Columns

ખુશ થવા માટે શું જોઈએ

‘આજે હું ખુશ છું અથવા આજે હું ખુશ નથી …કેમ કારણ કે આપણી ખુશી કોઈક ને કોઈક કારણથી જોડાયેલી હોય છે …કોઈ વ્યક્તિ ..કોઈ વસ્તુ …કોઈ ઘટના આપણી ખુશીનું કારણ બને છે અને પછી આપણે ખુશ થઈએ છીએ.’એક પ્રોફેસરે ક્લાસમાં ખુશી વિષે વાત સમજાવતાં કહ્યું. પ્રોફેસરે આગળ પ્રશ્ન કર્યો, ‘ખુશ થવા માટે શું જોઈએ ? એમ કોઈ તમને બધાને પૂછે તો શું જવાબ આપશો? ઘણા બધા પૈસા ,મનગમતી વસ્તુ ,પ્રિય સાથી ,ચમકદાર કપડાં, ચમચમાતી કાર કે પછી મનગમતું ભોજન ……

આવા તો ઘણા જવાબ આપી શકાય પણ કાલે હું તમને ખુશ થવા માટે શું જોઈએ તેના અલગ જ ઉદાહરણ બતાવીશ.આવતી કાલે આપણે ‘જોય ઓફ ગીવીંગ’પ્રોજેક્ટ હેઠળ નજીકની વસ્તીમાં જવાના છીએ.બધા જે આપવું હોત તે વસ્તુઓ લઈને સમયસર હાજર થઇ જજો.’ બીજે દિવસે બધા વિદ્યાર્થીઓ અને પ્રોફેસર નજીકની વસ્તીમાં પહોંચ્યાં. હજી વસ્તી શરૂ થાય તે પહેલાં નજીક પાર્ક કરેલી કારના ટાયરને એક છોકરાએ લાત મારી અને એટલે કારનો વોર્નિંગ હોર્ન વાગવા લાગ્યો અને તે હોર્નના મ્યુઝીક પે આજુબાજુ ઊભેલા ત્રણ ચાર નાના છોકરાઓ ડાન્સ કરવા લાગ્યા જાણે ડી.જે.ના મ્યુઝિક પર નાચતા હોય તેવો આનંદ હતો તેમના ચહેરા પર.

શરીર પર ભલે  ફાટેલું ટી શર્ટ હોય કે પછી ન હોય…..બધા આ નજારો જોઈ હસવા લાગ્યા અને આગળ વધ્યા. બે ત્રણ નાના છોકરાઓની ટોળી કપડાંના બનાવેલા બોલથી રમતી હતી ….કોઈ તૂટેલા ટાયરથી રમતું હતું તો કોઈ જુના ટાયરનો ઝૂલો બનાવી ઝૂલતું હતું…વિદ્યાર્થીઓ આ બધું જોતાં જોતાં પ્રોફેસર સાથે આગળ ગયા અને પોતાની સાથે જે લાવ્યા હતા તે બિસ્કીટ ,પીપર, નોટબુક,પેન્સિલ ,રબર અને બીજું બધું બધાને આપવા લાગ્યા. છોકરાઓ આ બધું મેળવી ખૂબ જ ખુશ થતાં હતાં.અમુક વિદ્યાર્થીઓએ તેમની સાથે સેલ્ફી લીધી….થોડે દૂર બે ત્રણ નાના છોકરાઓ હાથમાં નવી મળેલી વસ્તુઓ લઇ પોતાનું સ્લીપર હાથમાં લઈને જાણે સેલ્ફી લેતાં હોય તેવી એક્ટિંગ કરી રાજી થતાં હતાં.

બધા તેમને જોઇને હસ્યા. બધાને સાથે લાવેલી વસ્તુઓ આપીને …તેમને ખુશ જોઇને વિદ્યાર્થીઓ બધા વધુ ખુશ થતાં હતા.પ્રોફેસરે કહ્યું, ‘જોયું, ખુશ થવા માટે કાલે આપણે જે વાતો કરી હતી તે બધાની જરૂર નથી …હા આ બાળકો નાની નાની વસ્તુઓ મેળવી ખુશ થયાં અને તેમના ચહેરા પરની ખુશી જોઇને તમે બધાં વધુ ખુશ થયાં…અને આ બાળકો તો અભાવોની વચ્ચે પણ ….કાર હોર્નના તાલે નાચીને ખુશ છે …કપડાના બોલથી રમીને …ટાયરમાં મજા ગોતીને કે સ્લીપરને મોબાઈલ ફોન બનાવીને પણ ખુશ રહે છે.જે સમજાવે છે કે ખુશ રહેવા માટે કે ખુશ થવા માટે કોઈ ખાસ કારણ કે વસ્તુની જરૂર નથી હોતી. તમે મનથી કોઈ પણ સંજોગોમાં ખુશ રહી શકો છો.’પ્રોફેસરે એક સુંદર વાત સમજાવી.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top