Columns

ભારતની વસતિ ઘટાડવામાં મહાસત્તાઓનો શું સ્વાર્થ છે?

૧૯૭૪ની ૧૦ ડિસેમ્બરે હેનરી કિસીંજરની અધ્યક્ષતામાં કામ કરી રહેલી અમેરિકાની નેશનલ સિક્યોરિટી કાઉન્સિલે એક ગુપ્ત દસ્તાવેજ તૈયાર કર્યો, જેનું નામ હતું : “National Security Study Memorandum 200: Implications of Worldwide Population Growth for U.S. Security and Overseas Interests.” (વિશ્વભરમાં વસતિવધારાની અમેરિકાની સલામતી પર અને તેના દરિયાપારનાં હિતો પર અસર) આ દસ્તાવેજમાં એવો ખોટો દાવો કરવામાં આવ્યો હતો કે ભારત જેવા વિકાસશીલ દેશોની વસતિ વધે તો અમેરિકાની સલામતી ખતરામાં આવી જાય છે.

૧૯૭૫ માં જીરાલ્ડ ફોર્ડ અમેરિકાના પ્રમુખ હતા ત્યારે તેમણે ઉપરોક્ત દસ્તાવેજને અમેરિકી સરકારની સત્તાવાર નીતિ તરીકે સ્વીકારી લીધો હતો. આ નીતિ મુજબ અમેરિકાએ ભારત જેવા વિકાસશીલ દેશોની વસતિ ઘટાડવા માટે જન્મનિયંત્રણથી માંડીને દુકાળ અને યુદ્ધ જેવા ઉપાયો અજમાવવાના હતા. હેનરી કિસીંજરના સ્થાને નેશનલ સિક્યોરિટી એડવાઇઝર બનેલા બ્રેન્ટ સ્કોક્રોફ્ટને આ યોજનાના અમલની જવાબદારી સોંપવામાં આવી હતી. સીઆઇએના તત્કાલીન ડિરેક્ટર જ્યોર્જ બુશને તથા વિદેશ મંત્રી, સંરક્ષણ મંત્રી, કૃષિ મંત્રી, નાણાં મંત્રી વગેરેને આ યોજનામાં મદદ કરવાની સૂચના આપવામાં આવી હતી.

આ નીતિના ભાગરૂપે ૧૯૭૫ માં ભારતને કુટુંબનિયોજનનો આક્રમક કાર્યક્રમ ચાલુ કરવાની ફરજ પાડવામાં આવી. કટોકટી દરમિયાન તત્કાલીન વડાં પ્રધાન ઇન્દિરા ગાંધીના આશીર્વાદ સાથે તેમના પુત્ર સંજય ગાંધીએ તેનો બળજબરીથી અમલ કરાવ્યો. ઉત્તર ભારતનાં લાખો ગરીબ લોકોને પકડી પકડીને તેમની નસબંધી કરવામાં આવી. મહિલાઓને ગર્ભપાત કરાવવાની કાયદેસર છૂટ આપી દેવામાં આવી. જો કે પ્રજા તરફથી તેનો ભારે વિરોધ થયો. ચૂંટણીમાં કોંગ્રેસ હારી ગઈ અને જનતા પાર્ટીની સરકાર બની, જેણે કુટુંબનિયોજનનો કાર્યક્રમ પડતો મૂક્યો.

