Comments

ઈતિહાસ જ્યારે બદલાય છે,સમય સરકતો અટકાવી શકાતો નથી!

દશેરો હોય અને શિવાજી પાર્કમાં બાળાસાહેબ ઠાકરેની રેલી અને સભા ન હોય એવું દાયકાઓ સુધી બન્યું નથી. શિવસેના અને ઠાકરે એકબીજાની ઓળખ બની ગયાં હતાં. ઉધ્ધવ ઠાકરે જો કે બાળાસાહેબ નથી એટલે શિવાજી પાર્કના મેદાનમાં ત્રાડ ન પાડી શકે છતાં શિવસેના સાથેની વારસાઈ ઓળખ માટે તેઓ ત્યાં રેલીને સંબોધે તે જરૂરી હતું. પણ આ વખતે એ શક્ય જણાતું નથી. સુપ્રિમ કોર્ટે ઉધ્ધવ જૂથની રેલી કરવા દેવાની માંગણીને સ્વીકારી નથી. જો આમ થશે અને એકનાથ શિંદે રેલી સંબોધશે તો તે શિવસેના અને ઠાકરે વચ્ચેનો વારસાઈ નાતો પૂરો થયેલો ગણાશે. ઠાકરે વિના શિવસેના નહીં એવા ખ્યાલનો જાહેરભંગ થશે. ઉધ્ધવ ઠાકરે જૂથ માટે તો આ પક્ષીય અસ્તિત્વની આખરી કસોટી સમું બની જશે.

શિવસેના હવે ઠાકરેની નથી એકનાથ શિંદે જૂથની છે. અત્યારે કોંગ્રેસમાં ગાંધી-નહેરુ કુટુંબ પ્રતિનિધિત્વ ન કરે એવી સ્થિતિ ઊભી થઈ છે ત્યારે મહારાષ્ટ્રમાં આ બન્યું છે. ઉધ્ધવ ઠાકરેમાં જો કે એવી મોટી પ્રતિકાર શક્તિ નથી અને તેમને શરદ પવાર પણ મદદ કરી શકે એમ નથી એટલે એમ સમજવું કે બૃહદ્ મુંબઇ નગરપાલિકાએ દશેરા સભાની ઉદ્ધવ ઠાકરે  અને એકનાથ શિંદે બંને જૂથને શિવાજી પાર્કમાં વાર્ષિક દશેરા રેલી કરવાની મંજૂરી આપી નહીં. શિવસેનાનાં બે જૂથો વચ્ચેના  મુકાબલામાં એક સીએમ શિંદેના નેતૃત્વમાં અને બીજા ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં મુંબઈના શિવાજી પાર્ક ખાતેની દશેરા રેલી હવે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.જે હવે કોઈ જૂથ માટે શક્ય નથી.જે દાયકાઓથી મોભો રહ્યો છે તે બદલાઈ જશે!

ગણપતિ બાપા ગયા પછી દશેરા એ પછીની આ મોટી વાત છે. સેના માટે  દશેરાની રેલી  શિવાજી મહારાજ  પાર્ક પ્રતિષ્ઠાની છાપ ગણાય! પણ હજી એ કળી શકાય તેમ નથી કે અસલ શિવસેના અને શિવસૈનિકો કઇ તરફ છે! આખો મામલો હાલ તુરંત તો ચૂંટણી પંચ અને કોર્ટ વચ્ચે અટકેલો છે! સુનાવણી ચાલતી રહે પણ ફેંસલો આવે તે માટે પ્રતીક્ષા કરવી રહી! દશેરાના  પ્રથમ સત્તાવાર રેલીને યોજીને શિવસેનાનાં સ્થાપક  બાળ ઠાકરેએ શિવસેનાને અને સમર્થકોને એક દિશા દેખાડી હતી, જેમાંથી એક નવો પ્રાદેશિક પક્ષ થયો હતો!મહારાષ્ટ્રનાં સામાજિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક નવાં ધ્રુવીકરણનો ઉદય થયો હતો.

