Comments

ભાગેડુ મેહુલ ચોકસી ભારત પાછો ક્યારે આવે છે?

ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. ચોક્સી પર તેના ભત્રીજા નિરવ મોદી, તેની પત્ની અમી મોદી અને તેના ભાઈ નીશાલ મોદી સાથે મળીને સરકારી પંજાબ નેશનલ બેંકમાં 12,636 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. 2018માં ચોક્સી ભારતમાંથી ભાગી ગયો હતો અને એન્ટિગુઆની નાગરિકતા લીધી હતી. બેલ્જિયમ પોલીસ દ્વારા તેની ધરપકડ ભારત સરકાર માટે એક મોટી સફળતા છે. વિપક્ષ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ચોક્સી જેવા કૌભાંડના આરોપીઓને ભારતમાંથી ભાગી જવા દેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ચોક્સીની ધરપકડ સાથે તેમની સરકાર બતાવી શકે છે કે તેણે આ બાબતે સખત મહેનત કરી છે.

ભારતની સંપત્તિની દૃષ્ટિએ બીજા ક્રમની સૌથી મોટી સરકારી ધિરાણકર્તા પંજાબ નેશનલ બેંકે 2018માં જાહેરાત કરી હતી કે જેણે દેશના નાણાંકીય ક્ષેત્રને હચમચાવી નાખ્યું. આ કથિત છેતરપિંડી મુંબઈની એક જ શાખામાં થઈ હતી અને તેમાં અબજોપતિ ઝવેરી નિરવ મોદી અને તેના મામા ચોક્સી સહિત હાઈ પ્રોફાઇલ વ્યક્તિઓ સામેલ હતા. ચોક્સી ભારતમાં એક સમયે પ્રખ્યાત જ્વેલરી બ્રાન્ડ ગીતાંજલિ જેમ્સ લિમિટેડનો માલિક હતો. કૌભાંડ શું હતું? નિરવ મોદી અને મેહુલ ચોક્સીએ કેટલાક ઠગ બેંક-અધિકારીઓ સાથે મળીને કપટપૂર્ણ લેટર ઓફ અંડરટેકિંગ મેળવવા માટે બેંકની સિસ્ટમમાં હેરફેર કરી હોવાનો આરોપ છે, જેનાથી તેઓ ટ્રેડ ફાઇનાન્સની આડમાં મોટી રકમ ઉપાડી શક્યા.

બેંકે 29 જાન્યુઆરી, 2018ના રોજ આરબીઆઈમાં તેનો પહેલો છેતરપિંડીનો અહેવાલ દાખલ કર્યો હતો અને ત્યાર બાદ સીબીઆઈમાં એક ફોજદારી ફરિયાદ કરવામાં આવી હતી. 7 ફેબ્રુઆરીના રોજ બીજો છેતરપિંડીનો અહેવાલ અને સીબીઆઈ ફરિયાદ નોંધવામાં આવી હતી. 13 ફેબ્રુઆરી સુધીમાં નિરવ મોદી ગ્રુપ, ગીતાંજલિ ગ્રુપ અને ચંદ્રી પેપર એન્ડ એલાઇડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પણ કથિત મની લોન્ડરિંગની સમાંતર તપાસ શરૂ કરી હતી.

