Columns

તમે કયા ટાઇમ ઝોનમાં છો

એક મોટીવેશનલ સેમિનારમાં સ્પીકર બોલ્યા, ‘ચાલો આજે આપણે એક ટાઇમ મશીન ગેમ રમીએ.’બધાને નવાઈ લાગી કે ટાઈમ મશીન તો કેવળ વાતો છે. આ ગેમ કેવી હશે? સ્પીકર આગળ બોલ્યા, ‘અત્યારે આ ક્ષણે તમે બધા જ પાંચ મિનીટ માટે તમારી આંખો બંધ કરશો અને તમારા મનની અને દિલની પરિસ્થિતિ, તમારા ઘરની અને કામની પરિસ્થિતિ વિષે વિચારશો અને પછી તમને શું અનુભવ થાય છે તે સામે રાખેલી પિંક ચિટ પર લખશો અને તમારો સમય શરૂ થાય છે.

હવે પાંચ મિનીટ સુધી બધાએ આંખો બંધ કરી અને હોલમાં બિલકુલ અવાજ ન થયો અને બધા વિચારોમાં પડી ગયા.વિચારવા લાગ્યા. પાંચ મિનીટમાં બધાની આંખો સામે પોતાનું જીવન આવી ગયું.કોઈની આંખોમાં આંસુ આવી ગયા.કોઈ દુઃખી થઈ ગયા.કોઈ એકદમ ડરી ગયા.કોઈ ચિંતાતુર થઈ ગયા. કોઈ શાંત હતા.કોઈ ચૂપ થઈ ગયા. પાંચ મિનીટ બાદ સ્પીકરે બધાને આંખો ખોલવા કહ્યું અને બધાએ આંખો ખોલી અને સ્પીકરે સામે પડેલી ચિટમાં બધાને પોતાના મનની પરિસ્થિતિ અને અનુભવ લખવા કહ્યું.

બધાએ જવાબ લખી લીધા. થોડી વાર પછી સ્પીકર બોલ્યા, ‘હવે તમારા જવાબ લખેલી ચિટ હાથમાં રાખો અને જેના જવાબમાં ઉદાસીનો અનુભવ હોય ,દુઃખની લાગણી હોય,આંસુ હોય ,અફસોસ હોય તેઓ આ દોરેલા ત્રિકોણના લાલ બિંદુ પર આવી ઊભા રહે.’લગભગ અડધા લોકો ઉદાસ મન અને આંખોમાં આંસુ સાથે લાલ બિંદુ પર ઊભા રહ્યા. સ્પીકર આગળ બોલ્યા, ‘હવે જેના જવાબમાં ચિંતાનો અનુભવ હોય, શું થશે તેનો ડર હોય, પ્લાનિંગ હોય, ધ્યેય વિષે વિચાર હોય તેઓ આ દોરેલા ત્રિકોણના પીળા રંગના બિંદુ પર આવીને ઊભા રહે.’બાકી રહેલામાંથી મોટા ભાગના મોઢા પર ડર અને ચિંતા સાથે પીળા રંગના બિંદુ પર ઊભા રહ્યા.

સ્પીકર આગળ બોલ્યા, ‘હવે તમે જે બાકી છો તેમના જવાબમાં જો શાંતિ ,સંતોષ , ખુશી , પ્રભુ કૃપા જેવી ભાવનાઓ હોય તો તમે આ ત્રિકોણના બાકી રહેલા અંતિમ વાદળી બિંદુ પર ઊભા રહો.’બધા શ્રોતાજનો ત્રણ ત્રિકોણના ત્રણ ખૂણા પર વહેંચાઈ ગયા.પછી સ્પીકર બોલ્યા, ‘હવે તમે તમારી બાજુના બિંદુમાં ઝીણા અક્ષરે શું લખ્યું છે તે વાંચો અને સમજો કે અત્યારે તમે એ ટાઈમ ઝોનમાં છો. ઉદાસી અને દુઃખ અનુભવતાં લોકો ભૂતકાળમાં છે.ડર અને ચિંતા અનુભવતાં લોકો ભવિષ્યકાળમાં છે અને ખુશ અને શાંત લોકો વર્તમાનકાળમાં છે અને હવે તમે જ સમજી ગયા હશો કે સાચું જીવન આજમાં જ છે.ખુશ રહેવા,જીવન જીવવા ગઈ કાલને ભૂલીને આવતી કાલને અવગણીને માત્ર આજમાં જ જીવવું જોઈએ.પણ બહુ ઓછા લોકો આજમાં જીવે છે.ખુશી મેળવવા આજથી જ આજમાં જીવવાનું શરૂ કરો.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top