આજકાલ ટાઇફોઇડના દર્દીઓની સંખ્યા ખૂબ વધી રહી છે. ટાઇફોઇડ મોટેભાગે દૂષિત ખોરાક ખાવાથી પાચનતંત્રમાં ‘સલ્મોનીલા તાઇફી’ નામના બેક્ટેરિયાનું સંક્રમણ થવાથી આંતરડા પર સોજો આવે છે. પાચનક્રિયા નબળી બને છે. ખાધેલો ખોરાક પચાવી શકાતો નથી.
- ટાઇફોઇડનાં લક્ષણો
તાવ - માથાનો દુખાવો
- પેટમાં દુખાવો
- પાતળા ઝાડા
- ખૂબ થાક લાગવો
- ભૂખ મરી જવી
- વજન ઉતરી જવું
- જેવાં લક્ષણોનો સમાવેશ થાય છે. અહીં દવાઓની સાથોસાથ ખોરાકનું ધ્યાન રાખવામાં આવે તો ઝડપથી સાજા થઈ શકાય છે.
- ખોરાકમાં શું ધ્યાન રાખીશું?
- # ટાઈફોઈડમાં પાચનતંત્ર નબળું પડે છે. પાચનતંત્ર પર ઓછું ભારણ આવે અને છતાં નબળાઈ ન આવે તે પ્રકારનું આહાર આયોજન થવું જોઈએ.
- # વધુ રેસાવાળા, પચવામાં ભારે એવા જટિલ ખાદ્યપદાર્થોને ટાળવા જરૂરી બને છે પરંતુ સાથે સાથે કબજિયાત ન થાય, શક્તિ ઓછી ન થઈ જાય તે પણ જોવું જરૂરી બને છે.
ટાઇફોઇડ દરમ્યાન
- શું ખાશો?
બાફેલા કંદમૂળ - બાફેલા બટાકા, શક્કરિયાં, બીટ, ગાજર જેવાં કંદમૂળો સ્ટાર્ચથી ભરપૂર હોય છે જે સારા પ્રમાણમાં કેલરી આપે છે અને સાથોસાથ તેમાં રહેલા રેસા રંધાઈ જવાથી ખૂબ સુપાચ્ય બની જાય છે અને પાચનતંત્ર પર ઓછું ભારણ આવે છે.
- કેળાં, કેરી, ચીકુ જેવાં દળવાળા ફળો કે જે છાલ ઉતાર્યા બાદ ખાવામાં આવે છે. આ ફળો સારા પ્રમાણમાં શર્કરા ધરાવે છે જે દર્દીને એનર્જી આપે છે.
- તરબૂચ, શક્કરટેટી જેવાં પુષ્કળ પાણી ધરાવતાં ફળો પણ સારી માત્રામાં આરોગી શકાય. આ ફળો પાણીથી ભરપૂર હોય છે જે દર્દીને ડીહાઇડ્રેશનથી બચાવે છે.
- ચોખા, કણકી, દહીં, ભાત, મગની દાળની ખીચડી, મોરૈયો જેવી સુપાચ્ય વાનગીઓનું સેવન આંતરડાંને આરામ આપે છે
- સાબુદાણા સ્ટાર્ચથી ભરપૂર હોય છે અને પચવામાં હલકા! હા, એને બનાવવામાં ઘી-તેલનો ઉપયોગ કરવો નહિ.
- દહીં પુષ્કળ પ્રમાણમાં પ્રો બાયોટિકસ ધરાવે છે. દહીં, છાશનું સેવન, આંતરડાંને નુકસાનકારક વિષાણુઓનો નાશ કરી આંતરડામાં સ્વાસ્થ્યપૂર્ણ વાતાવરણ પૂરું પાડે છે.
- નારિયેળ પાણી અને ફળોના રસનું સેવન કરી શકાય.
- મગની દાળ જે પ્રોટિનથી ભરપૂર છે છતાં સુપાચ્ય છે.
- જો માંસાહારી હો તો, બાફેલાં ઈંડાંની સફેદી તથા ચિકન સૂપ લઈ શકાય.
- પાણી દર થોડી થોડી વારના અંતરે પીવું.
- શું ન ખાશો?
તળેલી, વધુ પડતાં ઘી, તેલ અને બટરથી ભરપૂર વાનગીઓ. - બ્રેડ, બિસ્કીટ, કેક જેવી મેંદાની વાનગીઓ
- સલાડ અને કાચા શાકભાજીઓ
- છાલ સાથે ખવાય એવાં ફળો
- તીખી તમતમતી વાનગીઓ
- કોબી, ફ્લાવર, બ્રોકોલી જેવા પચવામાં ભારે એવાં શાક
- ફણસી, ચોળી, ગુવારશીંગ જેવાં બીજવાળા શાકભાજી
- પીઝા, બર્ગર જેવા જંક ફૂડ
- બદામ, અખરોટ, કાજુ જેવા નટસ
- ચણા , રાજમા, વાલ જેવા જટિલ કઠોળ
ટૂંકમાં પચવામાં હળવો હોય એવો પ્રવાહી અને સ્ટાર્ચથી ભરપૂર ખોરાક ટાઇફોઇડની બીમારીમાંથી બહાર કાઢવામાં દર્દીને મદદરૂપ થઈ શકે છે. (ડાયાબિટિસ, હાયપરટેન્શનના દર્દીઓએ ડૉક્ટર અને ડાયટિશ્યનની સલાહ મુજબ આહાર લેવો.)