૧૯૯૨ માં બ્રાઝિલના પાટનગર રિયો ડિ જાનેરોમાં સંયુક્ત રાષ્ટ્રસંઘના ઉપક્રમે સસ્ટેનેબલ ડેવલપમેન્ટના કાર્યક્રમ સાથે શિખરપરિષદ મળી, જેમાં ભારતે પણ ભાગ લીધો હતો. આ પરિષદમાં એજન્ડા ૨૧ નક્કી કરવામાં આવ્યો, જેમાં ૨૦૦૦ ની સાલ સુધીમાં વિશ્વની વસતિમાં ઘટાડા સહિતના લક્ષ્યાંકો નક્કી કરવામાં આવ્યા. ભારત સરકારે પણ તે બધા લક્ષ્યાંકો સિદ્ધ કરવા કમ્મર કસી, જેમાં વસતિઘટાડો પણ હતો. બ્રિટન તરફથી ભારતને ૧૬.૬ કરોડ પાઉન્ડની રકમ મદદ તરીકે આપવામાં આવી, જેનો ઉપયોગ ગામડાંની ગરીબ સ્ત્રીઓનું વંધ્યીકરણ કરવા માટે કરવામાં આવ્યો. આ પ્રકારની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી. કેટલીક સ્ત્રીઓને તો આરોગ્યની ચકાસણીના બહાને કેમ્પમાં બોલાવવામાં આવતી અને તેમની જાણ બહાર તેમનું ઓપરેશન કરી નાખવામાં આવતું હતું. આ રીતે હજારો ઓપરેશન કરનારા ડોક્ટરોનું સન્માન કરવામાં આવતું અને તેમની વિદેશની ટુરો પણ સ્પોન્સર કરવામાં આવતી હતી.

૧૯૭૪ માં હેનરી કિસીંજરે અમેરિકા માટે જે દસ્તાવેજ તૈયાર કર્યો હતો તેમાં વિકસતા દેશોની વસતિ ઘટાડવાના સાધન તરીકે પ્રાયોગિક રસીની પણ વાત કરવામાં આવી હતી. આ રસી લેનારી મહિલાઓ સંતતિ ઉત્પન્ન કરવા માટે નકામી બની જતી હતી. આ વેક્સિનના પ્રયોગો કરવા માટે ભારત ઉપરાંત પાકિસ્તાન, બાંગ્લા દેશ, ઇન્ડોનેશિયા, મેક્સિકો, બ્રાઝિલ વગેરે દેશો પસંદ કરવામાં આવ્યા હતા. ફિલિપાઇન્સમાં ૧૨-૪૮ ની વયજૂથમાં રહેલી ૩૦ લાખ મહિલાઓને પ્રાયોગિક રસી આપવામાં આવી હતી. ભારતમાં બિલ ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા આશ્રમશાળાઓમાં ભણતી સગીર કન્યાઓના માતાપિતાને પૂછ્યા વિના પ્રાયોગિક રસી આપવામાં આવી હતી. તેમાં કેટલીક કન્યાઓનાં મરણ થતાં ભારતમાં ભારે ઉહાપોહ થયો હતો. ભારત સરકારે બિલ ગેટ્સ ફાઉન્ડેશન પર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. સુપ્રિમ કોર્ટમાં કેસ ફાઇલ કરવામાં આવ્યો હતો.

ઉત્તર અમેરિકાની કાળી મહિલાઓને પણ પ્રાયોગિક રસી આપવામાં આવી હતી. તેમાંની ૨૫ થી ૩૫ ટકા મહિલાઓ વાંઝણી બની ગઈ હતી. ૧૯૯૫ માં વિશ્વભરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના ઉપક્રમે પલ્સ પોલિયો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. તેનો એક ઉદ્દેશ વિકસતા દેશોની ફળદ્રુપતા ઘટાડી નાખવાનો હતો. આ કાર્યક્રમ માત્ર પાંચ વર્ષ ચાલવાનો હતો. ૨૦૧૪ માં ભારતને પોલિયોમુક્ત જાહેર કરવામાં આવ્યું તેના સાત વર્ષ પછી પણ આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. મુસ્લિમો માને છે કે આ રસીથી ફળદ્રુપતા ઘટે છે, માટે તેઓ રસી લેવાનો ઇનકાર કરે છે.

