નવી દિલ્હી: રાહુલ ગાંધીની (Rahul Gandhi) ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) 8માં રાજ્યમાં પ્રવાસ કરી ચૂકી છે. આ યાત્રા રાજસ્થાન (Rajasthan) બાદ હવે હરિયાણામાં (Haryana) પ્રવેશી છે. આ દરમિયાન ધ્વજ વિનિમયના કાર્યક્રમમાં રાહુલ ગાંધીનો ગુસ્સો જોઈને ત્યાં હાજર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ ઘટના સાથે સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે, જેમાં રાહુલ ગાંધી સ્ટેજ પર સેલ્ફી (Selfie) લેતા એક કોંગ્રેસના (Congress) કાર્યકરનો હાથ ખેંચી નાખે છે, અને તને સેલ્ફી લેતા અટકાવે છે.
રાહુલનો આ વીડિયો સામે આવ્યા બાદ ભાજપે ભારત જોડો યાત્રાની સાથે સાથે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. વાયરલ વીડિયોને શેર કરતા પૂર્વ મંત્રી અને બીજેપી સાંસદ રાજ્યવર્ધન રાઠોડે લખ્યું છે. ‘મોહબ્બત કી દુકાન કે ફિકે પકવાન, એટલે કે પ્રેમની દુકાનમાં લાગણી વગરના ફેકા પકવાન મળે છે. રાઠોડે આગળ લખ્યું કે કોંગ્રેસ માટે જનતા માત્ર એક વોટબેંક છે. તેમની નસોમાં તુષ્ટિકરણનું રાજકારણ છે. ભારત જોડો યાત્રા માત્ર એક નાટક છે. જો કે ભાજપના આરોપો પર કોંગ્રેસ તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
અમે ભારતીય રાજનીતિ માટે વિઝન આપ્યું છેઃ રાહુલ ગાંધી
બીજી તરફ રાજસ્થાન-હરિયાણા સરહદના મેવાત જિલ્લામાં રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ભારતીય રાજનીતિ માટે વિઝન આપ્યું છે. મને ખુશી છે કે રાજસ્થાનના સીએમ અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે નિર્ણય લીધો છે કે સમગ્ર કેબિનેટ અને નેતાઓએ મહિનામાં એકવાર 15 કિલોમીટર ચાલવું જોઈએ. જનતાની વચ્ચે જાઓ અને તેમની વાત સાંભળીને કામ કરો. હરિયાણાના મેવાતમાં એક જનસભાને સંબોધતા રાહુલે કહ્યું કે આજકાલ નેતાઓ અને જનતા વચ્ચે અંતર વધી ગયું છે. નેતાઓને લાગે છે કે જનતાને સાંભળવાની અને કલાકો સુધી લાંબુ ભાષણ આપવાની જરૂર નથી. આ પ્રવાસે તેને બદલવાનો પ્રયાસ કર્યો છે. આજે આપણે ચાલીએ છીએ, બધા નેતાઓ જનતાને સાંભળે છે અને 7-8 કલાક ચાલ્યા પછી 15 મિનિટ ભાષણ આપીએ છીએ.
અત્યાર સુધીમાં 8 રાજ્યોમાં પ્રવાસ કર્યો
7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થયેલી ‘ભારત જોડો યાત્રા’ અત્યાર સુધીમાં આઠ રાજ્યો – તમિલનાડુ, કેરળ, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પસાર થઈ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાની હેઠળની પદયાત્રાએ અત્યાર સુધીમાં 2,800 કિલોમીટરનું અંતર કાપ્યું છે. જે બાદ હવે આ યાત્રા હરિયાણામાં પ્રવેશી છે.
આ હસ્તીઓ રાહુલની યાત્રામાં જોડાઈ
રાહુલ ગાંધીના અત્યાર સુધીના પ્રવાસમાં પૂજા ભટ્ટ, રિયા સેન, સુશાંત સિંહ, સ્વરા ભાસ્કર, રશ્મિ દેસાઈ, આકાંક્ષા પુરી અને અમોલ પાલેકર, પૂર્વ નેવી ચીફ એડમિરલ એલ રામદોસ, શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે, NCPના સુપ્રિયા સુલે અને RBIના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન સહિત અનેક હસ્તીઓ જોડાયા હતા.