બાળ ઠાકરેએ એક અલગ વિચારધારાને વહેતી કરી જે મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં અસરકારક નીવડી.મૂળ બાળ ઠાકરે એક વાક્યમાં વાત રજૂ કરી દેતાં કાર્ટૂન બનાવતાં,આ કલા તેમણે યુવા મરાઠી વર્ગને આકર્ષિત કરવામાં અજમાવી.જે એકંદરે સફળ નીવડી.૧૯ જૂન ૧૯૬૬ના બાળ  ઠાકરેએ એક રાજકીય સંગઠન તરીકે શિવસેનાની સ્થાપના કરી.શિવસેના તે વર્ષથી ઐતિહાસિક શિવાજી પાર્કમાં તેની પરંપરાગત વાર્ષિક દશેરા રેલીનું આયોજન કરતી રહી છે. શિવસેનાની વાર્ષિક દશેરા રેલી તે સૈનિકો માટે  મહત્ત્વ ધરાવે છે.

આ રેલી સંગઠન અને શક્તિ પ્રદર્શન બની જતાં.બાળાસાહેબે દશેરા રેલીમાં તેમનાં વાર્ષિક ભાષણોમાં જોશ પૂરતાં  પક્ષને આગળ વધારવા માટે તેમની  વકતૃત્વ કુશળતાનો ઉપયોગ કર્યો હતો.તેમની વાતનો પડઘો પડતો તેનું સહજ સરળ કારણ હતું કે પોતે સીધી સત્તાથી દૂર રહેતાં.સરકારમાં કોઈ પદનો આગ્રહ ન રાખતાં. તેમનાં નિવાસસ્થાન માતોશ્રીથી રિમોટથી સંચાલન કરતાં,પક્ષ અને સરકારનું કેન્દ્ર અને સરકાર વચ્ચે તાલમેળ રહેતો.  મુંબઈની વિવિધ અર્થવ્યવસ્થામાં મહારાષ્ટ્રીયન હિતોનું રક્ષણ સેનાનાં મુખ્ય સૂત્રધાર બની કરતાં.

જો કે ઠાકરેને સેનાની વિચારધારાના માળખામાં વલણ પરિવર્તનનો સમાવેશ કરવામાં લાંબો સમય લાગ્યો ન હતો.૧૯૬૦ અને પછીનાં વર્ષોમાં કૉંગ્રેસ મુંબઈમાં  સામ્યવાદીઓ સાથે ઝઝૂમી રહી હતી, જેઓ   શહેરમાં ફેલાયેલી ટેક્સટાઈલ મિલોની સંખ્યાને ધ્યાનમાં રાખીને ઝડપથી એક બળ બની રહ્યાં હતાં.મુંબઈમાં શિવસેના અને પ્રાદેશિકતા કેવી રીતે અને શા માટે અસ્તિત્વમાં આવી તે સમજવા માટે તે સમયનાં મુંબઈનું સામાજિક-સાંસ્કૃતિક વાતાવરણ મુખ્ય પરિબળ છે.  ભૂતકાળને વધુ ખૂંદવા કરતાં મહારાષ્ટ્રના રાજકારણને સરળ રીતે સમજી શકાય છે.

મહારાષ્ટ્રમાં રાજકારણીઓ પ્રતિસ્પર્ધી હોવા છતાં અંગત સંબંધોને વધુ મહત્ત્વ આપતાં રહ્યાં છે.પ્રસંગોપાત ઝંડા ભૂલીને નેતાઓ મળતાં રહેતાં હોય છે.રાજનીતિ સાથે અંગત સંબંધો જાળવી રાખતાં.જેમકે શિવસેનાએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રતિભા પાટીલ મરાઠી હોવાથી ગઠબંધન લાઈનથી અલગ તેમને મત આપ્યો હતો.આમ મુદ્દા જોઈ શિવસેનાએ નિર્ણય લીધો છે.આવા ઘણા દાખલા છે. જ્યાં સુધી કેન્દ્રમાં ભાજપના વરિષ્ઠ નેતા અટલબિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી નિર્ણયો લેતાં મધ્યસ્થીમાં પ્રમોદ મહાજન રહેતાં.પ્રમોદ મહાજન અને ગોપીનાથ મુંડેનાં નિધન પછી મહારાષ્ટ્ર ભાજપમાં પણ બદલાવ આવ્યો.વિદર્ભના નેતાઓ સક્રિય થયાં.નીતિન ગડકરી કેન્દ્રમાં ગયાં અને દેવેન્દ્ર ફડણવીસ રાજ્યમાં નેતૃત્વ માટે ચૂંટાયા.

