Columns

પુરુષોના મતે આદર્શ સ્ત્રી કેવી હોવી જોઈએ?

દરેક પુરુષ જન્મે ત્યારથી જ પોતાની માતાની રૂપમાં એક આદર્શ સ્ત્રીને જોતો હોય છે અને હંમેશા તે તો તેની આદર્શ રહે જ છે. પણ સમય સાથે દરેક પુરુષની આદર્શ સ્ત્રી તરીકેની વ્યાખ્યા બદલાતી હોય છે. કોઇને આધુનિક નારી ગમે તો કોઇને પરંપરાને વળગી રહેનારી નારી પસંદ આવે છે. તો વળી કેટલાક પુરુષોને દરેક ક્ષેત્રમાં આગળ પડતી હોય એવું વ્યક્તિત્વ ધરાવતી નારી પસંદ આવે છે. તો આજે આપણે ‘આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ’ નિમિત્તે પુરુષોના મુખેથી જ જાણીશું કે આદર્શ સ્ત્રી એટલે શું અને તેમના માટે આદર્શ સ્ત્રી કોણ છે?

આદર્શ સ્ત્રી એટ્લે જેને અનુસરી શકાય: મયુર કોલડિયા
શહેરના વરાછા વિસ્તારમાં રહેતા અને જાણીતી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા 33 વર્ષીય મયુરભાઈ કોલડિયા જણાવે છે કે, મારા માટે આદર્શ સ્ત્રી એટ્લે જેને અનુસરી શકાય. જો કે આપની સંસ્કૃતિમાં તો સ્ત્રીઓ બાળપણથી જ અમુક કામોમાં પ્રવીણ થઈ જતી હોય છે પણ જ્યારે એ પોતાના વિચારો અને મત લોકો સમક્ષ મૂકી શકે ત્યારે એ સાચા અર્થમાં આદર્શ કહેવાય છે, ને આવી જ સ્ત્રી સમાજને આગળ પણ લાવી શકે છે. જો કે ઘણા લોકો સ્ત્રીને પુરુષ સમોવડી કહેતા હોય છે પણ હું કહું છુ કે સ્ત્રીમાં એવા ગુણો હોય છે કે જે કેટલાક પુરુષો ન કરી શકે એવા કામ પણ કરી શકે છે, તેમજ સ્ત્રીનું એક અલગ અસ્તિત્વ છે જેને તમે પુરુષ સમોવડા હોવાનું બિરુદ ન આપી શકો. મારા માટે મારી આદર્શ સ્ત્રી તરીકે હું અમારા જ કોલેજના આચાર્યને માનું છુ. કારણ કે તેમને જોઈને જ હું આગળ વધવાની પ્રેરણા લઉં છુ.’

સ્ત્રીની શ્રેષ્ઠતાની વ્યાખ્યા આપવી અશક્ય: દિવ્યાંગ શાહ
શહેરના વેસુ વિસ્તારમાં રહેતા અને માર્કેટિંગ સાથે સંકડાયેલા 39 વર્ષીય દિવ્યાંગ શાહ કહે છે કે, મારા મતે સંપૂર્ણ ઘરને એક કરીને રાખે અને પોતાનામાથી સો ટકા સામેવાળી વ્યક્તિને આપે એ સંપૂર્ણ સ્ત્રી. દિવ્યાંગ કહે છે કે, સ્ત્રી એક એવું કેરેક્ટર છે જે, દરેક ભૂમિકા બખૂબી ભજવી જાણે છે, એટલે એના ગુણ કહેવા કે એની શ્રેષ્ઠતાને બિરુદ આપી તેની વ્યાખ્યા આપવી અશક્ય છે. હું મારી વાત કરું તો, મારા માટે તો મારી માતા જ શ્રેષ્ઠ સ્ત્રી છે. આ હું એટલા માટે નથી કહેતો કે એ મારી મા છે, પણ એ અમારા પરિવાર ઉપરાંત અન્યોની પણ એટલી જ મદદ કરે છે જેટલી એ અમારી. કોઈપણ વ્યક્તિ માટે કઈક કરતાં પહેલા એ એવું નથી વિચારતી કે જરૂર પડ્યે એ મને મદદ કરશે કે નહીં. મારી માતાના લોકો માટેના નિશ્વાર્થ કાર્યના કારણે જ હું એને એક શ્રેષ્ઠ સ્ત્રી માનુ છુ.’

