પૂર્વ ડે સીએમ નીતિન પટેલે તાજેતરમાં મહેસાણામાં કરેલા નિવેદનોએ હવે વિવાદ જગાવ્યો છે. ખાસ કરીને પટેલે મહેસાણામાં કહ્યું હતું કે રામાયણ હોય એટલે તેમાં મંથરા અને વિભીષણ પણ હોવાના જ. હું મહેસાણા આવું છું તે પણ કેટલાંકને ગમતું નથી. જો કે મારે મારા કાર્યકરોનું ધ્યાન રાખવાનું હોય છે.
નીતિન પટેલના મામલે થયેલી સોશિયલ મીડિયા પોસ્ટ પર ભાજપના અમરેલીના સાંસદ નારાયણ કાછડિયાએ લખી નાંખ્યું હતું કે ગાંધીનગર આવી યે તો સામુ પણ જોતાં નહોતા. કામની વાત તો બાજુએ રહી. કોરોનાની બીજી લહેર વખતે સરકારની નબળી કામગીરીના પગલે ભાજપના હાઈકમાન્ડ દ્વારા આખી રૂપાણી સરકારને જ ઘર ભેગી કરી દેવાઈ છે, એટલે હવે ભાજપની અંદર નેતાઓ બોલતા થયા છે.
નીતિન પટેલ પાર્ટીની અંદર રહેલા પોતાના વિરોધીઓને સંભળાવી રહ્યા છે, તો ભાજપના સાંસદે લખ્યું છે કે અમે ગાંધીનગર આવતા તો (નીતિન પટેલ)સામે પણ જોતા ન હતા, હવે પાર્ટીમાં વિભીષણ અને મંથરાની વાતો કરી રહ્યા છે. ખાસ કરીને નીતિન પટેલે 2022ની ચૂંટણી મહેસાણાથી લડવાની જાહેરત કરી છે. જોવાનું એ રહે છે કે ભાજપનું હાઈકમાન્ડ રૂપાણી સરકારમાં રહેલા મંત્રીઓને પુન:ટીકીટ આપે છે કે કેમ ?