Columns

અર્જુનના વિષાદનું કારણ શું છે?

વિષાદયોગ :
શ્રીમદ્ ભગવદ ગીતાના પ્રથમ અધ્યાયનું નામ છે ‘અર્જુનવિષાદયોગ !’ વિષાદ પણ યોગ બને? હા, વિષાદ પણ યોગ બની શકે છે અને અહીં વિષાદ પણ યોગ બને છે. ભગવાન બુદ્ધની અધ્યાત્મયાત્રાનો પ્રારંભ દુ:ખદર્શનથી થાય છે અને તેથી જ બૌદ્ધ ધર્મનાં ચાર આર્ય સત્યોમાંનું પ્રથમ આર્ય સત્ય છે દુ:ખ ! વિષાદને પણ જો યોગ્ય પરિપ્રેક્ષ્યમાં લેતાં આવડે તો વિષાદ અધ્યાત્મયાત્રાનો પ્રારંભ બની શકે છે. અર્જુન માટે એમ બન્યું છે, તેથી તેમનો વિષાદ વિષાદયોગ બન્યો છે.

અર્જુનના વિષાદનું કારણ શું છે? કારણ છે – સ્વજનાસક્તિ અને તજ્જન્ય મોહ. અર્જુન વીર છે, મહાવીર છે. યુદ્ધથી ડરી જાય તેવો તે કાયર નથી. આ પહેલાં તે અનેક યુદ્ધો લડી ચૂક્યો છે અને પ્રત્યેક યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરી ચૂક્યો છે. અર્જુનનાં 12 નામોમાંનું એક નામ છે વિજય! | આવો વીરશ્રેષ્ઠ અર્જુન યુદ્ધના મેદાનનું દૃશ્ય જોઈને કંપી ઊઠે છે અને પોતે જ ભગવાનને કહે છે :

सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति ।
वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते ।।
गाण्डीवं स्रंसते हस्तात्त्वक्चैव परिदह्यते ।
न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः ।।
-શ્રીમદ  ભગવદ ગીતા :1 29/30
“મારાં અંગો શિથિલ બની રહ્યાં છે. મુખ સુકાઈ રહ્યું છે. મારું શરીર ધ્રુજી રહ્યું છે. શરીરમાં રોમાંચ થઈ રહ્યો છે.” મારા હાથમાંથી ગાંડીવ સરી રહ્યું છે. મારી ત્વચામાં બળતરા થાય છે. હું ઊભો રહી શકતો નથી અને મારું મન જાણે ભ્રમિત થઈ ગયું છે.’  આ લક્ષણો કાયરતાનાં નથી, ભયનાં નથી, અર્જુનની મતિ ભ્રમિત થઈ રહી છે. શા માટે? કયા કારણે ? મોહના કારણે! કયા મોહના કારણે? સ્વજનાસક્તિજનિત મોહના કારણે : આ આસક્તિ અને આસક્તિજન્ય મોહના કારણે અર્જુન પોતાના સ્વધર્મમાંથી નાસીપાસ થાય છે અને પોતાની આ મનોદશાને વાજબી ઠરાવવા માટે, પોતાના હૃદયની આ દુર્બળતાને ઉચિત સિદ્ધ કરવા માટે મનઘડંત દલીલો કરે છે.

અર્જુનને તે ક્ષણે તો એમ લાગે છે કે આ જ યથાર્થ સમજ છે, પરંતુ વસ્તુતઃ આ યથાર્થ સમજ નથી, આ તો વિતંડાવાદ છે, જેને ભગવાન ‘પ્રજ્ઞાવાદ’ કહે છે. અહીં પ્રજ્ઞાવાદનો અર્થ પ્રજ્ઞામાંથી પ્રગટેલી વાણી એવો નથી. અહીં પ્રજ્ઞાવાદનો અર્થ વિતંડાવાદ કે મનઘડંત દલીલબાજી થાય છે. અર્જુનની આ મોહજનિત કાયરતાને ભગવાન સુંદર અને સ્પષ્ટ રીતે અભિવ્યક્ત કરે છે. ભગવાન કહે છે :

कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम् ।
अनार्यजुष्टमस्वय॑मकीर्तिकरमर्जुन ।
क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वप्यपद्यते ।
क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परंतप ।।
– શ્રીમદ્ ભગવદ ગીતા 2-2/3
 હે અર્જુન ! આવા વિષમ સમયે તને આવો મોહ ક્યાંથી પ્રાપ્ત થયો? આવા મોહનું શ્રેષ્ઠ પુરુષો સેવન કરતા નથી. આ મોહ સ્વર્ગ આપનાર કે કીર્તિ આપનાર પણ નથી.’ હે અર્જુન! તેથી તું આ નિર્માલ્યતાનો ત્યાગ કર, આવી નિર્માલ્યતા તારા માટે ઉચિત નથી. હૃદયની આ ક્ષુદ્ર દુર્બળતાનો ત્યાગ કર અને યુદ્ધ માટે તૈયાર થા.

