દુનિયાની વસતિ 783 કરોડ કરતાં વધુ છે, એમાંથી 300થી 350 કરોડ લોકો મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરે છે. વિશ્વમાં અસંખ્ય મેસેજિંગ એપ્સ અસ્તિત્વમાં છે. હજુય નવી નવી મેસેજિંગ એપ્સ બનીને પ્લે સ્ટોરમાં આવી રહી છે. એ બધામાં સૌથી પોપ્યુલર એપ છે – વોટ્સએપ. જગતના 200 કરોડ લોકો વોટ્સએપના એક્ટિવ યુઝર્સ છે. વોટ્સએપ અને ફેસબુક 2 એવી કોમન એપ્સ છે જે બધા જ સ્માર્ટફોનમાં અનિવાર્ય થઈ પડી છે. વોટ્સએપ અને ફેસબુક મેસેન્જર બંને મળીને મેસેજિંગ એપ્સના 90 % માર્કેટ પર કબજો ધરાવે છે. બાકીની બધી જ મેસેજિંગ એપ્સના ભાગે 10 % હિસ્સો આવે છે. ચીનની વીચેટ ચીન સહિતના દેશોમાં વોટ્સએપને સ્પર્ધા આપે છે. તો યુરોપ અને આફ્રિકન દેશોમાં વાઈબર વોટ્સએપને ટક્કર આપે છે છતાં વોટ્સએપ પાસે એક્ટિવ યુઝર્સનો જે આંકડો છે એ બીજા કોઈ પ્લેટફોર્મ પાસે નથી.
વોટ્સએપની આવી લોકપ્રિયતા પાછળનું મુખ્ય કારણ છે–અપડેટ્સ. યુઝર્સની ડિમાન્ડ, યુઝર્સની પસંદગી પ્રમાણે વોટ્સએપ પ્લેટફોર્મમાં સતત પરિવર્તન કરે છે. વોટ્સએપ હવે માત્ર ચેટિંગ એપ નથી. એમાંથી વીડિયો કોલ, વોઈસ કોલ ઉપરાંત પેમેન્ટ સુદ્ધાં થઈ શકે છે. અસંખ્ય વીડિયો,ફોટો શેર કરવા ઉપરાંત ગ્રુપ કોલ, માત્ર એડમિનને મેસેજ કરવાનો વિકલ્પ સહિતનું કેટલુય વોટ્સએપમાં આવ્યું છે. એ સિલસિલો હજુય ચાલી રહ્યો છે. વોટ્સએપમાં એટલા અપડેટ્સ આવ્યા છે/આવી રહ્યા છે કે આગામી સમયમાં યુઝર્સનો ચેટ એક્સપિરિયન્સ સમૂળગો બદલાઈ જશે.
***
180 દેશોમાં ફેલાવો ધરાવતા વોટ્સએપના લેટેસ્ટ અપડેટમાં મહત્ત્વના નવા ફીચર્સ ઉમેરાયા છે. યુઝર્સ પોતાની વીડિયો કોલ લિંક જનરેટ કરીને અન્ય યુઝર્સ સાથે કે ગ્રુપમાં એ શેર કરી શકે છે. એ લિંકમાં જોઈનનો વિકલ્પ મળે છે. એના પર ક્લિક કરો તો સીધા જેતે વ્યક્તિના વીડિયો કોલમાં જોડાઈ શકાય છે. અત્યાર સુધી ગ્રુપ કોલ થઈ શકતો હતો કે એક એક યુઝર્સને જોડી શકાતા હતા. આ સવલતના કારણે વોટ્સએપમાં વર્ચ્યુઅલ મીટિંગ કરવાનું, ગ્રુપ કોલ કરવાનું સરળ બનશે. વળી, વીડિયો કોલમાં યુઝર્સ જોડવાની મર્યાદા પણ વધી છે. એક કોલમાં 7 ને બદલે હવે 32 લોકો વાતો કરી શકશે.
