દિવાળી આપણા દેશનો મોટામાં મોટો તહેવાર છે. તેથી જ આપણે નવરાત્રીના પડઘમ શાંત પડે અને તરત જ દિવાળીની તૈયારી શરૂ કરી દઈએ છીએ. જ્યારે દિવાળીની તૈયારીની વાત આવે એટલે સૌ પ્રથમ ઘરની સાફસફાઈથી શરૂઆત થાય. આમ તો આપણે રોજની સફાઈ ઉપરાંત થોડા થોડા સમયના અંતરે સાફસફાઈ કરતાં જ હોઈએ છીએ પણ વાત જ્યારે દિવાળીની હોય ત્યારે ગૃહિણી ઘરને ચમકાવવામાં કોઈ કસર બાકી રાખવા નથી માંગતી જેથી નવરાત્રિ બાદ તરત જ સફાઈનો કાર્યક્રમ શરૂ કરી દેતી હોય છે. જો કે યોગ્ય પ્લાનિંગ સાથે સફાઈ હાથ ધરવામાં ન આવે તો સમયનો વ્યય પણ થાય છે અને યોગ્ય રીતે સફાઈ પણ નથી થતી. આ ઉપરાંત ક્યારેક સફાઈના જોશમાં ને જોશમાં કોઈક દુર્ઘટનાનો શિકાર પણ બની જવાતું હોય છે. ત્યારે આ બધી તકલીફો ન સર્જાય એ માટે અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે જે તમને ઉપયોગી થઈ પડશે.
અનુકૂળતાએ કરો શરૂઆત
જો તમે દિવાળી માટે આખા ઘરની સાફસફાઇ શરૂ કરી રહ્યાં છો તો સર્વ પ્રથમ તમારી અને પરિવારજનોની અનુકૂળતા ચકાસી લો કારણ કે આ દરમિયાન આખું ઘર અસ્તવ્યસ્ત થઈ જતું હોવાથી તેમ જ મોટેભાગે આ કામ એક જ દિવસમાં પૂરું થાય એવી શક્યતા ઓછી હોય છે ત્યારે જો તમે વર્કિંગ વુમન હો તો ઓફિસમાં રજા લઈ શકાય એમ છે કે નહીં તથા બાળકો જો અભ્યાસ કરતાં હોય તો તેમની એક્ઝામ ચાલુ ન હોય કે નજીકમાં ન હોય એનું તો ધ્યાન રાખવું જ પડે છે આ ઉપરાંત હસબંડનું કોઈ પ્લાનિંગ તથા પરિવારનો કોઈ જરૂરી પ્રસંગ આ દરમિયાન તો નથી ને તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે દિવસે સફાઈ અભિયાન હાથ ધરો એ દિવસે જમવાનું મેનુ નક્કી કરીને રાખો અને વધુ સમય બગાડે એવી વાનગીઓ બનાવવાનું ટાળો. આ દિવસ પૂરતું તમે બહારથી પણ કંઈક મંગાવીને ખાઈ શકો જેથી કામ યોગ્ય રીતે કરી શકશો નહિતર એવું થશે કે સફાઈ પણ નહીં કરી શકો અને તમારો સમય પણ બગડશે.
એક જ્ગ્યાથી કરો શરૂઆત
હવે તમે સાફસફાઈની શરૂઆત કરી જ દીધી છે તો વધારે ઉતાવળા થવાની જરૂર નથી. આખા ઘરની સફાઈ કરવાની જ છે એમ વિચારીને આયોજન વગર બધી જગ્યાનો સામાન બહાર ન કાઢી લો. નહિતર બધો સામાન અસ્તવ્યસ્ત થવાને કારણે નડતરરૂપ થશે અને જેથી તમે અકળાઈ ઊઠશો. એક વખતમાં જો તમે ફકત એક કે બે રૂમની સફાઈ કરશો તો એ યોગ્ય રહેશે પણ એ વાતનું ધ્યાન જરૂર રાખો કે બાકીની સફાઈ દરમિયાન એ સાફ કરેલી જગ્યા ફરીથી ગંદી થાય એમ ન હોય.
