સુરત(Surat): મકરસક્રાંતિ (Makarsankranti) એટલે કે ઉત્તરાયણ (Uttrayan) હવે નજીક આવી રહી છે. ત્યારે લોકોને એક પ્રશ્ન મૂંઝવી રહ્યો છે. આ વર્ષે મકરસંક્રાતિ 14 જાન્યુઆરીના બદલે 15 જાન્યુઆરીએ છે, તેવી ચર્ચા ચાલી રહી છે. તો મકરસંક્રાતિ ક્યારે ઉજવવી તે અંગે લોકોમાં મૂંઝવણ છે. આ મામલે કચ્છના ભૂજ નિવાસી નિષ્ણાત ખગોળશાસ્ત્રીએ આ મામલે સ્પષ્ટતા કરી છે.
એવો પ્રશ્ન લોકો માં પુછાઈ રહ્યો છે. સામાન્ય રીતે મકર સંક્રાંતિ એટલે 14 જાન્યુઆરી એવી માન્યતા દ્રઢ થયેલી છે પરંતુ આ વર્ષે સૂર્ય નો મકર રાશિ માં પ્રવેશ તારીખ 14 જાન્યુઆરીના મોડી રાત્રે એટલેકે 15ના વહેલી સવારે 2 વાગીને 44 મિનિટે થાય છે. એટલે કે મકર સંક્રાંતિ નો પ્રારંભ 15 જાન્યુઆરીના વહેલી સવારે થાય છે. આથી સંક્રાંતિનો પુણ્ય કાળ 15 જાન્યુઆરી સોમવારે હોવાથી તે દિવસે સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધીમાં સંક્રાંતિ ને લગતા પુણ્ય કર્યો કરવાના રહે છે તેવું કચ્છ જ્યોતિષ મંડળ ના પ્રમુખ નરેન્દ્ર ગોર સાગરે જણાવ્યું છે.
પૃથ્વીની વિશિષ્ટ પ્રકારની ડોલન ગતિને કારણે દર 72 વર્ષે મકર સંક્રાંતિ એક દિવસ આગળ જાય છે. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરીએ આપણે ઉજવીયે છીએ તેમનો જન્મ મકર સંક્રાંતિએ થયો હતો. તે વખતે મકર સંક્રાંતિ 12 જાન્યુઆરીના દિવસે ઉજવાતી હતી. આ દિવસ થી ધનુર્માસ સમાપ્ત થાય છે અને ધનાર્કના કમુરતા પુરા થાય છે.
સંક્રાંતિ પ્રારંભ પોષ માસની શુકલ ચતુર્થીના થાય છે. પરંતુ ચોથનો ક્ષય હોવાથી પાંચમને સોમવારે સંક્રાંતિની ઉજવણી કરવાની રહે છે. સંક્રાંતિની વિશેષ વિગત જોઈએ તો સંક્રાંતિનું વાહન અશ્વ છે. ઉપવાહન સિંહ છે. કાળાં વસ્ત્રો ધારણ કર્યાં છે. હાથમાં ભાલો લીધો છે. ઉંમરમાં વૃદ્ધા છે, કઠોળ ખાય છે. દ્વિજ જાતિ છે. આભૂષણ સોનાનું છે. ઉત્તરમાંથી આવી દક્ષિણમાં જાય છે. તેનું મુખ પૂર્વમાં અને દૃષ્ટિ નૈઋત્યમાં છે.
સંક્રાંતિનું દાન: સંક્રાંતિના પુણ્યકાળે નવાં વાસણો, ગાયનો ઘાસચારો, અનાજ, તલ, ગોળ, તેલ, ભૂમિ, વસ્ત્રો ઝવેરાત અને પશુઓનું યથાશક્તિ દાન આપવું એવું શાસ્ત્રો માં કથન છે.
સંક્રાંતિનું કર્તવ્ય: સંક્રાંતિના પુણ્યકાળે તલમિશ્રિત જળથી સ્નાન કરવું, તલનું અભ્યંગ શરીર પર લગાડવું. તલનો હોમ કરવો, તલમિશ્રિત પાણી પીવું, તલ ખાવા, તલના લાડવામાં સિક્કા મૂકી ગુપ્ત દાન કરવું. આમ છ પ્રકારે તલનો ઉપયોગ કરી યથાશક્તિ દાન આપવાથી દુઃખનો નાશ થાય છે. આ પુણ્યકાળે વડીલવર્ગ, પિતૃઓને પ્રસન્ન કરવા, ભગવાન શિવજીની પૂજા કરવી અને સૂર્ય ભગવાનને દૂધનો અભિષેક કરવો જેવા કર્યો કરવા તેવું પણ શાસ્ત્રો જણાવે છે.