પતિપત્નીનો સંબંધ અત્યંત નાજુક હોય છે. સંસારરથને ચલાવતાં આ બે પૈંડાં એક જ છત નીચે રહેતાં હોવાથી કયારેક નાનીમોટી નોકઝોક થતી રહે છે પણ તેમ છતાં મોટાભાગના કિસ્સામાં તેઓ સમાધાનવૃત્તિ અપનાવીને આજીવન એકબીજાને વફાદાર રહેતા હોય છે. જો કે છેલ્લા થોડા સમયથી લગ્નેતર સંબંધો સામે આવી રહ્યાા છે અને તેને કારણે કેટલાંક ઘરો તૂટી રહ્યાાં છે. જો કે પહેલાંના સમયમાં પણ આવા સંબંધો તો હતા જ પણ મહિલાઓ પર કુટુંબની આબરૂનું પ્રેસર રહેતું તેમજ મહિલાઓ આર્થિક રીતે પગભર ન હતી જેથી આવા કિસ્સાઓ પ્રમાણમાં ઓછા બહાર આવતા. જ્યારે આજે મહિલાઓ પગભર થઈ છે સાથે જ બોલ્ડ અને સ્વતંત્ર ધરાવતી થઈ છે.
જેથી હવે આવું કંઈ થાય ત્યારે હવે તે ચલાવી નથી લેતી એટલે આજે વાત બહાર આવતી થઈ છે. તો હવે આ આભાસી દુનિયા પાછળ પાગલ બનેલા કેટલાક પરિણીત યુગલો પોતાના સંતાનોના ભવિષ્યનો પણ વિચાર નથી કરતાં, જ્યારે કેટલાંક યુગલો પોતાની ભૂલ સ્વીકારીને કે માફ કરીને પોતાનો સંસાર બચાવી લેવામાં સફળ થાય છે જ્યારે કેટલાક કિસ્સામાં તો યુવક કે યુવતી મોતને ગળે લગાડવામાં પણ પાછીપાની નથી કરતાં. ત્યારે કેટલાક પરિવારો વિખેરાઈ જાય છે. પાર્ટનર જ્યારે ચીટ કરે, લગ્નેતર સંબંધોમાં જોડાય ત્યારે શુંં કરવું જોઈએ? પાર્ટનરને માફ કરવા જોઈએ કે નહીં? કે સમાધાનવૃત્તિ અપનાવવી જોઈએ? આજે આપણે આ સંદર્ભે કેટલાક લોકોના મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો છે જે આ દાવાનળમાં ફસાયેલા કોઈકને કદાચ મદદરૂપ પણ થઈ શકે.
માફ નહીં કરો, ઈંડિપેંડન્ટ બનો: પ્રિયા જયસંઘાની
શહેરના જહાંગીરબાદ વિસ્તારમાં રહેતા 38 વર્ષીય પ્રિયા જયસંઘાની પ્રથમ તો જણાવે છે કે, ‘આવા માણસોને ક્યારેય માફ ન કરવા જોઈએ, પણ સાથે જ એ પણ કહે છે કે આ સવાલ પૂરી જીંદગીનો હોવાથી એક વાર કારણ જાણીને સમજાવવું જોઈએ. પણ તેમ છ્તાં નહીં મને તો અલગ થઈ જવું એ જ બેસ્ટ ઉપાય છે. જો કે ઘણા કિસ્સામાં લોકો સમાજના ડરે અને બાળકોના ભવિષ્યના કારણે આવું પગલું ભરતા આચકાય છે. મારા એક સંબંધીની જ વાત કરું તો તેનો પતિ અન્ય મહિલા સાથે લગ્નેતર સંબંધ ધરાવે છે અને આ વાતની તે મહિલાને પણ જાણ છે પણ તેમ છ્તાં તે દીકરીઓનો વિચાર કરીને પતિને છોડી નથી શક્તી. આ મહિલા પગભર છે અને પોતાનું તથા દીકરીઓનું ભરણ પોષણ કરી શકે એમ હોવા છ્તાં સમાજમાં ખરાબ લાગશે એ ડરે માનસિક ત્રાસ સહન કરી રહી છે જેનો લાભ તેનો પતિ લઈ રહ્યો છે જે તદ્દન ખોટું છે. વધુમાં હું એટલું જ કહીશ કે જો તમે પગભર નહિ હો તો પગભર થઈને આવા પુરૂષથી અલગ થઈ જાઓ એ જ સારું છે.
