વ્યાવહારિક દૃષ્ટિકોણથી જોઇએ તો સંબંધ સંપત્તિ બંનેનું મહત્ત્વ સરખું છે એટલે કે માણસને આ બંનેમાંથી કોઇના વિના ચાલતું નથી. પણ યાદ રાખવાની વસ્તુ એ છે કે સંબંધની શરૂઆત કોઇ પણ સંપતિ વિના થાય છે પછી જેમ જેમ સંબંધો વિકસતા જાય એ પ્રમાણે સંપત્તિની જરૂર પડતી જાય છે. પરંતુ મોટા ભાગના સંબંધ પૈસાના કારણે ખરાબ થતા હોય છે. જયારે આપણી પાસે સંપત્તિ અને સંબંધો વચ્ચેની પસંદગી હોય ત્યારે હંમેશા સંબંધોને મહત્ત્વ આપવું જોઇએ.
જે લોકોને વધુ સંબંધ નથી તેમની તુલનામાં જે લોકો વધુ સામાજિક રીતે જોડાયેલા હોય છે અને અંગત સંબંધો સારા હોય છે તથા ગુણવત્તાવાળા સંબંધો હોય છે તે લોકો તંદુરસ્ત હોય છે અને વધુ જીવે છે. સ્વસ્થ રહેવા માટે સંપત્તિ કરતાં સંબંધ વધુ મહત્ત્વપૂર્ણ છે. એમ નથી કે સંપત્તિ કરતાં સંબંધોને મહત્ત્વ આપવું જોઇએ. પરંતુ જયારે એકની પસંદગી હોય તો સંબંધોની પસંદગી કરવી. સંપત્તિ દ્વારા પણ સંબંધ બને છે, જે મોટા ભાગે બનાવટી હોય છે અને તે પ્રકારના સંબંધો આપણને સ્વસ્થ રાખતા નથી. નિષ્કર્ષ એ છે કે સંપત્તિ અને સંબંધો બંને ગાડાનાં (જીવનનાં) બે પૈંડાં છે.
જો એક પૈડું તૂટી જશે તો જીવન અસંતુલન થઇ જશે. તેથી બંન્નેને સંતુલન રાખવું. દોસ્તો, સંપત્તિ તો આજે છે ને કાલે નથી. પરંતુ જયાં સંબંધની વાત આવે ત્યાં દરેકે ઝૂકવું પડે છે. સંબંધથી સંપત્તિ બનાવી શકાય, પણ સંપત્તિથી સંબંધ કયારેય નહીં બને. પરંતુ અત્યારના યુગમાં જેની પાસે પૈસો એને લોકો માન આપે પણ એ કેવા પ્રકારના સંબંધ રાખે છે એ દરેક લોકો જાણતા જ હશે. સંબંધ ઝાડની ડાળખી જેવો છે. એક વાર તૂટી ગયો પછી કયારે બંધાતો નથી. આપણા જીવનમાં નિ:સ્વાર્થ સંબંધ રાખવો જોઇએ.
અમરોલી – આરતી જે. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.