જ્યારથી નરેન્દ્ર મોદી બહુમત સાથે વડા પ્રધાન બન્યા, ઘણાં નેતાઓને એમ લાગ્યું કે હવે સરકારમાં ભાગીદારી માટે ફાવે તેવો દાવો કરવો શક્ય નથી. અગાઉ કેબિનેટમાં ધાર્યા પ્રમાણે પોર્ટફોલિયો મેળવી શકાતો તે શક્યતા રહી નહીં. પહેલી વાર તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અનેક પરિવર્તનશીલ પ્રયોગ કરતાં રહ્યાં.જેમાં સાથી અને વિપક્ષ માટે વિરોધ કરવો કદાચ લોકો સામે અપ્રિય બની જવાની શકયતા હતી  એટલે પક્ષના અસંતુષ્ટ અને ગઠબંધનમાં નેતાઓએ રાહ જોઈ,કેન્દ્રમાં મંત્રી ન બનવાને કારણે ઘણાં નારાજ થયાં, જો કે શિવસેનાને કેન્દ્ર કરતાં વધારે રાજ્યની સત્તામાં રસ હતો.મોટાભાઈની બની રહેવું હતું.અચાનક રાજકારણમાં બંધ બારણે શું વચનો અપાય છે તે કોઈ સમજી શક્યું નથી.બાળ ઠાકરે યુગ પછી રાજ ઠાકરે અને ઉદ્વવ ઠાકરે કૌટુંબિક દૃષ્ટિથી સાથે હતાં પણ પરિવાર અને પક્ષમાં તિરાડ પડી જે ગમે ત્યારે ફાટી શકે તેમ છે! શિવસેનાએ મહારાષ્ટ્રની ચૂંટણી પછી મુખ્યમંત્રીપદ માટે હઠ કરી,મહારાષ્ટ્રમાં અગાઉ પણ રાજકીય જોડકણાં માટે જાણીતા શરદ પવારે ઉદ્વવ ઠાકરે માટે તખ્તો ગોઠવી આપ્યો. આમ બાળાસાહેબ ઠાકરેના મૂળ સિદ્ધાંત સત્તા સીધી હાથમાં લેવી નહીં તે સલામત રહ્યો નહીં.

     મુખ્યમંત્રી તરીકે ઉદ્વવ ઠાકરે સાથી પક્ષોને સંભાળી શકયાં,સમયકાળ વિપરીત હતો,રોગચાળો  મોટો અવરોધ બન્યો.પક્ષનાં જમીન સ્તરનાં કાર્યકર્તાઓ કદાચ સંતુષ્ટ ન હતાં.તેમને પોતાની સરકારમાં પણ સીમિત સંપર્કનું વર્તુળ મળ્યું.આ તબક્કે અનેક ભૂતપૂર્વ મંત્રીઓ સામે કોર્ટમાં કેસ ચાલે છે એટલે વધુ છણાવટ માટે અવકાશ નથી.આ વાત મુખ્યમંત્રી એકનાથ શિંદે બરોબર સમજતાં હશે એટલે મૂળ સંગઠનને સુરક્ષિત રાખવા બાળાસાહેબના અસલી ટેકેદાર હોવાનું પુરવાર કરશે! ભાજપે દેવેન્દ્ર ફડણવીસના ભોગે તેમને મુખ્યમંત્રી બનાવ્યાં તે યુક્તિ સમય સાથે રમત બદલી નાખશે!