ક્યારેય માફ ન કરી શકું : જાગૃતિ જાદવ
બ્યૂટીશ્યન તરીકેનો વ્યવસાય કરતાં 37 વર્ષીય જાગૃતિબહેન જાદવ તો સાફ સાફ શબ્દોમાં કહે છે કે, ‘‘લગ્ન બાદ અન્ય મહિલા સાથે સંબંધ રાખનારને ક્યારેય માફ ન કરી શકું.’’ જાગૃતિબહેન કહે છે કે, ‘‘આપણે જેને 100% ભરોસો આપ્યો હોય તો સામે આપણને પણ એટલી જ વફાદારી મળવી જોઈએ. પરિવારમાંથી કોઈ એક વ્યક્તિ ચીટિંગ કરે તો તેની અસર સમગ્ર પરિવાર પર પડતી હોય છે અને જો તમે બાળકોના કે અન્ય કોઈ કારણવશ પાર્ટનરને માફ પણ કરી દો અને પાર્ટનર સુધરી પણ જાય, તો પણ એક વાર મનમાં શક આવી જાય તો તેનો કોઈ ઈલાજ નથી. જ્યારે પણ પાર્ટનર બહાર હોય ત્યારે મનમાં એવું તો થઈ જ જાય કે, ક્યાં ગયા હશે? કોની જોડે હશે? આપણે ફોન ચેક કરવાનું શરૂ કરી દઈએ કારણ કે વહેમનો કોઈ ઈલાજ નથી. આમ એક વ્યક્તિના કારણે આખી જિંદગી વિખેરાય જાય છે જેથી આવું પગલું ભરતા પહેલાં વિચારવું જોઈએ.’’
ભૂલ બધાથી થાય પણ વારંવાર માફ નહીં કરાય: અંકિત પાંડે
શહેરના સિટિલાઈટ વિસ્તારમાં રહેતા અને એક ખાનગી કંપનીમાં મેનેજર તરીકે જોબ કરતાં 27 વર્ષીય અંકિત પાંડે કહે છે કે, ‘‘માણસ માત્ર ભૂલ ને પાત્ર. લગ્નજીવન એવું બંધન છે જેમાં ઘણુંય જોડવું પણ પડે અને કેટલુંક છોડવું પણ પડે. જેથી કોમ્પ્રોમાઈઝ તો કરવું જ પડે છે પણ વાત જ્યારે લગ્નેતર સંબંધોની હોય ત્યારે પરિસ્થિતિ જોઈને એક વાર માફ કરી દેવા જોઈએ. પણ હા, જો આવી ભૂલ વારંવાર થાય તો એને આદત કહેવાય છે. તો જેથી જો આવી આદત પડી જાય તો તેને છોડી દેવામાં જ ભલાઈ છે કારણ કે સંબંધો વિશ્વાસ પર ટકેલા હોય છે જે એક વાર ડગમગી જાય તો ફરીથી સ્થાપિત કરવો મુશ્કેલ છે.
કારણ જાણવું જરૂરી છે : રવિ સોસા
શહેરના ઉધના વિસ્તારમાં રહેતા અને ફાયનાન્સ ફિલ્ડમાં જોબ કરતાં 32 વર્ષીય રવિભાઈ સોસા જણાવે છે કે, તમારું પાર્ટનર જો તમારી સાથે દગો કરી રહ્યું છે તો તેના અનેક કારણો હોઇ શકે છે જેથી પ્રથમ તો એ કારણ જાણવાનો પ્રયાસ કરો. કારણ દરમિયાન એવી બાબત પણ જાણવા મળી શકે છે કે ખરેખર આવું થયું કેમ, જેથી આનો ઉકેલ વાતચીતથી કે સમજાવટથી લાવી શકાય છે. જો કે તાળી એક હાથે નથી પડતી એમ બંને વ્યક્તિઓ જવાબદાર હોઈ શકે છે સામેવાળું પાર્ટનર કદાચ તેને સમજી શકતું ન હોય તો પણ આમ બને છે અથવા તો જે તે વ્યક્તિનું કેરેક્ટર પણ આવા મામલામાં મોટી ભૂમિકા ભજવે છે. જો આમ કરનાર વ્યક્તિનું કેરેક્ટર જ ખરાબ હશે તો એની પાછળ સમય બગાડવાનો કોઈ મતલબ નથી, આવા વ્યક્તિઓથી અલગ થઈ જવું જ બહેતર છે.’’
