Comments

૨૦૨૫નું વર્ષ ચીને વિક્રમી વ્યાપાર પુરાંત સાથે પૂરું કર્યું ત્યારે ભારત ક્યાં ગોથું ખાઈ ગયું?

અમેરિકા દ્વારા લાદવામાં આવેલ ૫૦ ટકા ટેરિફનો બોજ વેઠતાં વેઠતાં ભારત ખોડંગાતું ચાલે છે, ત્યાં વળી ઇરાન સાથેના દેશો સાથે વેપાર પર વધારાના ૨૫ ટકા ટેરિફની ઘોષણા ડોનાલ્ડ ટ્રમ્પે કરી. આ દેશોની યાદીમાં ભારતનું નામ પણ છે એટલે જ્યારે પણ આ ૨૫ ટકા વધારાનું ટેરિફ લાગુ થાય ભારતમાંથી અમેરિકામાં થતી નિકાસ ઉપ૨ ૭પ ટકાના દરે ટેરિફ લાગશે, જે ભારતીય માલસામાનને અમેરિકાના બજારમાં લગભગ બિનપોષણક્ષમ કિંમતે પહોંચાડીને ભારત માટે મોટી મુશ્કેલી સર્જી શકે છે. આમેય નિકાસ-વ્યાપારમાં ભારત ઝાઝું ઉકાળતું નથી. વિશ્વ વ્યાપારમાં ભારતનો ફાળો માંડ દોઢ ટકા જેટલો છે તે સામે વિશ્વના વ્યાપારમાં ટોચનો ફાળો ધરાવતા દેશોમાં ચીન (૧૪.૬ ટકા), અમેરિકા (૮.૪ ટકા), જર્મની (૬.૯ ટકા), નેધરલેન્ડ્સ (૩.૮ ટકા), જાપાન (૩.૪ ટકા), દક્ષિણ કોરિયા (૨.૮ ટકા), ઇટાલી (૨.૭ ટકા), ફ્રાન્સ (૨.૭ ટકા), મેક્સિકો (૨.૫ ટકા), બેલ્જિયમ (૨.૩ ટકા) નિકાસની ટકાવારી ધરાવે છે.

આ સામે આયાતી માલ અને ચીજવસ્તુઓની વાત કરીએ તો ૨૦૨૪ની સ્થિતિએ વર્લ્ડ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન અનુસાર વૈશ્વિક માલસામાનની કુલ આયાત જેનો ૨૦૨૪માં આંકડો  ૨૪થી ૨૫ ટ્રિલિયન અમેરિકન ડૉલર હતો તેમાં સૌથી મોટા આયાતકાર તરીકે અમેરિકા (૧૩થી ૧૪ ટકા, ૩.૩ ટ્રિલિયન કરતાં વધારે), ચીન (૧૦થી ૧૧ ટકા), જર્મની (૬થી ૭ ટકા) અને ત્યાર બાદ યુકે, નેધરલેન્ડ, જાપાન, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, ઇટાલી, ભારત, મેક્સિકો/કેનેડા અને બેલ્જિયમ એમ ટોચના ૧૦ દેશો વૈશ્વિક આયાતના કુલ ૫૦ ટકા હિસ્સો ધરાવે છે, જેમાં ભારત ૮મા નંબરે ૨.૮ ટકા હિસ્સા સાથે છે. ભારતની આયાત વાર્ષિક ૬થી ૭ ટકાના વૃદ્ધિદરે છેલ્લાં કેટલાંક વર્ષોથી વધતી રહી છે અને એની સાથે સાથે ભારતની વ્યાપારખાધ પણ વધતી રહી છે.

આ સંયોગોમાં તાજેતરમાં ચીન દ્વારા જાહેર કરવામાં આવેલ વિગતો અનુસાર ૨૦૨૫ના વર્ષ દરમિયાન ચીનની વ્યાપાર પુરાંત ૨૦૨૪ની સરખામણીમાં ૨૦ ટકા વધીને ૧.૧૯ ટ્રિલિયન અમેરિકન ડૉલરના રેકોર્ડ આંકને આંબી ગઈ છે. આ સામે ભારતની એપ્રિલથી ડિસેમ્બર, ૨૦૨૫ સુધીના ગાળાની વ્યાપાર ખાધ ૨૪૮.૩૨ અબજ અમેરિકન રહેવા પામી છે. એકલા ડિસેમ્બર, ૨૦૨૫ દરમિયાન માલસામાન અને સેવાઓની એકત્રિત વ્યાપારખાધ ૬.૯૩ અબજ ડૉલર જેટલી રહેવા પામી હતી.

આમ, ૧.૧૯ ટ્રિલિયન ડૉલરની વ્યાપાર પુરાંત વિશ્વબજારમાં ચીન કેટલાં મોટા પાયે નિકાસ વ્યાપાર ઉપર મજબૂતાઈથી પગદંડો જમાવીને કામ કરી રહ્યું છે તેનો ખ્યાલ આપે છે. આજે ચીનનાં ઉત્પાદનો વિશ્વબજારમાં જે રીતે સફળ થઈ રહ્યાં છે તેના કારણે ચીન વિશ્વનો પહેલા નંબરનો વ્યાપાર પુરાંત ધરાવનાર દેશ બન્યો છે. ફુગાવા સામે સરભર કરવામાં આવે તો પણ ચીન ૨૦૨૪ના વર્ષ ઉપ૨ ૨૦ ટકા વૃદ્ધિદર સાથે વિશ્વબજારોમાં પોતાનાં ઉત્પાદનો અને સેવાઓનો ધોધ વહાવી રહ્યું છે.