નકામો સામાન કાઢી નાખો
કેટલાક લોકોને એવી ટેવ હોય છે કે કામ વગરનો સામાન પણ એવું વિચારીને સાચવી રાખે છે કે ક્યારેક તો કામ લાગશે જ. આ સામાનમાં ઘણી વાર તો તૂટેલી વસ્તુઓ પણ હોય છે અને પ્લાસ્ટિકની નકામી બોટલો તેમ જ ડબ્બા વગેરે જ જોવા મળતા હોય છે, જે દર વખતે ચીજવસ્તુ લેતા હોઈએ ત્યારે સાથે જ આવે છે. તો આવી બોટલો કે ડબ્બા ઉપરાંત તૂટેલી વસ્તુઓ ભરી રાખવાથી સફાઈમાં અગવડ પણ પડશે અને સફાઈ કરવા છતાં ઘર ગંદું જ લાગશે. જેથી ક્યારેય ઉપયોગમાં આવતા ન હોય એવા નકામા સામાનની મોહમાયા છોડીને તેને ફેંકી દેવો કે ભંગારમાં આપી દેવો જ હિતાવહ રહેશે.
કોઇની મદદ લો
તમારા ઘરમાં તમે પરિવાર સાથે રહો છો અને તેઓ મદદ કરી શકે એમ હોય તો કામની વહેંચણી પણ કરી શકો છો. આ કામમાં બાળકોને પણ સામેલ કરીને તેમનાથી બનતું કામ કરવાનું કહી શકો છો જેથી તેઓ પણ સફાઈનો પાઠ શીખશે. આ ઉપરાંત તમારી કામવાળી હોય તો તેની પાસે પણ વધારાનો સમય લઈને, થોડા પૈસા આપીને તેની મદદ લઈ શકો. જેથી કામ કરવામાં સરળતા રહેશે અને તમને થાક ઓછો લાગશે.
સાવચેતીથી કરો કામ
ઘરમાં એવો કેટલોક સામાન હોય છે જે વજનમાં ભારે હોય અને કેટલીક વસ્તુઓ કાચની પણ હોય છે ત્યારે આવી વસ્તુઓ ખસેડતા કે ઊંચક્તા એ તમને વાગી ન જાય કે તૂટી ન જાય તેનું ધ્યાન રાખો. કબાટ, પલંગ વગેરે સામાન એકલા ખસેડવાનો પ્રયાસ ન કરો. આ ઉપરાંત લાઇટ કે પંખા વગેરે ઇલેક્ટ્રિક સાધનોની સફાઈ કરતા પહેલાં ઘરની વીજળી સપ્લાયની મેઇન સ્વિચ બંધ કરી દો જેથી અકસ્માતનો ભય ન રહે છે. જો તમે સફાઈ માટે કોઈ સાબુ કે લિક્વિડનો ઉપયોગ કરી રહ્યા છો તો એ ગમે ત્યાં ઢોળાય નહીં તેનું ધ્યાન રાખો નહીં તો તેના પર પગ પડવાથી તમે લપસી શકો છો જેના કારણે ક્યારેક કોઈ ગંભીર ઈજાનો ભોગ પણ બની શકાય છે.
એજન્સીને બોલાવો તો ધ્યાન રાખો
આજના બિઝી શિડ્યુલમાં હવે તો ઘરની સફાઈ માટે પણ એજન્સીને કામ સોંપાતું થયું છે. ત્યારે જો તમે કોઈ એજન્સીની મદદ લઈ રહ્યાં હો તો પણ એકદમ નિશ્ચિંત થઈને બેસી રહેવાની જરૂર નથી, વસ્તુની ગોઠવણી તો સમજાવવી જ પડે છે. આ સિવાય પણ તેઓ સારી રીતે કામ કરે છે કે નહીં તેનું ધ્યાન રાખો. બીજી જરૂરી વાત એ યાદ રાખો કે બને ત્યાં સુધી તમારી કિંમતી વસ્તુઓ કે પૈસા વગેરે સંભાળીને રાખો જેથી તે ચોરાઇ જવાનો કે અટવાઈ જવાનો ભય નહીં રહે.