Charchapatra

વરિષ્ઠ નાગરિકોને રેલવે ભાડામાં રાહત કયારે?

ભારતીય રેલવે પેસેન્જર સેવાઓ માટે ઓછા ભાડાના માળખાને કારણે વરિષ્ઠ નાગરિકો સહિત તમામ મુસાફરો માટે સરેરાશ ખર્ચના ૫૦ ટકાથી વધુ ખર્ચ પહેલેથી જ ભોગવી રહી છે. વર્ષ ૨૦૧૯ – ૨૦૨૦ માં ૨૨.૬૨ લાખ વરિષ્ઠ નાગરિકોએ પેસેન્જર ભાડામાં કન્સેશન સ્કીમ છોડવાનો વિકલ્પ પસંદ કર્યો હતો અને રેલવેના સાતત્યપૂર્ણ વિકાસ માટે છૂટછાટો છોડી દીધી હતી. ઉપરાંત છેલ્લાં ત્રણ વર્ષ દરમ્યાન રેલવેએ આરક્ષિત અને બિનઅનામત એમ બંને કેટેગરી માટે વરિષ્ઠ નાગરિક મુસાફરોને ભાડામાં રાહત આપવાને કારણે ૪,૭૯૪ કરોડ રૂપિયાની આવક ગુમાવી છે. લોકસભામાં રેલવે પ્રધાન દ્વારા જે લેખિત જવાબ રજૂ કરવામાં આવ્યો તે અનેક રીતે બેહૂદો અને હાસ્યાસ્પદ લાગી રહ્યો છે. વરિષ્ઠ નાગરિક પેસેન્જરોને કન્સેશન નહીં આપવા માટે જે વાતો રેલવે પ્રધાને રજૂ કરી છે તે કોઈ પણ રીતે સ્વીકારી શકાય એમ નથી.

જો સાંસદો અને ધારાસભ્યોને અપાતા અધધ પેન્શનમાં ઘટાડો કરવામાં આવે તો વરિષ્ઠ નાગરિકોને અત્યંત સહેલાઈથી ભાડામાં કન્સેશન આપી શકાય એટલું જ નહીં, વરિષ્ઠ નાગરિકો સિવાયનાં પેસેન્જરો માટે ભાડામાં મામૂલી વધારો કરીને પણ વરિષ્ઠ નાગરિકોને ભાડામાં રાહત આપી શકાય તેમ છે. એવું માની લેવું જોઈએ કે રેલવેમાં ચાલતા ભ્રષ્ટાચારથી રેલવે પ્રધાન અજાણ તો નહીં જ હોય. આ ભ્રષ્ટાચારને કાબૂમાં લેવામાં આવે તો પણ વરિષ્ઠ નાગરિકોને રેલવે ભાડામાં સારી જેવી રાહત આપી શકાય તેમ છે. રેલવે પ્રધાનને જ વરિષ્ઠ નાગરિકોને ભાડામાં રાહત આપવા માટે કોઈ પણ પ્રકારની દિલચશ્પી નથી.
સુરત     – સુરેન્દ્ર દલાલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top