ગાંધીનગર નજીક પેથાપુર પાસેથી સ્વામીનારાયણ ગૌ શાળા પાસેથી મળી આવેલો માસૂમ બાળક હવે નોંધારો બની ગયો છે. કારણ કે શિવાંશને જન્મ આપનાર માતા હિના ઉર્ફે મહેંદીની હત્યા તેના પ્રેમી સચિન દિક્ષિતે કરી નાંખી છે. જ્યારે ખુદ સચિન રાજસ્થાનના કોટાથી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે, એટલે બાળકને તરછોડવાના ગુના તથા પ્રેમિકાની હત્યા કરવાના કેસમાં સચિનની ધરપકડ થઈ ચૂકી છે.
સચિનની પત્ની અનુરાધા એવું કહી ચૂકી છે કે ‘આ મારૂ બાળક નથી.’ જેના પગલે ખુદ શિવાંસ હવે નોંધારો બની ગયો છે. શિવાંશ હજુ તો મા … પણ બોલતા શીખ્યો નથી, ત્યારે તેના પિતા જેલના હવાલે થઈ જશે. ગાંધીનગરમાં સરકારી વકીલ કહે છે કે હાલમાં તો શિવાંશની કસ્ટડી સરકારની છે. સચિનના પિતા તથા તેની માતા ગાંધીનગર સ્પે. કોર્ટ સમક્ષ અરજી કરીને શિવાંશની કસ્ટડી પાલક પિતા તરીકે માંગી શકે છે.
રવિવારે બપોર પછી શિંવાંશને અમદાવાદમાં ઓઢવ બાળ શીશુધરમાં લઈ જવાયો ત્યારે તેની સાથે છેલ્લા 48 કલાકથી રહેલા ભાજપના મહિલા કાઉન્સિલર દિપ્તીબેન પટેલ રીતસરના રડી પડ્યા હતા. દિપ્તીબેન પણ શિવાંશને છોડવા માંગતા નહોતા. તેઓ પોલીસ સલામતી વચ્ચે તે અમદાવાદમાં ઓઢવ શિશુઘરમાં શિવાંશને મૂકવા ગયા હતા. ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાએ કહ્યું હતું કે ‘સચિન દિક્ષિત સામે બાળકને તરછોડી દેવાનો તથા વડોદરામાં તેની પ્રમિકા મહેંદી ઉર્ફે હિનાની હત્યાનો ગુનો પણ દાખલ થયો છે.
શિવાંશની બર્થડેની સિવિલમાં ઉજવણી કરાઈ
જોગાનુજોગ આજે શિવાંશને દસ મહિના પૂરા થતાં ગાંધીનગર સિવિલમાં સ્પે. રૂમમાં ક્રિપાલસિંહ રાણા તથા અન્યો હોસ્પિટલ પહોંચી ગયા હતા એટલું જ નહીં શિવાંશની બર્થ ડે પર ખુદ શિવાંશની તસ્વીર સાથે કેક સામે શિવાંશને બેસાડીને ઉજવણી કરાઈ હતી. જો કે હાલમાં શિવાંશને તેના માતા પિતાની હૂંફ મળશે નહીં, તે નોંધારો થઈ ગયો છે.