સુરત મહાનગર પાલિકા ભલે વિવિધ એવોર્ડ લાવે, નગરજનોને આનંદ ખરો પરંતુ અસલ સુરત શહેરના બધાજ રહેણાંક વિસ્તારો આસપાસના રોડટચ મકાનોને વાણિજ્ય વિસ્તારોમાં જે રીતે શાસકો અને મનપાના સત્તાવાળાઓ તરફથી મંજૂરીની મહોર આપવામાં આવે છે એની સાથે આવતા આડ ન્યૂસન્સો નડતર પ્રશ્નો જેવા કે સતત વાહનોની અવરજવર, આડેધડ પાર્કિંગ, સામાનોને જાહેર રસ્તાઓ ઉપર બિછાવવો વગેરેથી સહુકોઈને રીતસરનો ત્રાસ સહન કરવો પડતો હોય છે, આ અંગે કોઈપણ કાયમી ઉકેલ નથી જણાતો.
મનપાના શાસકોની વૉટબેંક સાચવવાની અખત્યાર કરેલી નીતિ હવે ખરેખર પ્રજાને અસહ્ય ત્રાસદાયક લાગ્યા વિના નથી રહી. ત્યારે આગામી સમયમાં આ પ્રકારનાં જનહિત કામોમાં જે તે સંબંધિત તમામ વહિવટીતંત્ર સાથે રહી લાગતા વળગતા તમામ જવાબદારો સાથે કાયમી ઉકેલ લાવવા પ્રયાસ કરે એવી લોકમાંગ છે કે પછી ચૂંટણીઓ પત્યા બાદ ગરજ સરી વૈદ્ય વેરી?
સુરત – પંકજ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ડીવાઈડરો ફરી બનાવે તે જરૂરી
સુરત શહેરમાં થોડા મહિના પહેલાં અમુક વિસ્તારોમાં ગટરનાં કામો માટે વિવિધ વિસ્તારોમાં ઘણું ખોદકામ થયું હતું. રોડ ઉપર જેના કારણે કેટલાક રોડ ઉપર ડીવાઈડર દૂર થયા છે. વિવિધ વિસ્તારોમાં એક વિસ્તાર નાનપુરા છે, જયાં ડચ રોડ ઉપર પાંડયા તરણકુંડ-હોડી સર્કલથી બાગ તરફ ખોદકામ કરવામાં આવેલ જેના કારણે ‘સમૃદ્ધિ’ પાસે તેમજ હોડી સર્કલ પાસે તરણકુંડ દરવાજા પાસેના ડીવાઈડર આશરે 4 મહિના થયાં છતાં ફરી બનાવેલ નથી. અહીં ગેપ હોવાને કારણે બધાં જ વાહનો ત્યાંથી ટ્રેક ઉપર જવાની કોશિશ કરે છે.
આ પરિસ્થિતિને કારણે જીવલેણ અકસ્માત થવાની શકયતા ઊભી થાય છે. અહીં ‘મનપા’ની બસો પણ કાયમ ઊભી હોય છે અને અવરજવર રહે છે. અમે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે મક્કાઇપુલ પાસે અત્યાર સુધીમાં 3 થી 4 રાહદારીઓએ જીવ ગુમાવ્યો છે. ડચ રોડ ઉપર ખૂબ જ ટ્રાફિક હંમેશ હોય છે. સંબંધિત મનપાનું તંત્ર ત્વરિત પગલાં લઇ રીપેરીંગ કરી ફરી ડવાઈડર બનાવે તે ખૂબ જરૂરી છે.
સુરત – પ્રદીપ ઉપાધ્યાય– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.