એકતા કપૂરે તેની વાર્તાઓ સફળ થવા પાછળ રહેલી મૂળ વાત હવે જણાવે છે. તે કહે છે કે તેની વાર્તામાં અસાધારણ વાતો નથી હોતી, બલ્કે સાધારણ સ્ત્રીઓના સંઘર્ષની કહાની હોય છે. તેમના રોજીંદા સંઘર્ષથી આકાર પામેલા પાત્રો તેને ગમે છે. તેના શો મહિલાઓને સશક્ત બનાવે છે.
એકતા કહે છે કે લોકો સ્ત્રીઓને સાડીમાં જુએ, રડતાં જુએ એટલે માની કે છે કે તે વાર્તા નબળી છે. પરંતુ અમે જે સ્ત્રી પાત્રો દર્શાવીએ છીએ તેમાં તેઓ વાસ્તવિક જીવનના સંઘર્ષમાંથી પસાર થતી હોય છે. તેમને દરરોજ પરિવારજનોના મેંણા ટોણા સંભાળવા પડે છે. નવા ઘરમાં પોતાનું સ્થાન જાતે બનાવવાનો તેમનો સંઘર્ષ વાસ્તવિક હોય છે. એકતા કપૂરના મતે સફળતાનો અર્થ પ્રોફેશનલ સકસેસ કે દેખીતી સફળતા સુધી સીમિત નથી. ઓછામાં ઓછી તક સાથે એક સ્ત્રી પોતાનું સ્થાન કે પોતાની કારકિર્દી જાતે બનાવે છે તેવા પાત્રોમાં તેને રસ પડે છે. “એક મોટી કંપની ચલાવવી એ જ કઈ હિંમતનું કામ નથી. હિંમત તો એને કહેવાય કે જિંદગીએ તમને જે થોડું ઘણું આપ્યું છે તેમાંથી તમે ક્યાં સુધી પહોંચો છો તે છે. તેને એવા પાત્રો વધારે રસપ્રદ લાગે છે જેમની સાથે અન્યાય થયો હોય કે નસીબથી તેમને ઓછી તક મળી હોય અને છતાં તેઓ જીંદગીમાં આગળ વધતા રહે છે. “ મને એવી વાર્તાઓ પસંદ છે કે જેમાં કોઈ સ્ત્રીને યોગ્ય તક મળી ન હોય, કે તેનું બાળપણ સારું વીત્યું ન હોય, તેવી પરિસ્થિતિમાંથી તે પોતાને કેવી રીતે આગળ લઇ જાય છે તે રસપ્રદ હોય છે. પહેલાથી જ જેને સારી પોઝીશન કે પૈસા મળી ગયા હોય તેવા પાત્ર ની વાર્તા કહેવામાં મને રસ પડતો નથી. જે સ્ત્રીઓને કશું જ મળ્યું નથી તે આવી કપરી પરિસ્થિતિ માં પણ સફળતા મેળવે તેને ખરી વાર્તા કહેવાય. “ આ સંભાળીને, આપણને ખરેખર લાગે કે તેની વાર્તાઓ નો વિષય આવા સંઘર્ષો પર આધારિત હોય છે . તે સ્ત્રીઓના ભાવનાત્મક વિશ્વને અને વાસ્તવિક સંઘર્ષ ને પ્રતિબિંબિત કરે છે. •