આણંદ : ‘આણંદની ધરતી પર આવીએ એટલે આનંદ આવે એટલું જ નહીં. આનંદ તો આવે જ. આણંદ પ્રેરણા ભૂમી છે. આણંદએ સંકલ્પોની ભૂમી છે. આ એ ધરતી છે, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલે એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સાકાર કર્યો છે. રાજા – રજવાડાંને એક કર્યાં. મારું સૌભાંગ્ય છે કે વિશ્વનું સૌથી ઉંચુ સ્ટેચ્યુ ઓફ યુનિટી મને મળ્યું છે. આખી દુનિયામાં સરદાર સાહેબનું નામ લોકજીભે ચર્ચામાં ચડ્યું. માત્ર ઉંચાઇના કારણે નહીં, તેના વ્યક્તિત્વની ઉંચાઇની સમજણ પડવા માંડી. જે લોકોએ દબાવી રાખ્યું હતું, તે બહાર આવવામાં માંડ્યું છે.’ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારના રોજ સોજિત્રા ખાતે જાહેરસભામાં જણાવ્યું હતું.
સોજિત્રા ખાતે જાહેરસભાના સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર શાબ્દીક ચાબખાં મારતાં જણાવ્યું હતું કે, હવે તો દેશભરના નાગરીકો સમજી ગયા છે કે, કોંગ્રેસ ચૂંટણીના બે દિવસ પહેલા કાકારોળ ચાલુ કરી દે. ઈવીએમાં ગડબડની વાતો શરૂ કરી દે છે. કોંગ્રેસવાળા હાર દેખાય એટલે ઈવીએમ ઉપર ઠીકરું ફોડે છે. આખી ચૂંટણીમાં મોદીને ગાળો દેવાની અને મતદાન આવે એટલે ઈવીએમને ગાળો દેવાની. કોંગ્રેસના આ બધા ખેલ દેશના બચ્ચો બચ્ચો સમજી ગયો છે. કોંગ્રેસવાળાને પુછ જો કે સરદાર વલ્લભભાઈ પટેલ કોંગ્રેસમાં હતાં ? પછી પુછ જો સરદાર સાહેબે દેશને એક કરવાનું કામ કર્યું હતું ? ત્રીજો પ્રશ્ન પુછજો કે સરદાર સરોવર ડેમ પર દુનિયાનું સૌથી મોટું સ્મારક બન્યું છે, ત્યાં પગે લાગવા ગયો છો ?
કોંગ્રેસના લોકોએ ત્યાં જવું જોઈએ કે કેમ ? શ્રદ્ધાંજલિ આપવી જોઈએ. આ વખતે આણંદ જિલ્લો એકતા બતાવી સરદાર સાહેબનું અપમાન કરનારાને સજા કરશે કે નહીં ? આ કોંગ્રેસ પાર્ટી આપણા ગુજરાતમાં શું કર્યું તેણે ? જાત જાત સાથે, ગામ – ગામ સાથે બધાને લડાવ્યાં. ભાગલા પાડ્યાં. તેના કારણે આખું ગુજરાત નબળું પડ્યું. નિર્બળ પડ્યું. વિકાસની બધી બાબતો પાછળ પડી ગયાં. સરદાર પટેલની પ્રેરણા ભારતની એકતાના કારણે આજે ભારત દુનિયાની મોટી તાકાત બનતું જઇ રહ્યું છે. કોંગ્રેસને સરદાર સાહેબ સાથે અને દેશની એકતા સામે પણ વાંધો. તેનું આખું રાજકારણ ભાગલા પાડો અને રાજ કરોનું હતું. સરદાર સાહેબ એક કરોનું હતું. સરદાર સાહેબને ક્યારેય પણ એમણે પોતાના ન ગણ્યાં. જેવો સંગ એવો રંગ લાગે. કોંગ્રેસના લોકો અંગ્રેજો સાથે ઘણા વરસો કામ કર્યું. આઝાદીના આંદોલન વખતે સરકારો બનવા લાગી, ત્યારે કોંગ્રેસે અંગ્રેજો સાથે કામ કરતાં હતાં. ભાગલા પડોને રાજ કરો અને ગુલામની માનસિકતા કેળવી હતી.
25 વર્ષમાં વિકસીત દેશો જેવું ગુજરાત બનશે
આણંદ – ખેડાના લોકો છાશવારે વિદેશ જતાં હોય છે. વિદેશના લોકો સાથે ઘરોબો હોય છે. દુનિયાના જે સમૃદ્ધ દેશો છે. આપણું ગુજરાત એવું બનવું જોઈએ. આ વિકસીત ગુજરાત કરવાનું સ્વપ્ન લઇ ચાલી રહ્યા છીએ. આ વખતે દેશની આઝાદીના 75 વર્ષ થયાં છે. 100 વર્ષ થવામાં 25 વર્ષ બાકી છે. આ 25 વર્ષમાં એવી હરણફાળ ભરવી શકે છે કે વિકસીત ગુજરાત બનાવવું છે. આ ચૂંટણી 5 વર્ષ માટે નહીં 25 વર્ષના પછીના વિકસીત ગુજરાતનો મુજબુત પાયો નાંખવાનો છે.
ગુજરાતના જવાનીયા ચૂંટણી લડી રહ્યા છે
આ ચૂંટણી ગુજરાતની જનતા લડી રહી છે. ખાસ કરીને ગુજરાતના જવાનીયા લડી રહ્યાં છે. જે પ્રથમ વખતના મતદારો છે. તેણે પોતાના ભવિષ્ય નક્કી કરવા માટે આ ચૂંટણીનું બીડું ઉઠાવ્યું છે. આ ચૂંટણીમાં આવતી કાલે પ્રચારના પડઘમ પુરા થશે. આણંદ જિલ્લાનો આ મારો છેલ્લો પ્રવાસ છે. આ ચૂંટણી ના નરેન્દ્ર લડે છે ના ભુપેન્દ્ર લડે છે. આ ચૂંટણી કોઇ ઉમેદવાર નથી લડતાં. આ ચૂંટણી જનતા લડી રહી છે.