એલઓયુ, જે ભારતીય બેંકોની વિદેશી શાખાઓમાંથી વ્યાવસાયિક હેતુઓ માટે ટૂંકા ગાળાના ધિરાણની સુવિધા માટે જારી કરાયેલ બેંક ગેરંટી છે. તે કૌભાંડમાં મુખ્ય સાધન બની હતી. આ એલઓયુ સામાન્ય છૂટક વ્યવહારો સામે જારી કરવામાં આવતા નથી અને તેનો ઉપયોગ વ્યવસાય અથવા વેપાર વ્યવહારો માટે થાય છે. તપાસકર્તાઓનું કહેવું છે કે, નિરવ મોદીએ માર્ચ 2011માં મુંબઈમાં પીએનબીની બ્રેડી હાઉસ શાખામાંથી આ એલઓયુ મેળવવાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદનાં 6 વર્ષોમાં તે 1,212 ગેરંટી મેળવવામાં સફળ રહ્યો – તે જ સમયગાળા દરમિયાન તેની કંપનીઓને જારી કરાયેલા 53 એલઓયુ કરતાં ઘણો વધારે. બેંકનાં આંતરિક સૂત્રો, જેમાં તત્કાલીન ડેપ્યુટી જનરલ મેનેજર ગોકુલનાથ શેટ્ટી સહિત બેંકની અંદરનાં લોકોની મિલીભગતના કારણે વર્ષો સુધી આ છેતરપિંડીનો ખુલાસો થયો ન હતો, જેમણે કથિત રીતે આ ગેરંટીઓ જારી કરવા માટે કોર બેંકિંગ સિસ્ટમને નજરઅંદાજ કરી હતી.

તેઓએ ભારતીય બેંકોની વિદેશી શાખાઓમાંથી લોન મેળવવા માટે 1.77 બિલિયન ડોલર અથવા ₹11,400 કરોડની ગેરંટી મેળવી હતી અને દાવો કર્યો હતો કે મોતી આયાત કરવા માટે રોકડની જરૂર છે. મોતી જેવા માલની આયાત કરવા માટે ભંડોળનો ઉપયોગ કરવાને બદલે કથિત રીતે ડાયવર્ટ અને લોન્ડરિંગ કરવામાં આવ્યું હતું. હકીકતમાં ચોક્સી બેલ્જિયમના એન્ટવર્પમાં તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે રહેતો હતો, જેની પાસે બેલ્જિયમની નાગરિકતા છે. ચોક્સી પાસે કથિત રીતે ‘એફ રેસીડેન્સી કાર્ડ’ પણ હોવાનું કહેવાય છે અને તે કેન્સરની સારવાર મેળવવાના બહાને એન્ટિગુઆથી બેલ્જિયમ ગયો હતો. તેણે પોતાની ભારતીય અને એન્ટિગુઆની નાગરિકતા પણ છુપાવી દીધી હતી. તે સારવાર માટે સ્વિટ્ઝર્લૅન્ડ ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો ત્યારે બેલ્જિયમ પોલીસે તેને પકડી લીધો.

આ કૌભાંડ બહાર આવ્યાના થોડાં અઠવાડિયાં પહેલાં ચોક્સી જાન્યુઆરી 2018માં ભારતમાંથી ભાગી ગયો હતો. તેણે 2017માં એન્ટિગુઆ નાગરિકતા મેળવી લીધી હતી. ઈડીએ આરોપ લગાવ્યો હતો કે, ‘’ચોક્સી, તેની કંપની ગીતાંજલિ જેમ્સ અને અન્ય લોકોએ ચોક્કસ બેંક અધિકારીઓ સાથે મળીને પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડીનો ગુનો કર્યો હતો, જેમાં છેતરપિંડીથી એલઓયુ (લેટર્સ ઓફ અંડરટેકિંગ) જારી કરવામાં આવ્યા હતા અને નિર્ધારિત પ્રક્રિયાનું પાલન કર્યા વિના એફએલસી (ફોરેન લેટર ઓફ ક્રેડિટ) વધારીને બેંકને ખોટું નુકસાન પહોંચાડ્યું હતું.’’ ઈડીએ અત્યાર સુધીમાં ચોક્સી સામે ત્રણ ચાર્જશીટ દાખલ કરી છે. સીબીઆઈએ પણ તેમની સામે આવી જ ચાર્જશીટ દાખલ કરી છે.

