એક સાયકોલોજીના ઓનલાઈન વર્ગમાં પ્રોફેસરે એક ટાસ્ક આપ્યો કે, ‘અત્યારે ચારે બાજુ એક નહિ પણ અનેક પ્રોબ્લેમ છે.મુશ્કેલીઓ છે અને તકલીફો પારાવાર છે તો દરેક વિદ્યાર્થીએ પોતાના મતે પ્રોબ્લેમ શું છે તે વિષે હમણાં જ લખવું.બધાને ૧૫ મિનિટ વિચારવા અને જવાબ લખવા માટે આપવામાં આવી.જવાબ એક અક્ષરનો હોય કે એક ફકરાનો કોઈ નિયમ ન હતો.પ્રોફેસરે કહ્યું, ‘બરાબર ૧૫ મિનિટ પછી દરેક જણ મને જવાબ સબમિટ કરો અને પછી બધા જવાબ વાંચી હું સૌથી અસરકારક જવાબ આપનારને પોતાનો જવાબ વાંચવાનું કહીશ અને આપને પ્રોબ્લેમ શું છે તે બરાબર સમજી શકીશું.’ પંદર મિનિટ થઈ ગઈ.બધા વિદ્યાર્થીઓએ પોતાના મન અને મગજના વિચારો પ્રમાણે જવાબ લખ્યા અને સબમિટ કર્યા.
પ્રોફેસરે પાંચ જવાબ પસંદ કર્યા અને તેમને વાંચવા કહ્યું –એક સૌથી યુનિક પહેલો જવાબ હતો ‘પ્રોબ્લેમ એક પ્રોબ્લેમ છે જ્યાં સુધી તે સોલ્વડ ન થાય અને પછી તે કંઈ નથી કારણ કે સોલ્યુશન પછી તે પ્રોબ્લેમ પ્રોબ્લેમ રહેતો નથી.’ બીજો જવાબ હતો, ‘પ્રોબ્લેમ નિરાશા અને પરિસ્થિતિથી દૂર ભાગવાનું એક કારણ છે.પ્રોબ્લેમ આવતાં જ આપણે તે કામ, તે સંજોગ ,તે પ્રસંગથી દૂર જવા ઈચ્છીએ છીએ.બધું છોડીને દૂર ભાગવાથી આપણે જીવનમાં આગળ વધી શક્તા નથી.પાછા પડીએ છીએ.’ત્રીજો જવાબ હતો, ‘જીવનમાં આવતા પ્રોબ્લેમ એક ચેલેન્જ છે.
આ પ્રોબ્લેમ તમારી અંદર રહેલી શક્તિઓને ચેલેન્જ કરે છે કે આ મુશ્કેલીમાંથી બહાર નીકળીને પોતાની જાતને સાબિત કર.પ્રોબ્લેમને પડકાર ગણી લઈએ તો તે સફળતાની સીડી બની શકે છે.’ ચોથો જવાબ હતો કે, ‘ખરી રીતે કોઈ પ્રોબ્લેમ હોતો જ નથી.પ્રોબ્લેમ તો આળસુ અને નિષ્ફળ જનાર લોકોના મનની ઉપજ છે.પ્રોબ્લેમ કોઈ કામ ન કરવા માટે કે પીછેહઠ કરવા માટે કે કોઈ વસ્તુ ન મેળવી શકવા માટેનાં બહાનાં છે.આળસુ લોકો પોતાનું કામ ન કરવાનું આળસ કોઈ ને કોઈ પ્રોબ્લેમનું બહાનું બનાવી છુપાવે છે અને નિષ્ફળ લોકો પોતાની અક્ષમતા અને ભૂલને પ્રોબ્લેમના બહાના પાછળ છુપાવે છે.ડરપોક લોકો પ્રોબ્લેમને આગળ કરી પોતે પીછેહઠ કરી લે છે.’
પાંચમો જવાબ હતો, ‘પ્રોબ્લેમ એક પ્રેરણા છે.આગળ વધવા માટે પ્રોબ્લેમ દૂર કરવો જરૂરી બને છે અને તે માટે પ્રોબ્લેમ જ પ્રેરકબળ બની, પ્રોબ્લેમને દૂર કરી આગળ વધવાની પ્રેરણા આપે છે.પ્રોબ્લેમ પાસેથી પ્રેરણા લઇ તેને જ દૂર કર્યા બાદ સફળતાનાં સોપાન ચઢી શકાય છે.’ આ પાંચ જવાબ સાંભળી અને તેની પર ચર્ચા કરી પ્રોફેસરે જુદી રીતે પ્રોબ્લેમ વિષે સમજાવ્યું.આ બધા જવાબ વાંચી વિચારી તમારે મન પ્રોબ્લેમ શું છે? અને પ્રોબ્લેમને બહાનું કે કારણ બનાવી અટકી ન જવું; પડકાર અને પ્રેરણા ગણી આગળ વધવું.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.