ડૉક્ટર શશાંકની માતૃભાષા જ મરાઠી છે બાકી તેઓ પાકા ગુજરાતી બની ગયા છે. વર્ષો પહેલાં તેમના પિતા નોકરીને કારણે ગુજરાતમાં આવ્યા અને ગાંધીનગરમાં સ્થાયી થયા હતા. જેથી સ્વાભાવિક રીતે ગુજરાતી મિત્રો અને ગુજરાતી માહોલમાં ઉછરેલા શશાંકને મરાઠી કરતાં ગુજરાતી ભાષામાં પોતીકાપણું લાગતું હતું. તેનું શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં થયું અને MBBS કરમસદથી પૂરું કર્યું. ડૉક્ટર થતાંની સાથે ગુજરાત સરકારમાં મેડિકલ ઓફિસર તરીકેની નોકરી સ્વીકારી અને છેલ્લાં સાત વર્ષથી અમદાવાદની નજીક આવેલા અડાલજમાં મેડિકલ ઓક્સિર તરીકે ફરજ બજાવતા હતા.
નોકરી મળ્યા પછી લગ્ન માટે કન્યા જોવાની શરૂઆત થઈ. પૂનાની રૂપાલી અને શશાંક એકબીજાને મળ્યાં અને તેમને લાગ્યું કે તેઓ એકબીજાને અનુરૂપ છે માટે તેમણે લગ્ન કરી લીધા. રૂપાલી ખુદ પણ હોમિયોપથી ડૉક્ટર હતી. લગ્ન પછી બંનેનો સંસાર અડાલજના સરકારી ક્વાર્ટરમાં શરૂ થયો હતો. અડાલજના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર તરીકેની ડૉ. શશાંકની નોકરી હતી પણ તેમણે કયારેય સ૨કારી ડૉક્ટરની છાપ પ્રમાણે નોકરી કરી નથી. અડધી રાતે પણ કોઈ ગરીબ દર્દી ઘાયલ હાલતમાં આરોગ્ય કેન્દ્રમાં આવે તો પોતાના ઘરેથી આવી જરૂરી સારવાર આપે છે. કોઈ ગંભીર હોય તો ગાંધીનગર હોસ્પિટલમાં પહોંચાડવાની વ્યવસ્થા કરતા, જેના કારણે તે આમ લોકોમાં પ્રિય હતા. તેમની પત્ની રૂપાલી પણ હોમિયોપથી ડૉક્ટર તરીકે ખાનગી પ્રેકિટસ કરતી હતી. આ દંપતી આમ તો પરદેશી હતું છતાં તેમના પ્રેમ અને કામને કારણે અડાલજના લોકો માટે તે સ્વજન થઈ ગયાં છે.
છ વર્ષ પહેલાં તેમના ઘરે યશ નામના નાનકડા મહેમાનનું આગમન થયું હતું. આરોગ્ય કેન્દ્રમાં જ પાપા પગલી ચાલતાં શીખેલો યશ કોઈને પણ ગમી જાય તેવો મઝાનો હતો. તેના પછી તેના ઘરે તેના નાના ભાઈ મનનનું આગમન થયું. બંને ભૂલકાંઓને કારણે શશાંક અને રૂપાલી જીવનમાં સુખને અનુભવી શકતાં હતાં. સુખી હોવા છતાં બહુ ઓછા લોકોને સુખની અનુભૂતિ થતી હોય છે કારણ કે તેઓ તેમની પાસે જે છે તેના કરતાં જે નથી તે તરફ વધારે ધ્યાન આપતા હોય છે. મનનના આગમન પછી રૂપાલી માટે બંને બાળકોનો ઉછેર કરવો થોડો મુશ્કેલ હતો કારણ કે બંને પ્રેક્ટિસ કરતા હતા. જેના કારણે રૂપાલીએ થોડા મહિના અગાઉ પોતાની પ્રેક્ટિસ બાળકો માટે બંધ કરી હતી. બસ માત્ર શશાંક આરોગ્ય કેન્દ્રમાં પોતાની ફરજ બજાવતો હતો.
બંને બાળકોનાં આગમન પછી આ દંપતીના જીવનમાં એક ત્રીજો સુખનો અવસર આવ્યો હતો અને એ હતો પોતાનું ઘર હોવું. બેંકમાંથી લોન લઈ શશાંકે અડાલજમાં પોતાનું એક ઘર ખરીદ્યું હતું. ઘર ખૂબ મોટું અને સુંદર છે. ચાર વ્યક્તિના પરિવારને અનુરૂપ હતું. હજી સાત મહિના પહેલાં જ તેઓ પોતાના નવા ઘરમાં રહેવા આવ્યાં હતાં.
તેમનો મોટો પુત્ર યશ ગાંધીનગર ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. તેને સ્કૂલે જવું ગમતું હતું. તેનું એક કારણ એવું પણ હતું કે તેનાથી માત્ર બાવીસ દિવસ નાની તેની કાકાની દીકરી એટલે કે તેની પિતરાઈ બહેન પ્રિયંકા પણ તેના જ વર્ગમાં હતી. બંને સંબંધે ભાઈ-બહેન થતાં હતાં પણ તેના કરતાં વધુ તેમના વચ્ચે સારી મિત્રતા હતી. શશાંકના મોટાભાઈ અને પિતા ગાંધીનગરમાં રહે છે. યશ સ્કૂલરિક્ષામાં ગાંધીનગર જતો. તા. 17મી ડિસેમ્બરના રોજ યશની સાતમી વર્ષગાંઠ હતી. તેની તૈયારી તે ક્યારનો કરતો હતો. જન્મદિવસ કેવી રીતે ઊજવવો, કોને શું આપવું વગેરે. તેના નાનકડા મગજમાં આ ઉત્સવની જેમ ઘુમરાયા કરતું હતું. તે ત્રણ વર્ષનો હતો ત્યારે તેના પિતાએ તેને સાઇકલ લાવી આપી હતી. તે તેને ખૂબ પ્રિય હતી. શાળાએથી આવી તે સાઈકલ જ ચલાવતો હતો.