સમય સાથે આદર્શ નારીની વ્યાખ્યા બદલાય છે: સંદીપ પુજારા
શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા એકાઉન્ટન્ટ સંદીપ પુજારા આદર્શ સ્ત્રી અંગે કહે છે કે આદર્શ નારીની વ્યાખ્યા સમય સાથે બદલાતી રહી છે અને બદલાવી જ જોઈએ. મારા મત પ્રમાણે સમય અને સંજોગો પ્રમાણે પોતાને બદલી શકે એ આદર્શ નારી. આદર્શ નારી એટ્લે માત્ર કહ્યાગરી સ્ત્રી કે ડગલે ને પગલે બલિદાન આપતી નારી એવું ન માની શકાય, પણ પોતે સાચી હોય તો સત્યને વળગી રહે, એ સાબિત કરવા માટે લડત આપી શકે અને સ્ત્રી છે એવું વિચારીને કોઈ કુપ્રથાનો શિકાર ન બને એ આદર્શ નારી. મારા માટે કોઈ એક આદર્શ નારીનું ઉદાહરણ આપવું મુશ્કેલ છે પણ મારી આદર્શ હું મારી મોટી બહેન નિકિતાને માનું છુ. ઘરમાં માતા સિવાય જો કોઈ વ્યક્તિ એવી હોય જે આપણું ભલું ઇચ્છીને આપણને સારી અને સાચી સલાહ આપતી હોય તો એ છે બહેન. મારી બહેને મને દરેક પરિસ્થિતિમાં એક સાચી સલાહ આપીને મને આગળ વધવા માટે માર્ગદર્શિત કર્યો છે. જેથી મારી આદર્શ તો મારી મોટી બહેન જ છે.’ જો કે સાથે જ સંદીપભાઈ કહે છે કે, એક બે સારા લક્ષણો ધરાવતી નારીને સન્નારી કહી શકાય પણ આદર્શ નારી ન કહી શકાય.’

જીવનના પાઠ ભણાવનાર આદર્શ સ્ત્રી: મિલન અંટાળા
કોઈ આદર્શ વ્યક્તિ હોવું એટલે ઓળખીતામાથી કોઈ એવી વ્યક્તિ કે જેનો આપણાં જીવનમાં મહત્વનો ફાળો હોય. આ શબ્દો છે 32 વર્ષીય બેંકર મિલન અંટાળાના. મિલન કહે છે કે, આપણાં જીવનમાં મા નું સ્થાન તો કોઈ લઈ શકે નહીં એટલે આદર્શ સ્ત્રી એટ્લે સૌ પ્રથમ તો માતાને જ સ્થાન આપું છુ કારણ કે જીવનનું પ્રથમ પગલું ભરતા આપણે એના થકી જ શિખીએ છીએ.પરંતુ જીવનમાં આગળ વધવા માટે કેટલીક બાબતો એવી હોય છે જે તમને બહારની કોઈ સ્ત્રી શીખવાડી જાય એવું પણ બને છે, ને એણે ચિંધેલા રાહ પર ચાલવાથી આપણને આગળ વધવાની પ્રેરણા મળે છે.મિલન કહે છે કે, મારા જીવનના ગ્રોથમાં મહત્વનો રોલ ભજવનાર અને નોકરી સિવાયની વાસ્તવિક દુનિયાનો વાસ્તવિક દ્રષ્ટિકોણ દર્શાવનારા મારા પર્સનલ મેંટર પ્રીતિબેન છે. એમનો વિનમ્ર સ્વભાવ અને પ્રોત્સાહનભર્યા વિચારો મને હંમેશા કઈક નવું શીખવા માટે પ્રેરણા આપે છે. જોબ પછીના અનપ્રોડક્ટિવ કલાકોને પ્રોડક્ટિવ બનાવીને આવકના સ્ત્રોત કેવી રીતે ઊભા કરી શકાય એ તેમણે મને શીખવ્યું. કારણ કે કોરોના કાળમાં મને સમજાયું કે વ્યક્તિની જોબ કે આવકનો કોઈ ભરોસો નથી માટે પ્રીતિબહેનની સલાહને કારણે આજે હું આ બાબતે નિશ્ચિંત રહી શકું છુ.