આનો અર્થ સ્પષ્ટ જ છે કે અર્જુન મોહજનિત કંપિત મનોદશામાં સરી પડ્યો છે અને પરિણામે તે વિષાદયુક્ત મનોદશા પામે છે. આ વિષાદ, આ દુ:ખ પણ અધ્યાત્મયાત્રાનું પ્રારંભબિંદુ બની શકે છે અને આખરે વિષાદ વિષાદયોગમાં પરિણમી શકે છે. આમ થાય તો જીવનયુદ્ધ જીવનયોગ બની શકે છે. અર્જુનનો વિષાદ વિષાદયોગ બને છે અને અર્જુનનું જીવનયુદ્ધ જીવનયોગ બને છે, જેમ અર્જુન માટે બન્યું તેમ સૌને માટે બની શકે છે, પરંતુ તે માટે ઘણું કરવું પડે છે, ઘણી ગહન પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. આ સમગ્ર અધ્યાત્મપથનું પહેલું સોપાન છે ગુરુશરણ.

‘શિષ્યસ્તડહં’ : ‘
અર્જુન સમજી લે છે અને સ્વીકારી લે છે કે તેની બુદ્ધિ કાર્પણ્યરૂપી દોષથી આહત થયેલી છે, એટલું જ નહીં, પરંતુ હવે અર્જુન શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેનો નિર્ણય પોતાની જાતે જ લેવા માટે સમર્થ નથી. આવી પરિસ્થિતિમાં શું કરવું ? વસ્તુતઃ આ કોઈ એકલદોકલ પ્રસંગની સમસ્યા નથી. આ તો સમગ્ર જીવનની સમસ્યા છે. આ જીવનસમસ્યાના નિરાકરણનો ઉપાય કોણ આપે? કોની પાસે જવું ? ઉપાય છે સદગુરુનું માર્ગદર્શન! અર્જુન પરમ સદભાગી છે કે તેની સામે જ તેના જીવનરથના સારથિ શ્રીકૃષ્ણ ઉપસ્થિત છે. અર્જુન આ પરમ ગુરુ ભગવાન શ્રીકૃષ્ણની શરણાગતિ સ્વીકારે છે અને તદનુસાર કહે છે :

कार्पण्यदोषोपहतस्वभाव :
पृच्छामि त्वां धर्मसम्मूढचेताः ।
यच्छ्रय : स्यानिश्चितं ब्रूहि तन्मे
 शिष्यस्तेऽहं शाधि मां त्वां प्रपन्नम् ।
શ્રીમદ્ ભગવદ ગીતા : 2-7“હે ભગવન! કાયરતારૂપી દોષથી મારી ચેતના આહત બની ગઈ છે. શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તેનો નિર્ણય લેવા માટે મારી ધર્મચેતના જાગ્રત નથી. મારા માટે જે શ્રેયસ્કર હોય તે તમે જ મને કહો. હું તમારો શિષ્ય છું. હું આપને શરણે આવ્યો છું. મને યથાર્થ માર્ગદર્શન આપો.’ આમ ધર્મસંમૂઢ અર્જુન પરમ પ્રજ્ઞાવાન મહત્પરુષ ભગવાન શ્રીકૃષ્ણને શરણે જાય છે અને અધ્યાત્મવિદ્યાના એક મહાન અને અપ્રતિમ ગ્રંથ શ્રીમદ્દ ભગવદ્દગીતા’નો પ્રારંભ થાય છે. અધ્યાત્મયાત્રાનો પ્રારંભ :

બધું જ બરાબર છે અને છતાં કાંઈ જ બરાબર નથી એમ અનુભવાય ત્યારે અધ્યાત્મયાત્રાનો પ્રારંભ થાય છે બધું જ મળે અને આત્મા ન મળે તો કાંઈ જ મળતું નથી અને કાંઈ જ ન મળે અને આત્મા મળે તો બધું જ મળે છે એવી પ્રતીતિ ચિત્તમાં દ્રઢીભૂત થાય ત્યારે અધ્યાત્મયાત્રાનો પ્રારંભ થાય છે. ‘ અર્જુનના ચિત્તની આવી ભૂમિકા સિદ્ધ થઈ છે. અર્જુન ઋજુ અર્થાત્ સરળ છે અને તેની ચેતના સંવેદનક્ષમ છે. અર્જુન ગુરુશરણાપન્ન થયો છે અને અર્જુનને તેના જન્મજન્માંતરના પરમ ગુરુ સામે જ ઉપલબ્ધ છે અને આમ રમર્જુનની અધ્યાત્મયાત્રાનો પ્રારંભ થાય છે.

Most Popular

To Top