તે દિવસે તેની સાઇકલ બગડી ગઈ હોવાને કારણે તેના પિતા શશાંક ખુદ જઈ સાઈકલવાળાની દુકાને સાઇકલ રિપેર કરવા માટે મૂકી આવ્યા હતા. સાંજે સ્કૂલેથી પરત આવેલા યશને તે યાદ હતું એટલે તેણે તરત પોતાના પિતાને સાઇકલ લઈ આવવા માટે જીદ પકડી હતી. એટલે પિતા-પુત્ર સ્કૂટર ઉપર સાઇકલવાળાની દુકાને ગયા હતા. તેની સાઈકલ તૈયાર હતી. તે જોઈ યશની નાનકડી આંખોમાં ચમક આવી ગઈ હતી. જાણે તેની BMW કાર ઊભી ના હોય. તે તરત સાઈકલ ઉપર બેસી ગયો અને તેણે પોતાના પિતાને સૂચના આપી કે તમે સ્કૂટર લઈ મારી પાછળ આવો. હું સાઇકલ ચલાવી ઘરે જઈશ.
યશનો ઉત્સાહ જોઈને તેના પિતાએ તેને કંઈ પણ કહ્યું નહીં અને તેની સૂચના પ્રમાણે તેની સાઈકલ પાછળ સ્કૂટર ચલાવવાની શરૂઆત કરી. બંને ઘર તરફ જઈ રહ્યા હતા. સાંજનો સમય હતો એટલે ટ્રાફિક તો હતો, છતાં યશ હિંમતપૂર્વક સાઈકલ ચલાવતો હતો. તેને આ રીતે સાઇકલ ચલાવતો જોઈ તેની પાછળ આવી રહેલા તેના પિતા શશાંકને આનંદ થતો હતો. જયારે કોઈ પુરુષને તેના બાળકના પિતા તરીકે ઓળખવામાં આવે છે ત્યારે તેનો જુદો જ રોમાંચ હોય છે.
યશ બસસ્ટેન્ડ સુધી પહોંચ્યો હતો ત્યાં અમદાવાદથી આવી રહેલી એક ST બસની બરાબર સામે આવી ગયો. આ જોઈ શશાંક તેના સુધી મદદ કરવા પહોંચે તે પહેલાં ST બસની એવી જોરદાર ટક્કર યશને વાગી કે તેણે ડેડીના નામની કંપાવી મૂકનારી ચીસ પાડી હતી. પોતાની નજર સામે પોતાના બાળકને ટક્કર વાગતી જોઈ શશાંકને લાગ્યું કે તેના માથા ઉપર કોઈએ લોખંડનો હથોડો માર્યો અને તેના માથાના બે ભાગ થઈ ગયા હોય. તેણે તરત સ્કૂટર ઊભું રાખ્યું. તે યશ સુધી પહોંચે તે પહેલાં યશ લોહીના ખાબોચિયામાં પડયો હતો. ડૉક્ટર પિતાએ બંને હાથોમાં લોહીમાં લથબથ પોતાના પુત્ર યશને ઉપાડી લીધો. તે તેને આશ્વાસન આપવા માગતા હતા કે બેટા તને કંઈ નહીં થાય. હું તારી પાસે છું પણ તે પહેલાં યશે આંખો ખોલી માત્ર બે વખત ડેડી ડેડી શબ્દો ઉચ્ચાર્યા અને પોતાની આંખો કાયમ માટે મીંચી દીધી. જેને તમે પ્રેમ કરો છો તેને ઉપરવાળો પ્રેમ કરવા લાગે તો મુસીબત આવી પડે છે. તે દિવસે તા. 1 ડિસેમ્બર હતી.
બરાબર સો16 દિવસ પછી એટલે કે તા. 17મીના રોજ યશની વર્ષગાંઠ હતી પણ તે નહોતો કારણ કે તે જન્મદિવસ સાથે થપ્પાની રમત રમી સંતાઈ ગયો હતો. શશાંક અને રૂપાલીએ આંખમાં આંસુ સાથે યશના જન્મદિવસ નિમિત્તે બાળકોને બીસ્કિટ આપ્યાં. યશની શાળામાં જઈ તેના મિત્રોને ભેટ આપી હતી પણ યશના વર્ગમાં એક છોકરી ગુમસૂમ બેઠી હતી. એ હતી તેની પિતરાઈ બહેન પ્રિયંકા કારણ કે તે વર્ગમાં હવે એકલી પડી ગઈ છે. શશાંક અને રૂપાલીનું મન અડાલજમાં લાગતું નથી કારણ કે તેમને સતત યશનો ભાસ થયા કરે છે એટલે જ થોડા સમય માટે તેઓ અડાલજ છોડી પૂના ચાલ્યાં ગયાં છે.