ચોક્સીને અગાઉ 2021માં ડોમિનિકામાં ક્યુબા પહોંચવાનો પ્રયાસ કરતી વખતે અટકાયતમાં લેવામાં આવ્યો હતો, પરંતુ બ્રિટિશ પ્રિવી કાઉન્સિલે તેમને રાહત આપતાં 51 દિવસ જેલમાં વિતાવ્યા બાદ છોડી મૂકવામાં આવ્યો હતો. તે સમય દરમિયાન તેણે દાવો કર્યો હતો કે તે રાજકીય ષડયંત્રનો ભોગ બન્યો છે અને ઈડી જેવી ભારતીય એજન્સીઓ પર તેમની મિલકતો ગેરકાયદે જપ્ત કરવાનો આરોપ લગાવ્યો હતો. દેખીતી રીતે, ચોક્સીએ તબીબી સારવાર માટે માનવતાવાદી આધારો આપીને બેલ્જિયમ સરકારને ગેરમાર્ગે દોરી હતી અને પોતાના દાવાઓને સમર્થન આપવા માટે બનાવટી અને ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. ઈડી કહે છે કે તેણે પોતાની ભારતીય કે એન્ટિગુઆ નાગરિકતાનો ત્યાગ કર્યો નથી, પરંતુ તેમ છતાં બેલ્જિયમના અધિકારીઓ પાસેથી એફ રેસિડેન્સી કાર્ડ માટે અરજી કરી હતી, જે તેણે સફળતાપૂર્વક મેળવી લીધી હતી.

જ્યારે ભારતીય અધિકારીઓને ખબર પડી કે ચોક્સી તેના સ્ટેટસને એફ+ રેસિડેન્સી કાર્ડમાં અપગ્રેડ કરવાની યોજના બનાવી રહ્યો છે, જેના કારણે બેલ્જિયમથી પ્રત્યાર્પણ વધુ મુશ્કેલ બનશે, ત્યારે તેના પ્રત્યાર્પણની વિનંતી કરવા માટે ઝડપથી કાર્યવાહી કરી. જવાબમાં, બેલ્જિયમના અધિકારીઓએ તેના એફ રેસિડેન્સી કાર્ડને એફ+ સ્ટેટસમાં રૂપાંતરિત કરવાનું અટકાવી દીધું. ચોક્સીએ સ્વિટ્ઝરલેન્ડમાં એક વિશેષ કેન્સર સુવિધા, હિર્સલેન્ડેન ક્લિનિક આરાઉ ખાતે કેન્સરની સારવાર માટે અરજી કરી હતી. તેણે લગભગ પ્રવેશ મેળવી લીધો હતો અને મોટા ભાગની જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી હતી.

જો કે, તે બેલ્જિયમ છોડે તે પહેલાં તેને એન્ટવર્પના અધિકારીઓ દ્વારા કામચલાઉ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. સ્વિટ્ઝર્લૅન્ડમાં તેણે ફરીથી તેની સ્વાસ્થ્ય સ્થિતિ અને માનવતાવાદી આધારો ટાંકીને તાત્કાલિક તબીબી સારવાર માટે પણ અરજી કરી હતી. બેલ્જિયમના અધિકારીઓ દ્વારા ચોક્સીની ધરપકડ મુંબઈ કોર્ટ દ્વારા 2018 અને 2021માં જારી કરાયેલા બે બિનજામીનપાત્ર વોરંટના આધારે કરવામાં આવી છે. જો કે, ભારત માટે તેને ભારત પરત લાવવાની પ્રક્રિયા આસાન રહેશે નહીં. ચોક્સી પાસે માત્ર ઘણા પૈસા જ નથી, પરંતુ સારા વકીલોનો કાફલો પણ છે. ચોક્સી અને નિરવ મોદીને સંડોવતા પીએનબી કૌભાંડનો પર્દાફાશ કરનાર વ્હિસલબ્લોઅર હરિપ્રસાદ એસવીએ જણાવ્યું હતું કે, ભારત તેમને પાછા મેળવવામાં ઘણો સમય લાગી શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top