ડિસેમ્બર ૨૦૨૫, એક મહિના દરમિયાન જ ચીનની વ્યાપાર પુરાંત ૧૧૪.૧૪ અબજ ડૉલર હતી અને તેની નિકાસ મુખ્યત્વે યુરોપિયન યુનિયન, આફ્રિકા, લેટિન અમેરિકા અને દક્ષિણ એશિયાના દેશોમાં હતી. ચીન ઇરાન પાસેથી ક્રુડ ઑઇલ આયાત કરતું હતું અને રશિયા પાસેથી પણ ક્રુડ ઑઇલ આયાત કરે છે. આમ છતાં વિશ્વના પહેલા નંબરના નિકાસકાર દેશ તરીકે ૨૦૨૫માં ક્રમ જાળવી રાખવામાં ચીન સફળ રહ્યું છે.

આમ તો ચીન અમેરિકાના હીટલિસ્ટમાં પહેલા નંબરે છે. અમેરિકન બજારમાં ચીનની નિકાસ ઘટી છે અને આમ છતાંય ૨૦૨૫ના વર્ષ દરમિયાન ચીને ૧.૧૯ ટ્રિલિયન ડૉલર જેટલી વિક્રમી વ્યાપાર પુરાંત હાંસલ કરીને વિશ્વમાં પ્રથમ નંબર જાળવી રાખ્યો છે તેની પાછળનું મુખ્ય કારણ ચીન સરકારના વ્યાપાર-ઉદ્યોગ મંત્રાલય તેમજ વિદેશનીતિ એકબીજા સાથે સંપૂર્ણપણે તાલમેળ સાધીને આફ્રિકન તેમજ યુરોપિયન દેશોમાં ચીનનાં ઉત્પાદનો માટે વૈકલ્પિક બજારો વિસ્તારી શક્યાં તે છે.

આમ થવાને પરિણામે માત્ર નિકાસ-વ્યાપાર જ નહીં પણ ચીનની કંપનીઓ પણ વધુ નફો રળતી થઈ છે, જેને પરિણામે એક બાજુ ભારતીય શેરબજાર વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું રોકાણ રેકોર્ડ સ્તરે પાછું ખેંચાવાને કારણે મુશ્કેલીમાં છે ત્યારે ચીનનું શેરબજાર તેજીતરફી રહીને વિદેશી રોકાણને આકર્ષી રહ્યું છે. આમ, ચીનના શૅરબજારમાં વધતું જતું તેજીતરફી વલણ પણ ચીનની અર્થવ્યવસ્થા કુલ મિલાકે તેજીતરફી વલણ દાખવે છે તેનો પુરાવો છે.

અમેરિકા તેમજ વિશ્વના અન્ય દેશોનું કહેવું છે કે ચીન જાણી જોઈને યુઆનને નબળો રાખે છે, જેથી એની નિકાસ વિશ્વબજારમાં તીવ્રતમ હરીફાઈ સામે પણ ટકી રહે. તે સામે ભારતીય રૂપિયો ડૉલરની સરખામણીમાં ગગડતો ચાલે છે અને ૨૦૨૬ના વર્ષ દરમિયાન એ વધુ ગગડીને ડૉલર સામે ૧૦૦ની સપાટી પસાર કરી જાય તેવી શક્યતાઓનો અંદેશો આપે છે.

ભારતીય વ્યૂહરચનાકારો અને અર્થ તેમજ વ્યાપારનીતિની સાથોસાથ વિદેશનીતિ ત્રણેય મોરચે ચીનની સરખામણીમાં ભારત વિશ્વ સમુદાયમાં મજબૂત પ્રદર્શન કરી શક્યું નથી. પોતાના પાડોશી દેશોના સંબંધમાં પણ ભારતીય વિદેશનીતિ સુમેળભર્યા સંબંધો જાળવવામાં નિષ્ફળ ગઈ છે અને ક્યાંક માલદીવ્સ, નેપાળ, બાંગલા દેશમાં ભારતની ગુપ્તચર સંસ્થાઓ ખાસ કરીને ‘રૉ’ જે તે દેશમાં આંતરિક પ્રવાહો પારખવામાં અને એ રીતે ભારત સરકારને આ દેશો સાથેના સંબંધોમાં સરળતા રહે તે દિશામાં જરૂરી અહેવાલ સમયસર આપવામાં પણ નિષ્ફળ રહી છે, જેનાં માઠાં પરિણામો આજે આપણે ભોગવી રહ્યાં છીએ. આમ, અમેરિકા ટેરિફનો ડંડો પછાડીને ચીનને ડરાવી શકતું નથી જ્યારે એ જ અમેરિકા એ જ હથિયાર વાપરી ભારતનાં ગાત્રો ધ્રુજાવી શકે છે. પ્રશ્ન એ છે કે, આપણે ચીન પાસેથી અને વૈશ્વિક પ્રવાહોનાં તારણો પરથી કંઈક શીખીશું ખરા?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top