એક દિવસ ગુરુજીએ કહ્યું, ‘આજે હું એવી વાત તમને સમજાવવાનો છું કે જો તમે તેનાથી દૂર રહેશો તો જીવનમાં કોઈ ખરાબ પ્રભાવ નહિ રહે અને તમે શાંત અને સુખી રહી શકશો.હું તમને તેના વિષે સમજાવું તે પહેલા તમે કહો કે તમારા મત મુજબ કઈ વાતોથી આપણે જીવનમાં દૂર રહેવું જોઈએ?’ બધા શિષ્યો એક પછી એક જવાબ આપવા લાગ્યા. કોઈકે કહ્યું, ‘જુગાર..’કોઈકે કહ્યું , ‘મદ્યપાન’… કોઈકે કહ્યું, ‘ઝઘડો …’કોઈકે કહ્યું, ‘ચોરી ..’કોઈકે કહ્યું, ‘બેઈમાની..’આમ ઘણા જુદા જુદા જવાબ મળ્યા કે આ બધાથી દૂર રહેવું જોઈએ.ગુરુજી બોલ્યા, ‘તમે બધાએ જે જવાબ આપ્યા તેનથી તો બધાએ દૂર રહેવું જ જોઈએ પણ હું અત્યારે જેની વાત કરવાનો છું તે એવી વાત છે જેનાથી કોઈ દૂર રહી શકતું નથી …તે બધાંના મનમાં હોય છે .
અને સતત વધતી રહે છે અને મારા મત મુજબ તેનાથી દૂર રહેવું બહુ અઘરું છે, પણ જે તેનાથી દૂર રહેતાં શીખી જાય છે તેના જીવનમાં સુખ ,સંતોષ , શાંતિ સદા માટે આવી જાય છે.’ બધા શિષ્યો જાણવા આતુર બન્યા કે જે બધાના મનમાં હોય છે એવી કઈ વાતથી ગુરુજી દૂર રહેવા સમજાવે છે.ગુરુજી બોલ્યા, ‘આપ સૌની જવાબ જાણવાની આતુરતા આપ સૌના મોઢા પર છલકી રહી છે.હું જેનાથી સદા માટે દૂર રહેવા કહું છું તે છે ‘આપણા બધાંના મનમાં રહેલી ઇચ્છાઓ’…મને ખબર છે કે ઇચ્છાઓથી દૂર રહેવું અઘરું છે, પણ તે શીખવું જરૂરી છે કારણ કે આ ઈચ્છા એવી માતા છે જે તમારા જીવનમાં લોભ, લાલચ, ક્રોધ, ઈર્ષ્યા, અભિમાન જેવા જીવનને અશાંત બનાવતા અવગુણોને જન્મ આપે છે.
ઈચ્છા તમે કરો છો અને તે પૂરી થાય તો તે પ્રમાણે મનમાં વધુ ને વધુ મેળવવાની લાલચ જાગે છે ….જે મળ્યું છે તે પાછું જતું ન રહે તેનો ડર જન્મે છે અને જાળવી રાખવાનો લોભ પણ ….જો ઈચ્છા પૂરી ન થાય તો મને જ ગમતું મળતું નથી તેવો ક્રોધ જન્મે છે અને ક્રોધ અનેક ભૂલો કરાવે છે…બીજાની ઇચ્છાઓ પૂરી થાય અને આપની ન થાય તો ઈર્ષ્યા જાગે છે….અને જો એક પછી એક બધી જ ઇચ્છાઓ પૂરી થવા લાગે તો જાત પર અભિમાન થાય છે એટલે હંમેશા ઇચ્છાઓથી દૂર રહેવું અથવા તેને દૂર રાખવી.પરંતુ મેં પહેલાં જ કહ્યું કે ઇચ્છાઓ બધાના મનમાં હોય છે ..સતત નવી જન્મતી રહે છે …અને તેનાથી દૂર રહેવું અઘરું છે.જો ઇચ્છાઓથી એકદમ દૂર રહેવું અઘરું લાગતું હોય તો એટલું ચોક્કસ કરજો કે મનમાં ઊગતી ઈચ્છાઓ પર સતત ધ્યાન રાખજો અને તે અમર્યાદ ન બને તે માટે સજાગ રહેજો.’ગુરુજીએ જીવનની સાચી સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.