ગુજરાત સરકાર અને ભાજપના ટોચના નેતાઓ ડબલ એન્જીન સરકારના નામે લોકોને ઉઠાં ભણાવી રહ્યા છે. વિધાનસભાની આવી રહેલ ચૂંટણીને ધ્યાને રાખી સુરત આવેલા મોદીજીએ પણ લીંબાયતની સભામાં પ્રજા સામે નવી નવી યોજનાઓની બૌછાર કરવા સાથે એમણે ડબલ એન્જીનની જ વાતો બતાવી પરંતુ 25 વર્ષથી ખુરશી પકડી બેઠેલી ગુજરાત સરકારની અનેક જાહેરાતો આજે 10-15 વર્ષે પણ અધ્ધર લટકે છે તેનો કોઈ ઉલ્લેખ મોદીજી કરતા નથી જેમ કે (1) 2006ની રેલ પછી 64 કરોડના પથરા તાપી તટે નાંખી પાળા યોજના જાહેર કરેલી જે આજે પણ અધૂરી છે અને પ્રજાના 64 કરોડ પાણીમાં ગયા છે. (2) ગુજરાતમા 21/1 હેઠળ સ્કીમમાં મકાનોવાળા 50 લાખ મીલકતદારોને પાકા દસ્તાવેજનો તથા પ્રોપર્ટી કાર્ડ આપવાનો વાયદો કરેલો એય બોગસ પુરવાર થયો છે.
(3) લોકોની પાસે મંજૂરી વિના કરેલ બાંધકામો માટે ઈમ્પેક્ટ ફી વસુલી લીધી પણ ભાજપ કાર્યકરો સિવાયની સામાન્ય પ્રજાને NOC ના નામે ઉલ્લુ બનાવાઈ છે. એ જ રીતે નવી નવી યોજનાઓ જાહેર કરનાર મોદીજી ‘અચ્છે દિન’અંગે કે ભ્રષ્ટાચાર અંગે હવે મગનું નામ મરી નથી પાડતા તેમજ વધેલી મોંઘવારીમાં વીજળીબીલ તથા ગેસ બીલો પ્રજાને દઝાડી રહ્યાં છે. તે અંગેય તેઓ બોલવાનું ટાળે છે. ચૂંટણી પંચે લાંબા સમયથી અધ્ધર લટકતા આવા પ્રશ્નો બાબત સભાઓમાં પ્રજા પ્રશ્નો પૂછી શકે તેવી મંજૂરી આપવી જોઈએ કારણ કે પછીનાં પાંચ વર્ષ નેતાઓ હાથમાં આવતા જ નથી. નવી નવી યોજનાઓના ચાંદ બતાવનાર મોદીજી જૂના અધૂરા વાયદાઓનો જવાબ આપશે?
સુરત – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.