૧૯૭૪ માં હેનરી કિસીંજરે જે દલીલ દુનિયાની વસતિ ઘટાડવા માટે કરી તે તેમની મૌલિક દલીલ નહોતી. તેનાં મૂળ ૧૯૪૪ માં રચાયેલા બ્રિટનના રોયલ કમિશન ઓન પોપ્યુલેશનના હેવાલમાં હતા. આ કમિશનની રચના ૬ઠ્ઠા જ્યોર્જ રાજાએ કરી હતી. તેના હેવાલમાં લખવામાં આવ્યું હતું કે બ્રિટનના ભારત જેવા સંસ્થાનોમાં વસતિ વધી જાય છે તેને કારણે બ્રિટનની સલામતી જોખમાઈ જાય છે. ભારત જેવા દેશોની વસતિને નિયંત્રણમાં રાખવા કેવાં પગલાં લેવાં જોઈએ? તેની રૂપરેખા આ રિપોર્ટમાં આપવામાં આવી હતી. તેમાં ચેતવણી આપવામાં આવી હતી કે જો ભારત જેવા દેશોની વસતિ વધી જાય અને ત્યાં ઉદ્યોગોનો વિકાસ થાય તો તે બ્રિટનની સલામતી માટે જોખમી છે, કારણ કે તેમ થવાથી તેની રાજકીય, આર્થિક અને લશ્કરી તાકાતમાં વધારો થઈ શકે છે.  અમેરિકાએ પણ આ દલીલ સાચી માનીને તેની ૧૯૭૪ ની નીતિ ઘડી કાઢી હતી.

અમેરિકાએ ૧૯૮૦ ના દાયકામાં પોતાનું ઉત્પાદન ચીનમાં ખસેડવાનું ચાલુ કર્યું તેનું મુખ્ય કારણ એ હતું કે ચીનમાં મજૂરી બહુ સસ્તી હતી. અમેરિકાએ ચીનનો માલ ખરીદવા માટે શરત કરી હતી કે તેણે તેની વસતિ નિયંત્રણમાં રાખવી પડશે. ચીને પણ અમેરિકાની બજાર કબજે કરવાના લોભમાં અમેરિકાની શરત માન્ય રાખીને પરિવાર દીઠ એક જ બાળકની નીતિનો બળજબરીથી અમલ કરાવ્યો હતો. હવે પરિણામ એ આવ્યું છે કે ચીનમાં કામ કરી શકે તેવા યુવાનોની વસતિ ઘટી ગઈ છે અને વૃદ્ધોની સંખ્યા વધી રહી છે.

ચીનની સરકારને ખ્યાલ આવ્યો છે કે જો વિકાસની ગતિ જાળવી રાખવી હશે તો વસતિ વધારવી પડશે. આ કારણે ચીને પરિવાર દીઠ એક બાળકની નીતિનો ત્યાગ કરીને યુગલોને વધુ બાળકો પેદા કરવા બદલ પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે. કોઈ પણ દેશની વસતિ વધે ત્યારે ગરીબી વધે છે તે થિયરી મૂળમાંથી ખોટી છે. જેમ દેશની વસતિ વધે તેમ કામ કરનારાં લોકો વધે, જેને કારણે સમૃદ્ધિ વધે અને જીડીપી પણ વધે છે. ચીનની વધુ વસતિ જ તેને મહાસત્તા બનાવવા માટે કારણરૂપ બની છે.

ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકારો દ્વારા વસતિનિયંત્રણની જે નીતિ અપનાવવામાં આવી છે તે અમેરિકા જેવી મહાસત્તાઓ અને વિશ્વ આરોગ્ય સંસ્થા જેવાં સંગઠનોના ઇશારે અપનાવવામાં આવી છે. તેમાં ભારતનું હિત નથી પણ અહિત છે. કોઈ પણ મનુષ્યે કેટલાં બાળકો પેદા કરવાં? એ નક્કી કરવાનો તેનો મૂળભૂત અધિકાર છે. સરકાર કાયદો કરીને તે અધિકાર નિયંત્રિત કરી શકે નહીં. ભારતની વસતિ ઘટાડવાના કોઈ પણ કાયદાઓ દેશની પ્રગતિમાં રૂકાવટ કરનારા જ પુરવાર થશે.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top