નવી જનરેશનમાં સ્ત્રીઓ આદર્શો ભૂલી રહી છે: દિપેશ દલાલ
શહેરના પાર્લેપોઈંટ વિસ્તારમાં રહેતા 47 વર્ષીય એડ્વોકેટ દિપેશ દલાલ તો કહે છે કે જે આધુનિકતા સાથે પણ આપણાં સંસ્કારોને વળગીને આખા પરિવારને જકડી રાખે એ આદર્શ સ્ત્રી. આજની પેઢીની આધુનિક નારી જાણે સંસ્કાર જ ભૂલી ગઈ છે. મોબાઇલ અને આધુનિકતાના વણગણમાં એવી ડૂબી ગઈ છે કે, આજની નારીમાં હું આદર્શ નારી કોઈને માની નથી શકતો જેથી મારા માટે તો મારા દાદી જ આદર્શ છે. મારા દાદીના કારણે જ અમારા ઘરમાં બધાને યોગ્ય માર્ગદર્શન મળતું રહે છે અને તેમના અનુભવો થકી જ અમને જીવનમાં ઘણું બધુ શીખવા પણ મળે છે. હું વકીલાતના વ્યવસાય સાથે સંકડાયેલો હોવાથી અમારી પાસે અસંખ્ય એવા કેસો આવતા હોય છે જેમાં ઘણી સમજાવટ છતાં સ્ત્રી પોતાના સાસુ સસરાને પોતાની સાથે રાખવા નથી માંગતી જેથી હું તો એ જ કહીશ કે દરેક ઘરોમાં ઘરની વડીલ સ્ત્રી જ આવી મહિલાઓને સમજાવી શકે જેથી પરિવારો તૂટતાં બચી શકે.

મારી આદર્શ મારી બહેન: ભરતભાઈ કળથિયા
કામરેજ વિસ્તારમાં રહેતા 49 વર્ષીય શિક્ષક ભરતભાઈ કળથિયા જણાવે છે કે, જીવનમાં મા સિવાય કોઈ આદર્શ હોઈ જ ન શકે. કારણ કે એ વ્યક્તિ આપણને જન્મ આપવાની સાથે જ કોઈપણ અપેક્ષા વગર આપણું હંમેશા ભલું ઇચ્છતી હોય છે. પણ એ સિવાય મારી જિંદગીમાં મારી આદર્શ હું મારી બહેનને માનુ છુ, કારણ કે, મારી માતા એક એવી વ્યક્તિ છે જે હંમેશા ગામડામાં રહી છે અને અમને વ્યવ્હારિક જ્ઞાન આપ્યું છે પરંતુ જ્યારે મે મારા ગામમાથી ભણીને બહારની દુનિયામાં પગ મૂક્યો ત્યારે મને રંજનબહેને બહારની દુનિયાના પાઠ શિખવ્યા હતા, અને જેથી જ આજે હું મારા પગ પર ઊભો રહીને સ્વમાનભેર જીવી રહ્યો છુ.’

સમાજમાં પુરુષની સ્ટ્રોંગ વ્યક્તિ તરીકે એક ઇમેજ છે અને જેથી જ આપણાં ઘરોમાં પણ મોભી તરીકે પુરુષને જ જોવામાં આવે છે પણ આમ જોવા જઈએ તો કેટલાક પુરુષો એવા છે જેઓ જીવનના મહત્વના પાઠો શીખવા માટે કે આગળ વધવા માટે મહિલાઓને પોતાની આદર્શ માનતા હોય છે. ત્યારે જરૂરી નથી કે એ મહિલા પોતાના પરિવારની જ હોય. પણ આજે સમય પ્રમાણે પુરુષોના પણ આદર્શ મહિલા તરીકેના માપદંડોમાં ફર્ક પડ્યો છે અને તેઓ આ માપદંડોના આધારે પોતાના જીવનની આદર્શ મહિલાની છબી જીવનમાં અંકિત કરતા હોય છે. જે તેમને જીવનમાં પ્રેરણા આપતી રહે.

Most Popular

To Top