નવી દિલ્હી (New Delhi) : શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો (Shri Krishna Janmashtami) તહેવાર ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી એ ઉજવવામાં આવે છે. હિન્દુ (Hindu) ધર્મની (Religion) માન્યતાઓ અનુસાર, આ દિવસે ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો. શ્રી કૃષ્ણનો જન્મ અષ્ટમી તિથિએ રોહિણી નક્ષત્રમાં થયો હતો. આ દિવસે મથુરા (Mathura) અને વૃંદાવનમાં (Vrundavan) કૃષ્ણની જન્મજયંતિ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનની જેમ આ વર્ષે પણ કૃષ્ણ જન્માષ્ટમીની તારીખને લઈને મૂંઝવણ છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી 18મી ઓગસ્ટે છે કે 19મી ઓગસ્ટે છે તે લોકો હજુ સુધી સ્પષ્ટપણે જાણી શક્યા નથી.
જન્માષ્ટમી ક્યારે છે?
જ્યોતિષીઓનું કહેવું છે કે આ વર્ષે ભાદ્રપદના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 18 ઓગસ્ટે રાત્રે 9.20 વાગ્યાથી શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 19 ઓગસ્ટે રાત્રે 10.59 વાગ્યા સુધી ચાલશે. 18 ઓગસ્ટને ગુરુવારે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર છે, તેથી જન્માષ્ટમી 18 ઓગસ્ટની રાત્રે ઉજવવામાં આવશે. આ દિવસે ધ્રુવ અને વૃદ્ધિ યોગ બની રહ્યા છે. આ બંને યોગ શુભ માનવામાં આવે છે. તેથી 18મી ઓગસ્ટના રોજ જન્માષ્ટમીની પુજા કરવા માટે શુભ મુહૂર્ત રાત્રિના 12.03 વાગ્યાથી 12.47 સુધી રહેશે.
જન્માષ્ટમી પર શુભ મુહૂર્ત અને યોગ
- અભિજીત મુહૂર્ત: 18મી ઓગસ્ટના રોજ બપોરે 12:05 વાગ્યાથી 12:56 વાગ્યા સુધી
- વૃધ્ધિ યોગ: 17 ઓગસ્ટના રોજ રાત્રે 08:56 વાગ્યાથી 18 ઓગસ્ટના રોજ રાત્રે 08 વાગ્યા સુધી 41 મિનિટ સુધી.
- ધ્રુવ યોગ: 18 ઓગસ્ટના રોજ રાત્રે 08:41 વાગ્યાથી 19 ઓગસ્ટના રોજ રાત્રે 08:59 વાગ્યા સુધી
જન્માષ્ટમીની પૂજા વિધિ
જન્માષ્ટમીના દિવસે ભક્તો શ્રી કૃષ્ણના બાળસ્વરૂપ લડ્ડુ ગોપાલની પૂજા કરે છે. રાત્રિના 12 વાગ્યે ભગવાનનો જન્મ થાય ત્યાર બાદ ભક્તો દૂધ, દહીં, ઘી, પંચામૃતથી ભગવાનની મૂર્તિનો અભિષેક કરે છે. તેમનો સુંદર શ્રૃંગાર કરવામાં આવે છે. ત્યાર બાદ પ્રભુને માખણ, મિશ્રી, પંજરીનો ભોગ ધરાવવામાં આવે છે. આ સાથે જ પીળું વસ્ત્ર, તુલસીના ફુલ, ફળ અર્પિત કરવામાં આવે છે. ધૂપ-દીવો પ્રગટાવી આરતી કરવામાં આવે છે. ત્યાર બાદ પ્રભુના પારણાંને ઝુલાવી ભક્તો ધન્યતા અનુભવે છે. ધ્યાન રાખો કે આ પૂજામાં કાળા કે સફેદ રંગની વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ.
જન્માષ્ટમી પર આ વસ્તુઓ ખરીદવાથી સંકટ દૂર થાય છે
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટીમના દિવસે ભક્તોએ વાંસણી, મોરપંખ, માખણ, વૈજ્યંતિ માલા, ગાય-વાછરડાંની મૂર્તિ ખરીદવા જોઈએ. ગાય-વાછરડાં કૃષ્ણને પ્રિય છે. આ મૂર્તિઓ ઘરે લાવીને ઉત્તર-પૂર્વ ખૂણામાં રાખવાથી પ્રભુની કૃપા વરસે છે. વ્યક્તિનું ભાગ્ય ખુલે છે અને સંતાન સુખ પ્રાપ્ત થાય છે. વૈજ્યંતિમાલામાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. વૈજ્યંતિમાલા ખરીદીને ઘરે લાવવાથી ઘરમાં બરકત રહે છે. આર્થિક સ્થિતિ સુધરે છે. માખણ તો કાન્હાને સૌથી વધુ પ્રિય છે. તે અર્પણ કરવાથી બાળગોપાલ પ્રસન્ન થાય છે અને કૃપા વરસાવે છે. મોરપંખ ખરીદી પ્રભુના મુગટ પર ચઢાવવામાં આવે તો ગ્રહોની ખામી દૂર થાય છે. કાલસર્પ દોષથી છુટકારો મળે છે.
રાશિ પ્રમાણે આ મંત્રનો જાપ કરવાથી સુખ પ્રાપ્તિ થાય છે
- મેષ: “શ્રી કૃષ્ણ શરણં મમ:” મંત્રની 11 માળા કરવી.
- વૃષભ: “ૐ નમો ભગવતે વાસુદેવાય” મંત્રની 11 માળા કરવી.
- મિથુન: ” ૐ ગોપીજન વલ્લભાય નમઃ ” મંત્રની 11 માળા કરવી.
- કર્ક: “શ્રી દ્વારિકાધીશ વિજયતે નમઃ” મંત્રની 11 માળા કરવી.
- સિંહ: “કલીં ગ્લોમ કલીં શ્યામલાંગાય નમઃ” મંત્રની 11 માળા કરવી.
- કન્યા: “કલીં કૃષ્ણાય નમઃ” મંત્રની 11 માળા કરવી.
- તુલા: વિષ્ણુ સહસ્ત્રનામ ના પાઠ કરવા.
- વૃશ્ચિક: ગોવિંદ દામોદર માધવેતિ સ્તોત્રના પાઠ કરવા.
- ધન: મધુરાષ્ટક ના પાઠ કરવા.
- મકર: “ઓમ દેવકી નંદનાય વિદ્મહે વાસુદેવાય ધિમહી તન્નો કૃષ્ણ પ્રચોદયાત” મંત્રની 5 માળા કરવી
- કુંભ: “ૐ દામોદરાય નમઃ” મંત્રની 11 માળા કરવી
- મીન: “ૐ ગોવિંદાય ગોપીજનવલ્લભાય નમઃ” મંત્રની 11 માળા કરવી