Comments

ચૂંટણી કરવામાં શું વાંધો છે?

કોઈપણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજવી હોય તો તે ચૂંટણી પંચની હકૂમત છે પણ ખાસ કરીને જમ્મુ કાશ્મીર જેવા સંવેદનશીલ અને વ્યૂહાત્મક વિસ્તારમાં ચૂંટણી કરવાની હોય તો કેન્દ્રીય અર્ધલશ્કરી દળની અને અન્ય વ્યવસ્થા કરવાની હોય તો કેન્દ્ર સરકારનો પ્રવેશ જરૂરી બને છે. આથી જમ્મુ કાશ્મીરનાં મુખ્ય ચૂંટણી અધિકારી પી.કે.પોલે આ કેન્દ્રશાસિત પ્રદેશમાં આમ પર ખૂબ વિધાનસભાની વિલંબિત ચૂંટણી વિશેનો કોઈપણ સંદર્ભ ટાળ્યો ત્યારે રાજકીય પક્ષો અને લોકોનાં ભવાં ઊંચાં ચડ્યાં. જમ્મુ કાશ્મીરને રાજ્યના દરજ્જામાંથી કેન્દ્રશાસિત પ્રદેશનાં નીચલા દરજ્જા પર ઉતારાયો ત્યાર પછી લોકસભા, પંચાયત અને વિધાનસભા તેમજ મ્યુનિસિપલ ચૂંટણીની વાત હતી. પણ વિધાનસભાની આ પહેલી જ ચૂંટણી ગણાય.

ચૂંટણી અધિકારીએ જે વલણ દાખવ્યું તે કેન્દ્ર સરકારના મનમાં શું ચાલે છે તેનું પ્રતિબિંબ પાડે છે. કેન્દ્ર સરકાર અત્યારે જમ્મુ કાશ્મીરનાં સર્વાંગી વિકાસ પર ભાર આપે છે અને કેન્દ્રનાં પ્રધાનો અને સત્તાધીશો અહીં નવી યોજનાઓ શરૂ કરવા અને ‘કામ કેવું ચાલે છે?’તે જોવા અહીં ધામા નાંખે છે. આનાથી એવી છાપ પડે છે કે વિધાનસભાની ચૂંટણી નજીકના ભવિષ્યમાં થવાની છે. હવે સવાલ એ છે કે વિધાનસભાની ચૂંટણીના પ્રશ્ને કેમ મૌન રાખવામાં આવે છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ લોકસભા સહિતની ત્રણ બાકી ચૂંટણીનો નિર્દેશ કર્યો ત્યારે લોક સભાની મે 2024માં થનારી ચૂંટણીની સાથે કે તે પહેલાં કરવાની વાતનો છેદ ઉડાડી દેવાયો. સિવાય કે કેન્દ્ર સરકાર આશ્ચર્યજનક રીતે ચૂંટણી વહેલી જાહેર કરી વિરોધ પક્ષને આશ્ચર્ય માં મૂકી દેવા માંગતી હોય તો!

વિધાનસભાની ચૂંટણી પાછી ઠેલવા માટે કેન્દ્ર સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશનાં અધિકારીઓ એક યા બીજા બહાનાં કાઢે છે. વિધાનસભા મત વિસ્તારોનાં ફેર સીમાંકન સાથે આ શરૂઆત થઈ. બીજું બહાનું મતદારયાદી સુધારણાનું હતું તે પહેલી વારનાં મતદારોનાં નામનાં સમાવેશ સાથે થયું. ચૂંટણી નહીં યોજવા માટે સુરક્ષાની ક્યારેય ચિંતા કરવામાં આવી નથી.

