છે ને સાથે ‘પેન્ટી’ જેવી સરનેમ ધરાવે છે. આટલું પણ પૂરતું હતું પણ ડાયનાનું કશું ન થયું. પારસી પિતા અને કોંકણી ખ્રિસ્તી માતાની દિકરી ડાયનાએ ફેશન મોડલ તરીકે શરૂઆત કરેલી. તેની પહેલી ફિલ્મ રણબીર કપૂર સાથેની ‘રોક સ્ટાર’ બની હોત કારણકે ઇમ્તિયાઝ અલીએ પ્રથમ તેને જ પસંદ કરેલી પણ ત્યારે તે મોડલીંગમાં એટલી રોકાયેલી હતી કે ના પાડી દીધી. આખર નરગીસ ફખરીને તક મળી ગઇ.
તમે વિચારો કે પહેલી જ ફિલ્મ ઇમ્તિયાઝ અલીની હોય ને રણબૂર કપૂરો હીરો હોય તો તેને કેટલો ફાયદો થયો હોત. ખેર, પછી હોમી અડાજણીયાની ‘કોકટેલ’માં તે સૈફ અલી ખાન અને દિપીકા પાદુકોણે સાથે આવી. તેમાં તે મીરા નામની સિમ્પલ ભારતીય છોકરીની ભૂમિકામાં હતી. જો તે ગ્લેમર સાથગે આવી હોત તો મોટો ફરક પડયો હોત. ખેર, પછી ચારેક વર્ષ તેની ‘હેપી ભાગ જાયેગી’ આવી. પણ તેમાં અભય દેઓલ હતો જે સ્ટાર તરીકે ઘણાને આકર્ષે તેવો નથી. ડાયનાની ગાડી ખોટા પાટે ચડી ગઇ. હા, ‘પરમાણુ: ધ સ્ટોરી ઓફ પોખરણ’માં તેની ભૂમિકા સારી હતી અને તરત જ ‘હેપી ફીર ભાગ જાયેગી’ આવી. પહેલી ફિલ્મમાં પણ તે હેપી હતી ને બીજીમાં પણ હેપી તરીકે ભાગી પણ પછી તે ધીમી પડી ગઇ છે.
ગયા વર્ષે ‘શિદૃત’ આવી તે ન ચાલી. આ વર્ષે દલકીર સલમાન સાથેની ‘સેલ્યુટ’ આવી હતી પણ કોઇએ સેલ્યુટ નથી મારી. પણ ડાયનાએ હજુ શસ્ત્રો હેઠા મુકયા નથી. તેની ‘અદ્ભૂત’ અને ‘ડ્રાઇવીંગ લાયસન્સ’ આવી રહી છે. ‘અદ્ભૂત’ માં નવાઝુદ્દીન સિદ્દીકી છે તો ‘ડ્રાઇવિંગ લાયસન્સ’ એ જ નામની મલયાલમ ફિલ્મની રિમેક છે. જેમાં અક્ષયકુમાર, નુસરત ભરૂચ, ઇમરાન હાશમી, ટિસ્કા ચોપરા સાથે ડાયના છે. આ ફિલ્મનું નામ જોકે ‘સેલ્ફી’ કરી દેવાયું છે. ડાયના અત્યારે પણ માત્ર ફિલ્મોમાં જ કામ કરવા માંગે છે એટલે વેબસિરીઝ માટે તૈયાર નથી. તેણે આમ કરવાની જરૂર પણ નથી. તેને જરૂર છે એકાદ-બે સારી સફળ ફિલ્મની. જો એટલું થશે તો તેની ગાડી ટ્રેક પર આવી જશે. •