ક્રિકેટર સ્મૃતિ મંધાના અને ફિલ્મ નિર્માતા-સંગીતકાર પલાશ મુચ્છલના અચાનક અટકી ગયા. પહેલાં સ્મૃતિના પિતાને હાર્ટ એટેક આવ્યો અને ત્યાર બાદ પલાશની તબિયત બગડી. સ્મૃતિના લગ્ન આમ અચાનક વિવાદમાં ઘેરાઈ ગયા છે.
ગઈ તા. 23 નવેમ્બરના રોજ સાંગલીમાં યોજાનાર તેમના લગ્ન તેમના પરિવારો દ્વારા અચાનક મુલતવી રાખવામાં આવ્યા છે. તેનું કારણ સ્મૃતિ મંધાનાના પિતા શ્રીનિવાસ મંધાના હોવાનું જણાવાયું છે, જેમને હૃદયરોગના હુમલા જેવા લક્ષણો જોવા મળ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જોકે સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા ઉઠી છે. લગ્ન રદ થયાની જાહેરાત થયા પછી તરત જ પલાશ મુછલ સામે ચિટીંગના આરોપો સોશિયલ મીડિયા પર ફરવા લાગ્યા છે. દરમિયાન આજે મંગળવારે સવારે પલાશ મુછલ અને એક મહિલા વચ્ચેની કથિત ચેટના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર ફરતા થયા છે.
આ તસવીરો પહેલા મેરી ડી’કોસ્ટા નામના ઇન્સ્ટાગ્રામ યુઝરે શેર કરી હતી અને બાદમાં રેડિટ પર વાયરલ થઈ હતી. જે એકાઉન્ટ પરથી આ પોસ્ટ્સ કરવામાં આવી હતી તે એકાઉન્ટ હવે નિષ્ક્રિય કરવામાં આવ્યું છે. ગુજરાતમિત્ર આ સ્ક્રીનશોટની સત્યતાની પુષ્ટિ કરતું નથી.
આ કથિત ચેટ્સ મે 2025 ની છે. તેમાં પલાશ મુછલ મહિલાને સ્વીમીંગ માટે આમંત્રણ આપતો જોવા મળે છે. જ્યારે તેણી તેને તેમના સંબંધની સ્થિતિ વિશે પૂછે છે, ત્યારે તે ટાળી દેતો દેખાય છે અને વારંવાર તેણીને મળવાનો આગ્રહ કરે છે.

સ્ક્રીનશોટ વાયરલ થયા પછી ટ્વિટર પર કોમેન્ટ્સનો મારો ચાલી રહ્યો છે. કેટલાક સરપ્રાઈઝ થયા, કેટલાક ગુસ્સે થયા, જ્યારે ઘણા યુઝર્સ ચેટ્સની સત્યતા પર સવાલ ઉઠાવી રહ્યાં છે.
પલાશની કથિત ચેટ વિશે યુઝર્સે શું કહ્યું?
એક રેડિટ યુઝરે લખ્યું, “આ વાંચીને મને ખરાબ લાગ્યું. લોકોમાં કોઈ શરમ રહી નથી.” બીજાએ કહ્યું, “ભાઈએ ભવ્ય હરકતો કરીને તેનો વિશ્વાસ જીતી લીધો… અને પછી સરળતાથી છેતરપિંડી કરી રહ્યો હતો.” કેટલાક યુઝર્સે એમ પણ કહ્યું કે આજના સોશિયલ મીડિયા યુગમાં, કંઈપણ એડિટ કરી શકાય છે, તેથી કોઈએ તારણ પર ન પહોંચવું જોઈએ. ઘણા લોકોએ લખ્યું કે કદાચ સ્મૃતિએ પોતાને કોઈ મોટી દુર્ઘટનામાંથી બચાવી લીધી હશે. ઘણા લોકોએ તેના પિતાના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી.
પલાશની તબિયત બગડી, સ્મૃતિએ મેરેજની પોસ્ટ ડિલીટ કરી
હકીકતમાં, સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્ન મુલતવી રાખ્યાના 24 કલાકની અંદર વધુ એક ચોંકાવનારા સમાચાર આવ્યા. પલાશ મુચ્છલની તબિયત અચાનક બગડતા તેમને પણ શહેરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને પાછળથી મુંબઈ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
આ દરમિયાન ચાહકોએ જોયું કે સ્મૃતિ મંધાનાએ તેમના ઇન્સ્ટાગ્રામ પરથી લગ્ન સંબંધિત ઘણી પોસ્ટ્સ ડિલીટ કરી દીધી છે, જેમાં તેમના સગાઈના ફોટા અને પ્રપોઝલ વીડિયોનો સમાવેશ થાય છે.