Comments

સતત પરીક્ષાઓ જ ચાલ્યા કરે તો ભણાવવાનું કયારે?

ભારતમાં મેકેલોએ ઔપચારિક શિક્ષણનો પાયો નાખ્યો ત્યારથી આજે નવી શિક્ષણનીતિ અમલ થવા જઇ રહી છે ત્યાં સુધી તેની મુખ્ય ખામી ‘શિક્ષણ પર સરકારનો કાબૂ… અને અધિકારીઓના આદેશો’- એમની એમ છે. નવી શિક્ષણનીતિનો અમલ શરૂ થઇ ગયો છે. તેના અનેક નવા મુદા્ વખણાય પણ છે. પણ ખાટલે મોટી ખોટ જેવું સરકારીકરણ નવી નીતિમાં પણ દૂર થયું નથી. ઉલટાનું વધ્યું છે!

ગયા વર્ષે બોર્ડની પરીક્ષાના પરિણામમાં ઘટાડો થયો! ગુજરાતના કેટલાક અપરિપકવ જર્નાલિઝમે તેના સેસેશનલ સમાચાર બનાવ્યા. ખરી વાત તો એ હતી કે જૂનાં વર્ષોમાં કોરોનાના માસ પ્રમોશનને કારણે આગળ વધેલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ઘણા સમય પછી પરીક્ષા આપતા હોવાથી રીઝલ્ટ ઘટે તે સ્વાભાવિક હતું. વળી બોર્ડનાં અત્યંત ઊંચાં પરિણામો ખરેખર તો ચિંતાજનક હતાં. જો બોર્ડની જાહેર પરીક્ષામાં જ 86 ટકા થી 90 ટકા પરિણામ આવે તો તે નબળા પરીક્ષણ અને નબળી પરીક્ષાપદ્ધતિને દર્શાવે છે!

આ સંદર્ભે જોતાં બોર્ડના 65 ટકાથી 72 ટકાનાં પરિણામો લગભગ કુદરતી હતાં. પણ શૈક્ષણિક મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરવાને બદલે ઉપરછલ્લા અને સરકારના શિક્ષણ વિભાગને સંભળાઈ દેવાના મુડમાં લખાયેલા સમાચારોએ સરકારને સજાગ કરી. સરકારે શિક્ષણ વિભાગને સૂચના આપી અને શિક્ષણ વિભાગના અધિકારીઓએ ટેબલ પર બેઠાં બેઠાં પરીક્ષાનાં પરિણામ સુધારવા તુક્કાઓનું આદેશનું રૂપાંતર કર્યું! અને ઓર્ડર થયા કે સરકારી, ગ્રાન્ટેડ શાળામાં દર અઠવાડીએ એક મુખ્ય વિષયની પરીક્ષા લેવાની! વિદ્યાર્થીનું સતત મૂલ્યાંકન કરતાં રહેવાનું. એને પરીક્ષાની ટેવ પાડવાની. પરિણામે બોર્ડની પરીક્ષા આવે ત્યારે તેને સરળતા રહે!

બોર્ડના નીચા પરિણામ માટે ભૂતિયાં વિદ્યાર્થીઓને જવાબદાર ગણવામાં આવ્યાં હતાં. બોગસ શાળાઓમાં વિદ્યાર્થીઓ એડમિશન લે છે, પણ ભણવા જતાં નથી. સીધા પરીક્ષા આપવા જ જાય છે માટે પરિણામ નીચાં આવે છે! આવી ફરિયાદ ઊઠવા પામી હતી. આ ભૂતિયા વિદ્યાર્થીનો ઉકેલ પણ અધિકારીઓને આ અઠવાડિક પરીક્ષામાં જ દેખાયો. વળી દર અઠવાડીએ પરીક્ષા લઈને તેના માર્કસ દર અઠવાડીએ જ ઓનલાઈન પોર્ટલમાં ચડાવી દેવાના એટલે કોઇ સ્કૂલ ખોટું ન કરે.

ટેકનોલોજી માણસના ભલા માટે છે. સગવડ માટે છે. કામનું ભારણ ઘટાડવા માટે છે. પણ જેમ સોનોગ્રાફી મશીનનો આપણે દુરુપયોગ કર્યો છે તેમ સત્તાવાળા આ ઓનલાઈન એપ્લીકેશન સોફટવેરનો દુરુપયોગ કરવા માંડયા છે.અધિકારીને બધી જ માહિતી ટેબલ ઉપર બેઠાં બેઠાં જોઈએ છે. એટલે તે શિક્ષક હાજરીથી માંડીને પરીક્ષાના માર્કસ  સુધીનું બધું જ ઓનલાઈન મંગાવે છે. વળી આ બધી જ માહિતી મંગાવનારા અધિકારી શાળાઓમાં પૂરતા વહીવટી સ્ટાફની જગ્યા ભરતા નથી. આ બધો જ ડેટા અંતે તો કોઇકે સોફટવેરમાં અપલોડ કરવો પડે. તે માટે માણસ જોઇએ તે વિચારતા નથી અને આદેશો કર્યા પછી શાળા કક્ષાએ શું હાલત થઇ તે તપાસતાં નથી! જો અધિકારીશ્રીઓ ડાહ્યા છે તો સંચાલકો, આચાર્યો સળંગ ડાહ્યા છે! શિક્ષણ ખાતું માત્ર મુખ્ય વિષયોની પરીક્ષા લો એવો આદેશ કરે છે. તો સંચાલકો –આચાર્યો બધા જ વિષયની પરીક્ષા લેવાનું નક્કી કરે છે.

હવે વિચારો કે શાળામાં દર અઠવાડિયે પરીક્ષા લેવાય. ધારો કે ધોરણ 12ના ત્રણ વર્ગ છે. ત્રણેયમાં 60 લેખે 180 વિદ્યાર્થી છે.એક શિક્ષક અર્થશાસ્ત્ર ભણાવે છે. તેને 180 પેપર તપાસવાના થાય. બે જ દિવસમાં માર્કસ અપલોડ પણ કરી દેવાના! જો શિક્ષક બે વિષય ભણાવતો હોય તો આ અઠવાડીએ એક અને બીજા અઠવાડીએ બીજા વિષયના 180 પેપર તપાસવાનાં થાય! ભૂતિયાં વિદ્યાર્થીઓથી શાળા ચલાવે સંચાલકો! પોતાનાં બાળકોને એડમિશન અપાવ્યા પછી પોતાના કામધંધામાં રોકી રાખે. મા-બાપ મોબાઇલ અને અન્ય કારણસર ભણે નહીં. વિદ્યાર્થી અને ભાર બધો કન્યાની કેડ પર એટલે કે શિક્ષકને માથે! વળી આ બધું જ સરકારી અને ગ્રાન્ટેન્ડ શાળાઓમાં! સેલ્ફ ફાયનાન્સ અને ખાનગી શાળામાં તો બધું ઓન-પેપર કલાર્ક જ કરે છે!

વર્ષો પહેલાં અખાએ
લખ્યું હતું કે –

કહ્યું કશું ને સાંભળ્યું કશું
આંખનું કાજળ ગાલે ઘસ્યું!
શિક્ષણ સુધારવાની વાત હતી અને પરીક્ષા વધારી દીધી. દર અઠવાડીએ બાળક પરીક્ષાઓ જ આપશે તો ભણશે કયારે? શિક્ષક સતત પેપર કાઢો, પેપર તપાસો, માર્કસ અપલોડ કરોમાં વ્યસ્ત રહેશે તો પોતે સ્વાધ્યાય કયારે કરશે? અને વિદ્યાર્થીઓને ભણાવશે કયારે?
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top