જે ખોટું છે એ ખોટું જ છે : હિના પરમાર
શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા 39 વર્ષીય ગૃહિણી હિનાબહેન જણાવે છે કે, ‘‘આજકાલ લગ્નેતર સંબંધોનું પરિણામ વધી રહ્યું છે જે સમાજ માટે ઘણી ખરાબ બાબત કહી શકાય કારણ કે લગ્નજીવનમાં બંધાયેલી બે વ્યક્તિ પૈકી એક દગો કરે તો તેની અસર આખા પરિવાર પર વર્તાય છે. જેથી આમ ન જ કરવું જોઈએ અને જો આવું કરતાં કોઈ પકડાય તો સમજાવીને માફ કરી શકાય પણ વારંવાર આવું થાય તો ન જ ચલાવી લેવાય. ધારો કે, આવા કિસ્સામાં જો દીકરો ચીટિંગ કરતો હોય તો વહુનો જ પક્ષ લેવો જોઈએ કારણ કે એ પણ તો કોઇની દીકરી જ છે ને. એની જગ્યા પર આપણી દીકરી પણ હોઇ શકે છે એ વાત ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ. હું તો એટલું જ માનું છું કે જે ખોટું છે એ ખોટું જ છે. જો કે અમુક કિસ્સાઓમાં પતિપત્ની બંને એકબીજા સાથે ચીટિંગ કરતાં હોય છે ત્યારે આવા કિસ્સામાં બંને જણાએ સ્વીકારી લેવું જોઈએ અને આગળની જિંદગી વિશેે એકબીજા સાથે ચર્ચા કરીને સમજૂતીથી નિર્ણય લેવો જોઈએ.’’
વાતચીતથી ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો: હિમેશ પટેલ
સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં રહેતા 42 વર્ષીય હિમેશ પટેલ ગ્રાફિક ડિઝાઇનર તરીકે જોબ કરે છે. હિમેશભાઈ કહે છે કે, ‘‘આજકાલ સમાજમાં લગ્નેતર સંબંધોનું પ્રમાણ ખાસ્સું એવું વધ્યું હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે આનો ઉકેલ તો સંજોગો પરથી જ મેળવી શકાય છે. જો તેમ છતાંં હસબન્ડ કે વાઈફમાંથી કોઈ પણ એક વ્યક્તિ ચીટિંગ કરતી હોય અને જો એ વાત સામે આવે તો સૌ પ્રથમ તો આમ કરવાનું કારણ જાણવું પડે અને જો એનું કારણ વ્યાજબી હોય તો એને માફ કરી શકાય અને આમ કરવાના કારણનો ઉકેલ એકબીજા સાથે વાતચીત કરવાથી લાવવાનો પ્રયાસ કરવો જોઈએ. પણ જો વારંવાર આવું બને તો પછી તમારે અંતિમ કોઈ નિર્ણય પર આવી જવું જોઈએ જે બંને માટે યોગ્ય હોય.’’
લગ્નજીવન એક પવિત્ર બંધન છે,અને જેથી જ કહેવાય છે ને કે જોડીઓ સ્વર્ગમાથી બનીને આવે છે અને જેના નસીબમાં જે વ્યક્તિ સાથે લગ્ન કરવાનું લખાયું હોય એની સાથે જ થાય છે પણ લગ્નજીવન દરમિયાન કેટલાક કિસ્સામાં એક પાર્ટનર જ્યારે ચિટિંગ કરે ત્યારે બે વ્યક્તિ વચ્ચે જ વાત નથી રહેતી પણ આખું પરિવાર જોડાયેલું હોવાથી તમામની જિંદગી વેરવિખેર થઈ જાય છે અને સાથે જ બાળકોની માનસિકતા પણ સમજવી જરૂરી છે. જેથી પરિવાર ન તૂટે એ માટે કેટલાક કિસ્સામાં લોકો મનેકમને સમાધાન કરી લેતા હોય છે જ્યારે કેટલાક લોકો આવી પરિસ્થિતિ બિલકુલ ચલાવી લેવા તૈયાર નથી. ત્યારે આજની પેઢી આવું પગલું ભરતા પહેલાં સો વાર વિચાર કરે એ જરૂરી છે.