Columns

જેની પાસે જે હોય તે

એક દિવસ બે બહેનપણીઓ શોપિંગ મોલમાં ખરીદી કરવા ગઈ.આખા મોલની બધી દુકાન ફર્યા બાદ પણ મીનાને એક પણ સાડી ગમી નહિ.સાહેલી નીતાએ કહ્યું, ‘ચલ કોફી પી લઈએ, પછી બીજે જઈએ, અહીં તો તને કંઈ ગમતું નથી.’ મીનાએ બડબડ શરૂ કરી, ‘અહીં તો લૂંટ મચાવી છે.કેટલી મોંઘી સાડીઓ છે.એવી કંઈ ખાસ પણ નથી અને ભાવ ચાર ગણા છે. પાછા કહે છે, અમારા જેવો માલ અને કિંમત કયાંય નહિ મળે.’

મીનાની બડબડ અટકતી જ ન હતી.નીતાએ કહ્યું, ‘અરે બસ,આ મોલમાં કે કોઈ પણ દુકાનમાં શું વેચવું અને કઈ કિંમતે વેચવું તે આપણે નક્કી કરી શકીએ તેમ નથી અને તે આપણા હાથની વાત પણ નથી, પણ ત્યાંથી શું ખરીદવું અને કઈ કિંમત પર ખરીદવું કે ન ખરીદવું તે આપણો નિર્ણય હોય છે. માટે બડબડ બંધ કર …તારું પ્રેશર ખોટું વધારે છે …ન લેવું હોય તો નહિ લેવાનું.જેની પાસે જે હોય તે ,તે જ વેચે.લેવું કે ન લેવું આપણા હાથમાં છે.’ આ તો નાનકડો રોજબરોજ મોલમાં થતો પ્રસંગ પણ જો તેને જીવન સાથે જોડીને જોઈએ તો સરસ વાત ધ્યાનમાં આવે છે.

નિયમ છે કે જેની પાસે જે હોય છે તે બધાને એ જ વેચે છે.સુખી હોય તે સુખ અને દુઃખી હોય તે દુઃખ આપે.જ્ઞાની જ્ઞાન જ આપે અને અજ્ઞાની અફવા ફેલાવી શકે.ભ્રમિત ભ્રમનો જ ફેલાવો કરે અને ભયભીત ભય જ ફેલાવે.અસંસ્કારીઓ અસંસ્કારનું જ પ્રદર્શન કરે અને સંસ્કારી પોતાના સંસ્કાર ક્યારેય ન છોડે.ક્રોધી ગુસ્સો ફેલાવે.શાંત માણસ શાંતિ જાળવે અને શાંતિ આપે. આમ દુનિયાભરમાં પળે પળે આપણે જેને મળીએ તે વ્યક્તિ તેની પાસે જે છે તે જ બધાને વેચે છે.પણ તેમાંથી શું લેવું.શું સ્વીકારવું.શું ગ્રહણ કરવું.અને શું ન લેવું.શેનો અસ્વીકાર કરવો.શેનાથી દૂર રહેવું તે નક્કી કરવાનું આપણા હાથમાં છે.જીવનમાં કોની પાસેથી આપણે શું લેવું કે શું ન લેવું તેનો અધિકાર આપવાવાળા પાસે નહિ, પણ લેવાવાળા પાસે છે.સકારાત્મકતાનો સ્વીકાર કરો અને નકારાત્મકતાથી દૂર રહો.મન ભરીને જીવો.પ્રેમ આપો અને પ્રેમ મેળવો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top