SURAT : સુરતવાસીઓને અજગર ભરડામાંથી ઉગારવાનું કામ પડતુ મેલી તમામ અધિકારીઓને પોતાની મીટીંગમાં હાજર થવા સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલનું ( PARESH PATEL) તઘલઘી ફરમાન જાહેર કરાયું છે. એક બાજુ આખું શહેર આજે કોરોના ( CORONA) મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે સત્તાધીસોના આવા ફરમાન સામે ભારે વિવાદ સર્જાયો છે .
એક બાજુ સુરત મનપાના તમામ અધિકારીઓ રજા રદ કરીને શહેરમાં અજગર ભરડો લઇ રહેલા કોરોનાને કાબુમાં લેવા જીવ જોખમમાં મુકીને દિવસ રાત જોયા વગર દોડી રહયા છે. ત્યારે બીજી બાજુ વહીવટીતંત્ર પર રોફ જમાવવા માટે શાસકો દ્વારા થઇ રહેલા પ્રયાસોના કારણે વહીવટીપાંખ અને ચુંટાયેલી પાંખ વચ્ચેનું સંકલન તુટી રહયું છે. ત્યારે ત્રણ દિવસ પહેલા સ્થાયી સમિતિની મીટીંગમાં કોરોના સામે સતત ફીલ્ડમાં રહીને જંગ લડી રહેલા કમિશનરને ફરજીયાત હાજર રહેવાની સુચના સ્થાયી સમિતિ ચેરમેને આપતા વિવાદ થયો હતો તેના પડધા હજુ શમ્યા નથી, ત્યા હવે શહેરમાં ખાલી પડેલા પ્લોટમાં પે એન્ટ પાર્ક અને સીંગલ વિન્ડો સિસ્ટમ બાબતે ઝોનવાઇઝ અધિકારીઓની નિમણુંકની ચર્ચા માટે તમામ આરોગ્ય વિભાગ સહિતના તમામ અધિકારીઓને સોમવારે બપોરે મીટીંગમાં હાજર રહેલા સુચના આપી હોય નવો વિવાદ ઉભો થયો છે.એક બાજુ કોરોનાકાળના કારણે ખાલી પ્લોટોમાં કોઇ પે એન્ડ પાર્ક ઉભા કરે તેવી કોઇ શકયતા નથી, અને મનપા નાની મોટી ફરિયાદો બાબતે કંટ્રોલરૂમો કાર્યરત છે જ ત્યારે કોરોનાને બાજુ પર મુકી સીંગલ વિન્ડો સિસ્ટમ માટે આરોગ્ય અને અન્ય અધિકારીઓને રોકવા યોગ્ય નથી.
હાલમાં કોવિડની કામગીરીમાં અતિવ્યસ્ત મનપા કમિશનર તથા નાના-મોટા તમામ કર્મચારીઓ માટે જાહેર રજાના દિવસ પણ કોવીડની કામગીરીમાં જ વ્યસ્ત હોય છે રોજ સાંજે વિવિધ સ્તરની ત્રિ-સ્તરીય બેઠકોનું આયોજન સુડા ભવન ખાતે ક૨વામાં આવે છે અને જે-તે દિવસે થયેલી કામગીરી અને તેના રિવ્યૂ તથા આગામી દિવસ માટેના કાર્ય માટેના આયોજનની રૂપરેખા તૈયાર કરવામાં આવે છે. ઝોનના ઝોનલ ચીફો ઝોનલ અધિકારીઓ આસિસટન્ટ કમિશનરો સવારથી બપોર સુધી સતત ફિલ્ડમાં રહે છે અને સાંજે સુડા ભવન ખાતે મીટિંગોનો દોર શરૂ થાય છે. ઝોનના ડેપ્યુટી એમએએચની સ્થિતિ ખૂબ જ કફોડી બની ગઈ છે. ત્યારે ટીમ મનપાની લોકોની જીવ બચાવવાની કામગીરીને બિરદાવવાને બદલે અધિકારીઓ પર રોફ જમાવવાના શાસકોના આ ગતકડાથી મનપાની કરોડરજજુ સમાન અધિકારીવર્ગમાં ભારે કચવાટની લાગણી જોવા મળી રહી છે.