શિવસેનાની શક્તિ મુંબઈ મહાનગરમાં હતી.બૃહદ મુંબઇ નગરપાલિકાનું બજેટ નાના રાજ્ય જેટલું છે! વિશાળ કાર્યક્ષેત્ર છે.સત્તા વિકેન્દ્રીકરણ માટે અનુકૂળતા છે, ગૃહ પ્રધાન અમિત શાહ છેલ્લે મુંબઇ આવ્યા ત્યારે તેમણે બીએમસીની ચૂંટણીનાં તાર ઝણઝણાવી વાતાવરણ ગરમાવી દીધું. બીએમસીની ચૂંટણી શિવસેનાનાં કાર્યકર્તાઓની ઓળખ કરાવી દેશે. શિવ સૈનિકો ખરેખર ક્યા જૂથ સાથે છે તે જાણવા શિવાજી મહારાજ પાર્કની દશેરા રેલી એટલે ખેંચતાણનું કારણ બની ગઈ! હવે જોવાનું એ છે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે મુંબઈમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ  ખાતે  ગ્રાઉન્ડમાં દશેરા રેલી  કરી નવો ઈતિહાસ રચશે કે ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે નવી રીતે જનસંપર્ક કરી શિવસેનાના ઈતિહાસને બહાલી આપી શકશે! અગત્યની વાત એ છે કે બીએમસીની ચૂંટણીમાં એકનાથ શિંદે જૂથ અને ભાજપની યુતિ ઝંપલાવશે.  સામે પક્ષે હાલ તો બધું વેરવિખેર છે!

શિવસેનાનાં નામ, પ્રતીક (ધનુષ્ય અને તીર) અને વારસાનાં યોગ્ય દાવેદારો તરીકે ઉભરી રહેલા વિવાદ ખૂબ જ ચર્ચામાં છે. આ મુદ્દો કોર્ટમાં છે તેનો છેડો તુરંત આવે તે મુશ્કેલ જણાય છે કારણ કે એક મુદ્દાની અંદર એક પક્ષની બે ફાંટ પડી ગઈ છે જેમાં ઘણા સવાલોના જવાબો ગૂંચવાઈ ગયા છે! મુંબઈ  ઉદ્યોગથી ધમધમતું મહાનગર ડાંગે અને આચાર્ય અત્રેનાં તીખાં ભાષણોથી સામ્યવાદી લાલ રંગે રંગાયેલું હતું,તેમાં ટ્રેડ યુનિયનની સશકત ભૂમિકા હતી.કામગારો શિવસેના તરફ પલટાતાં લાલ રંગ ભગવામાં બદલાઈ ગયો.

શિવસેનાની હિંદુ તરફી દલીલ રહેતી પણ પ્રદેશવાદ પણ ઉમેરી દેતાં! મૂળ પ્રશ્ન શિવસેનાનાં કાર્યકર્તાઓની કામગીરીનો હતો,શાખાઓમાં શિવસૈનિકો પક્ષનું બળ હતાં.નેતૃત્વ અને કેડર વચ્ચે અસમંજસની રેખા નજરઅંદાજ કરવાનું પરિણામ એ આવ્યું કે સત્તા અને સંખ્યાના સમીકરણ બદલાઈ ગયાં! દશેરાથી રેલીની એક પરંપરા આરંભ થયેલી દશેરા જ  શક્તિ પ્રદર્શનનું  કારણ બની જતાં દશેરાનાં જ વર્ષો વિખરાઈ જશે! વાસ્તવિક શિવસેનાનું પ્રતિનિધિત્વ કોણ કરે છે તે રાજકીય પક્ષની શક્તિનું આકલન સત્તાની આસપાસ ફરતું રહે છે! સંખ્યા બળના આધારે જે પક્ષ સરકારમાં છે તેનાં પાસાં સંબંધિત મુદ્દો છે.  ચોક્કસ હકીકત એ છે કે ઈતિહાસ બદલાય ત્યારે ઘણાં પાનાં ઉખડી જાય છે,નાનાં અપમાન મોટાં બની જાય છે. આમ પણ દશેરા અભિમાની રાવણના પતનની કથા યાદ કરવાનું પર્વ છે!
– કુસુમ ઠક્કર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top