Charchapatra

નામ શું છે?

ધોરણ દસના ક્લાસનો છેલ્લો દિવસ હતો. ટીચરે કહ્યું, ‘આજે આપણે એક ગેમ રમશું.બધા કાગળ પેન લઈને તૈયાર થઇ જાવ.હું તમને દસ પ્રશ્ન પૂછીશ. આ બધા પ્રશ્નના સાચા જવાબ જે સૌથી પહેલાં આપશે તે વિજેતા ગણાશે, પણ બધા જ પ્રશ્નના જવાબ આપવા જરૂરી છે. એક પણ પ્રશ્નનો જવાબ નહિ આવડે તો નહિ ચાલે, તેનું પેપર હું લઈશ નહિ.’ બધા વિદ્યાર્થીઓ હાથમાં પેન લઈને તૈયાર થઇ ગયા.ટીચરે પેપર આપ્યું, પેપર મળતાં જ બધા વિદ્યાર્થીઓ ફટાફટ જવાબ લખવા લાગ્યા,પહેલા પાંચ-છ જવાબ તો બધાને આવડી ગયા.સાતમો અને આઠમો પ્રશ્ન અઘરા હતા.

થોડા વિદ્યાર્થીઓ અહીં અટકી ગયા અને જેમણે આ પ્રશ્નોના જવાબ લખ્યા તેઓ પણ નવમા અને દસમા અટકી ગયા.કોઈને આ પ્રશ્નના જવાબ આવડતા ન હતા.બધા એક બીજાની સામે જોવા લાગ્યા. નવમો સવાલ હતો, તમારી શાળાના વોચમેનનું નામ શું છે? લગભગ બધા જ મૂંઝાઈ ગયા. એક વિદ્યાર્થીને યાદ આવ્યું કે પી.ટી. સર હંમેશા ‘લાલજી , ગેટ બંધ કર’ની બૂમ પાડતા હોય છે.તેણે જવાબ લખ્યો કે વોચમેનનું નામ લાલજી છે. હવે દસમો પ્રશ્ન …દસમો પ્રશ્ન હતો ‘તમારા વર્ગમાં અને માલ પર કચરા પોતા કરતા અને બાથરૂમ સાફ કરતાં માસીનું નામ શું છે? આ પ્રશ્નનો જવાબ કોઈને જ ન આવડ્યો.

ટીચર બોલ્યા, ‘આજે આ ગેમમાં કોઈ વિનર નથી, પણ જીવનમાં વિનર બનવા માટે કામની એક નાની વાત સમજાવવા મેં આ ગેમ તમને રમાડી છે.નાની પણ જીવન માટે બહુ મહત્ત્વની વાત છે.આ સાફ સફાઈ કરતાં માસીને તમે રોજ જોયાં હશે.તેઓ મૂંગા મોઢે રોજ પોતાનું કામ કરે છે અને સ્વચ્છતા જાળવે છે.પણ શું તમે કોઈએ તેમને કયારેય થેન્કયુ કહ્યું છે? ક્યારેય તેમનું નામ પૂછ્યું છે? ટીચરની વાત સાંભળી બધા ચૂપ થઇ ગયા અને શરમથી નીચું જોઈ ગયા.ટીચર માસીને અંદર લઇ આવ્યાં, બોલ્યાં, ‘ચાલો, આ ગંગા માસી છે.

તેમને બધા ઊભા થઈને થેન્કયુ કહો ..’બધાએ ગંગા માસીને થેન્કયુ કહ્યું.તેમની આંખોમાં આંસુ અને મોઢા પર ખુશી આવી ગઈ. ટીચર આગળ બોલ્યાં, ‘આજ પછી તમારી નવી જિંદગી શરૂ થશે.પરીક્ષા પછી તમે આગળ વધશો.અનેક લોકો તમારા જીવનમાં આવશે.કેટલાક ખાસ અને કેટલાક સાવ નગણ્ય, પણ મારી આજની શીખ યાદ રાખજો. જીવનમાં મળનારા બધા જ મહત્ત્વના હોય છે .જે તમારા જીવનમાં આવે,રોજના જીવનનો ભાગ બને …વોચમેન ,લીફ્ટમેન ,સફાઈ કર્મચારી, પ્યુન વગેરેને પ્રેમથી જાણજો ,સ્મિત આપજો ,નમસ્કાર કે આવજો કહેજો, મદદરૂપ થવાય તો થજો.’ટીચરની વાત બધાના મન પર અસર કરી ગઈ. શું તમને તમારી સોસાયટીના વોચમેન કે સફાઈ કર્મચારીનું નામ ખબર છે? ન ખબર હોય તો આજે જ જાણી લેજો અને તેમને રોજ એક સ્મિત તો આપજો જ.

Most Popular

To Top