વર્ષો પહેલાંની વાત છે. એક જાણીતા ધર્મગુરુ ઠેરઠેર કથાઓ કરી પ્રતિષ્ઠા પામેલા. સમાજમાં તેમના શિષ્યો અને ધર્મપ્રેમીઓમાં તેમનું ખૂબ માન. તેઓ જ્યાં જતા ત્યાં ઘણા લોકો એકઠા થઈ જતા. ધર્મપ્રચાર માટે એ જે ગામ જતા, ત્યાં કોઈ યજમાનને ઘેર જ રોકાઈ જતા. એક વખત કોઈ સ્થળે ધાર્મિક પ્રવચન કરવા જવાનું થયું. જ્યાં આમંત્રણ હતું ત્યાં મોટી મેદની એકત્ર થઈ હતી. મહારાજશ્રીએ કથામાં બે-ત્રણ કલાક પ્રવચન કર્યું. અનેક દાખલા અને ઉપદેશક વાતો કરી એમણે કહ્યું કે, ‘‘મોડી રાત્રે ભોજન એ પાપ છે માટે સાંજ પડતાં વહેલું ભોજન કરી લેવું જોઈએ.’’ રાત્રી ભોજનથી થતા ધાર્મિક અને શારીરિક દોષો વિષે પણ તેમણે વાતો કરી. રાત્રે ઓછું જમવું એમ પણ કહ્યું. ત્યાં હાજર લોકોએ મહારાજની વાત વધાવી લીધી. પછી એ રાત્રે એ કાર્યક્રમના યજમાનને ઘેર રોકાણ હોવાથી ત્યાં ગયા અને યજમાને આગ્રહપૂર્વક મહારાજને જમાડ્યા. મહારાજ જમીને તેમના અલગ કક્ષમાં સૂવા માટે ગયા. રાત્રિના 11 વાગ્યા હશે ને મહારાજ પથારીમાંથી બેઠા થયા. પેટમાં ભૂખ લાગી હતી. એ ઊભા થઈ ઘરના રસોડા તરફ ગયા. ત્યાં બે ત્રણ ડબ્બા પડેલા, જેમાં નાસ્તો ભરેલો હતો. એક ડબ્બો ખોલી તેમાંનું ભૂસું કાઢીને તે ખાવા લાગ્યા. બરાબર પેટ ભરીને ભૂસું ખાધું અને પાણી પીધું.
રસોડામાં થતાં ખખડાટથી પેલા યજમાન જાગી ગયા અને ઘરની બારીમાંથી ધીમે રસોડામાં જોયું તો મહારાજ ડબ્બા ફંફોસતા હતા અને ભૂસું ખાતા હતા. ઘરધણીએ વિચાર્યું કે, મહારાજ તો રાત્રે ભોજન ન કરવું એમ કહેતા હતા અને અહીં તો પોતે જ ભૂસું ખાવા લાગ્યા છે. રાત્રી ભોજનને પાપ ગણાવતા આ મહારાજ ખરેખર આવા છે? પેલા યજમાનને તો ભારે દુ:ખ અને આશ્ચર્ય થયું. પછી નક્કી કર્યું કે, આ મહારાજને ફરી ના બોલાવાય અને એટલે જ આ મહારાજની કથાવાણીનો પ્રભાવ લોકો પર પડતો નથી એવું યજમાને અનુભવ્યું. કહેવું અને કરવું બંને એક હોવું જોઈએ. જે કહે છે, તે તેનું પોતે આચરણ ન કરે, તો એ ઉપદેશ ફળતો નથી. સંત જ્ઞાનેશ્વરનો દાખલો પણ આવો જ છે. એ ગોળ ખાતા હતા, ત્યાં સુધી બાળકને લઈ આવેલી માતાને શીખ આપવા અંગે ના પાડી, પછી પોતે ગોળ ખાવાનો છોડી દઈ એ બાળકને શીખ આપવા માતાને બોલાવી. આમ ઉપદેશ ત્યારે જ સફળ બને જ્યારે ઉપદેશક પોતે તેનું આચરણ કરતો હોય. બાકી કરણી અને કથની બંને જુદા હોય એવા સાધુ-સંતોનું કોઈ મહત્ત્વ ન હોય. આચાર વિનાના ઉપદેશનો પ્રભાવ જ ન પડે.