આ કેન્દ્રશાસિત પ્રદેશ છેલ્લાં ચાર વર્ષથી ચૂંટાયેલી સરકાર વગરનો છે. હવે કયું બહાનું આપશો? લોકસભા, પંચાયત અને મ્યુનિસિપલ ચૂંટણીઓ થઈ શક્તી હોય તો વિધાનસભાની કેમ નહીં? ખુદ કેન્દ્ર સરકાર અને રાજ્યનું વહીવટી તંત્ર કહે છે કે સુરક્ષાની પરિસ્થિતિ સુધરી છે. તેનો સ્પષ્ટ નિર્દેશ પ્રવાસીઓ અને યાત્રાળુઓની સંખ્યામાં થયેલા વધારા પરથી મળે છે. અને વહીવટી તંત્ર પોતે જ કહે છે. આ વર્ષે હજી તેમાં વધારો થવાનો છે. તો વિધાનસભાની ચૂંટણી યોજવામાં શું વાંધો છે?

આ કેન્દ્રશાસિત પ્રદેશનાં એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં પોલે વિધાનસભાની ચૂંટણીનાં પ્રશ્નને ટાળ્યો તે ખુદ વહીવટી તંત્રનાં સુરક્ષા અંગેનાં તર્કનો છેદ ઉડાડે છે કે વિધાનસભાની ચૂંટણી યોજવા સામે સુરક્ષાનો પ્રશ્ન નથી. કેન્દ્ર સરકાર અને તેના જમ્મુ કાશ્મીરનાં વહીવટદારો પોતે જ કહે છે કે જમ્મુ કાશ્મીરમાં શાંત પરિસ્થિતિ છે. આ સંજોગોમાં શાસકોનાં વલણ બાબતમાં માને છે કે કેન્દ્ર સરકાર અને તેના વહીવટદારોની આ ચૂંટણી યોજવાની દાનત નથી. તેમને તો એવું પણ લાગે છે કે લોકસભાની ચૂંટણી સાથે તે નહીં પણ યોજાય. વિધાનસભાની ચૂંટણી માટે સુરક્ષા વ્યવસ્થા કંઈ ખાસ રીતે કરવાની છે. વાત સુરક્ષાની ઓછી છે રાજકીય આટાપાટાની વધારે છે.

આદર્શ રીતે જુઓ તો પહેલાં વિધાનસભાની ચૂંટણી થવી જોઈએ. પછી બીજી બધી ચૂંટણી આ કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટાયેલી સરકારની નિગરાનીમાં થવી જોઈએ. ભારતીય જનતા પક્ષે વિશ્વાસઘાત કર્યો છે અને વિધાનસભાની ચૂંટણી યોજવામાંથી પાછો હટવા માંગે છે. એવી ચર્ચાને લોકો વધુ ને વધુ સમર્થન આપી રહ્યાં છે. કારણ એવું અપાય છે કે લોકોને પોતાની સમસ્યાનો ઉકેલ મળવા બાબતે શાસકો વિરુધ્ધ ભારોભાર અસંતોષ પ્રવર્તે છે.

ભારતીય જનતા પક્ષ કેન્દ્રની ચૂંટણીની જાહેરાતમાં ઊંઘતો ઝડપાઈ જવા માંગતો નથી. પણ બીજા રાજકીય પક્ષો હતાશ થઈ ગયા છે. પણ પ્રાદેશિક પક્ષો લોકોમાં હાજરી પુરાવવા મથી રહ્યા છે. ભારતીય જનતા પક્ષમાં એક ગણનાપાત્ર વર્ગ એવો છે જે વિધાનસભાની ચૂંટણીનો હિમાયતી છે. પરંતુ તેમનું કંઈ ઉપજતું નથી. આ બાબતમાં આખરી સત્તા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાનની છે ત્યારે ચૂંટણી અધિકારીનો શબ્દ આખરી ન હોય તેવી આશા રાખીએ પણ તેમના વલણથી એક વધુ રાજકીય અનિશ્ચિતતા શરૂ થઈ છે, જે કોઈના હિતમાં નહીં હોય. વિધાનસભાની ચૂંટણી યોજી લોકશાહીને મજબૂત બનાવવાનો અને રાષ્ટ્રવિરોધી બળોને પરાસ્ત કરવાનો વખત આવી ગયો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top