Charchapatra

નામમાં શું છે?

વિલિયમ શેક્સપિયરનું વિધાન “ what is a name ?” આ તબક્કે યાદ આવી જાય છે. શેક્સપિયરે કહ્યું હતું “ગુલાબને આપણે બીજા નામે બોલાવીએ તો પણ તે મીઠી સુગંધ જ આપશે “ ખરેખર નામ કોઈ વસ્તુની ગુણવત્તા બદલી શકવાને સક્ષમ નથી. દેશમાં હાલ મોટેરા સ્ટેડિયમનું નામ બદલી “ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ” કરતાં ફરી એક વિવાદ શરૂ થયો છે.

ત્યારે આ ઘટનાને વિવાદિત બનાવી વિરોધ કરવા કરતાં ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નિર્માણ પામ્યું છે. વિશ્વ કક્ષાએ ભારત અને ગુજરાતે ખ્યાતિ પ્રાપ્ત કરી છે તેનો આનંદ ગર્વ અને ગૌરવ અનુભવીએ તો! હા, નામ એક શબ્દ છે જે ચોક્કસ વ્યક્તિનો નિર્દેશ કરે છે.

લોકો નામ સાંભળતાં જ એ વ્યક્તિએ કરેલાં કામો યાદ કરે છે. પણ શું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ નામ આપવાથી સરદાર પટેલનાં કામો, આગવી ઓળખ, એમની પ્રતિભા, કુનેહ, દેશી રાજ્યોના વિલિનીકરણમાં એમની શ્રેષ્ઠ ભૂમિકા વગેરેને લોકો ભૂલી જશે?

સ્ટેડિયમના લોકાર્પણની સાથોસાથ “સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવનું “  ભૂમિ પૂજન થયું તે કેમ વિસરાય? જયાં ઓલિમ્પિક, એશિયાડ અને કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરી શકાશે, જે  વિશ્વસ્તરે રાષ્ટ્રને ગૌરવ પ્રદાન કરશે. 

સરદાર પટેલ કોમ્પ્લેક્સ તરીકે વિશ્વસ્તરે ખ્યાતિ પ્રાપ્ત કરશે. વિરોધ અને વિવાદ કરનારને સ્મરણ રહે કે દેશમાં કેટલાય સ્ટેડિયમ, એરપોર્ટ ,વિશ્વવિદ્યાલયો,પુરસ્કારો, બગીચાઓ, સ્કોલરશીપ અને ફેલોશિપ ને આપવામાં આવેલ નામો કયાં છે તે તપાસી લે! શું ત્યારે તેમને સરદાર પટેલનું સ્મરણ ના થયું?

જરૂર વગરના વિવાદો ઊભા કરવા કરતાં રચનાત્મક કામ દ્વારા રાષ્ટ્રને સમર્પિત થઈ લોકોનો વિશ્વાસ મેળવવો વિરોધ પક્ષો માટે ખૂબ જ જરૂરી છે. વિરોધ પક્ષે હોઈએ એટલે સારાં કામોની પ્રશંસા ન કરાય? માત્ર વિરોધ જ કરાય? એવું નથી. નામ બનાવવા માટે પહેલાં કામ કરવું પડે છે. પ્રજાના હ્રદયમાં વિશ્વાસ અને આદરણીય સ્થાન પ્રાપ્ત કરવું પડે છે એ કયારેય ન વિસરાય!

સુરત     – અરુણ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top