એક ફીચર ગ્રુપમાંથી લેફ્ટ થવાનું છે. અત્યાર સુધી ગ્રુપમાંથી કોઈ યુઝર લેફ્ટ થાય તો તમામ ગ્રુપ મેમ્બર્સને એનું નોટિફિકેશન દેખાતું હતું, હવે એવું નોટિફિકેશન માત્ર ગ્રુપ એડમિનને જ દેખાશે. કેટલાય સમયથી યુઝર્સ ગ્રુપમાંથી સિક્રેટ એક્ઝિટની માંગણી કરતા હતા. આખરે વોટ્સએપે એ પૂરી કરી દીધી છે. ગ્રુપ એડમિનને સરળ પડે એવું એક બીજું અપડેટ પણ અપાયું છે. ગ્રુપમાં કોઈ યુઝરે વાંધાજનક પોસ્ટ મૂકી હોય અને એનાથી એડમિન સહમત ન હોય એવા કિસ્સામાં પોસ્ટ મૂકનાર ગ્રુપ મેમ્બરને કહીને ડિલિટ ફોર એવરીવન કરાવવું પડતું હતું પરંતુ હવે એ કામ ખુદ એડમિન કરી શકશે. એડમિનને કોઈ પોસ્ટ વાંધાજનક લાગે કે ગ્રુપના હેતુ સાથે બંધબેસતી ન જણાય તો એ પોતે જ ડિલિટ ફોર એવરીવન કરીને પોસ્ટને પ્લેટફોર્મ પરથી હટાવી શકશે.
કોન્ટેક્ટ લિસ્ટમાં સામેલ બધાના વોટ્સએપ સ્ટેટ્સ આપણે નિયમિત જોતાં હોઈએ છીએ. તેનો જવાબ પણ આપતા હોઈએ છીએ. વોટ્સએપ સ્ટેટ્સને જવાબ આપવા માટેની પ્રક્રિયા થોડી અઘરી હતી, હવે એ સાવ સરળ બનાવી દેવાઈ છે. સ્ટેટ્સ જોતી વખતે પહેલાં 2 ક્લિક કરીને રિએક્ટ કરી શકાતું હતું, હવે માત્ર એક ક્લિકમાં રિએક્ટ કરી શકાશે. સ્ટેટ્સ જોતા હોઈશું ત્યારે જ ઉપર આપણને રિએક્શનના વિકલ્પ મળી જશે. વોટ્સએપના નવા અપડેટમાં સ્ટેટ્સ હાઈડ કરવાની સુવિધા પણ મળશે. તમે એક સ્ટોરી થોડી કલાકો પહેલાં મૂકી હોય અને પછી એને ઓફલાઈન કરી દેવી હોય તો એ હવે શક્ય બનશે.
વોટ્સએપ ગ્રુપમાં શરૂઆતમાં 256 લોકો જોડાઈ શકતા હતા. એ પછી સંખ્યા વધારીને 512 કરી દેવાઈ હતી. હવે આ આંકડો 1024 સુધી પહોંચી ચૂક્યો છે. ગ્રુપ મેમ્બર્સની લિમિટ વધતાં અસંખ્ય લોકોને સરળતા રહેશે. ખાસ તો કંપનીઓના એકથી વધુ વોટ્સએપ ગ્રુપ બનાવવા પડે છે, તેના બદલે હવે એક જ ગ્રુપથી કામ ચાલી જશે. એ જ રીતે કોલેજોના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એક જ ગ્રુપમાં સામેલ થઈ શકતા ન હતા. ગ્રુપ લિમિટ વધતાં હવે એ પણ શક્ય બનશે. તે સિવાય એક જ પ્રકારના હેતુથી બનતા એકથી વધુ ગ્રુપ મર્જ થઈ જશે. જેમ કે ઘણી સેવાભાવી સંસ્થાઓ રક્તદાતાઓના ગ્રુપ બનાવે છે. પરંતુ આંકડો મર્યાદિત હોવાથી એક ગ્રુપમાં બધાને સમાવી શકાતા ન હતા. વોટ્સએપના નવા ફીચરથી ગ્રુપની સભ્યસંખ્યા વધશે. આ ફીચર મર્યાદિત વર્જનમાં લોંચ થયું છે. આગામી દિવસોમાં દુનિયાભરના ગ્રુપ એડમિનને સભ્યસંખ્યા વધારવાની સગવડ મળશે.
ફોટો શેરિંગમાં એક ક્રાંતિકારી ફેરફાર વોટ્સએપે કર્યો છે. વોટ્સએપમાં ફોટો શેર કરો તો એની પિક્સેલ ક્વોલિટી ઘટી જાય છે. ડોક્યુમેન્ટ ફોર્મેટમાં ફોટો શેર કરવો પડતો હતો. નવા અપડેટમાં હાઈક્વોલિટી ફોટો શેર કરવાની સુવિધા અપાઈ છે. વોટ્સએપ સેટિંગ્સમાં જઈને સ્ટોરેજ એન્ડ ડેટા નામના ઓપ્શનમાં ફોટો અપલોડ ક્વોલિટીમાંથી બેસ્ટ ક્વોલિટી સિલેક્ટ કરીને હાઈપિક્સેલ ફોટો શેર કરી શકાશે.
અપકમિંગ વોટ્સએપ ફીચર્સમાં અવતાર મુખ્ય છે. યંગસ્ટર્સને ધ્યાનમાં રાખીને આ ટૂલ અપાયું છે. પોતાની ઈમેજમાંથી યુઝર ખાસ સ્ટીકર બનાવી શકશે. તેને પ્રોફાઈલ પિક્ચરમાં તો સેટ કરી જ શકાશે, સાથે સાથે ચેટિંગમાં પણ ઉપયોગ થશે. અત્યારે બીટા યુઝર્સ માટે લોંચ થયેલું આ ફીચર આગામી સમયમાં તમામ યુઝર્સના વોટ્સએપમાં મળી જશે. ઘણાં સમયથી યુઝર્સ વોટ્સએપ પોસ્ટમાં એડિટની સુવિધા આપવાની માંગણી કરતા હતા. વોટ્સએપમાં ફાઈનલી એ સવલત મળતી થઈ જશે. સેન્ડ થયેલા મેસેજમાં યુઝર ધારે એટલી વખત એડિટ કરી શકશે.
ફેસબુકમાં એડિટ પોસ્ટની જે પદ્ધતિ છે એ જ પદ્ધતિ વોટ્સએપમાં રહેશે. એડિટ હિસ્ટ્રીમાં જઈને યુઝરે શું એડિટ કર્યું છે એ પણ મોકલનાર અને રિસીવ કરનાર બંને જોઈ શકશે. આમાંના ઘણાં ફીચર્સનું અપડેટ આવી ચૂક્યું છે. ઘણાં ફીચર્સનો પ્રયોગ માટે નક્કી કરેલા યુઝર્સને એક્સેસ મળ્યો છે, તો કેટલાક પરિવર્તનો આગામી સમયમાં આવી રહ્યાં છે. વોટ્સએપના એન્જિનિયર્સ તેના પર કામ કરી રહ્યાં છે. વેલ, સફળતાનું મહત્ત્વનું એક પરિબળ છે પરિવર્તન. વોટ્સએપની અદ્વિતીય લોકપ્રિયતા પાછળ આ પાસું ઊડીને આંખે ચડે છે. સતત પરિવર્તન કરીને વોટ્સએપ હરીફો પર તો ભારે પડે જ છે, યુઝર્સનું પણ પ્રિય પ્લેટફોર્મ થઈ પડ્યું છે.
– હરિત મુનશી