Charchapatra

દારૂબંધીથી કયો ફાયદો?

બિહારમાં દારૂબંધી છે અને હાલમાં જ બિહારના છપરામાં  ઝેરીલો  દારૂ પીવાથી 77 વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે. બિહારના મુખ્ય પ્રધાન  નીતીશકુમારનું કહેવું છે કે દારૂબંધી હોવા છતાં ગેરકાયદે દારૂ પીવે છે તે મરે એમાં સરકાર જવાબદાર નથી  ત્યારે સવાલ થાય છે કે મૃત્યુ પામેલા પરિવારની વિધવા અને અનાથ થયેલાં બાળકોની વેદનાની કોઇ જ પરવા નથી?  વિપક્ષે ઉધડો લીધો છે કે આ મૃત્યુની જવાબદારી નીતીશ કુમારની સરકારની જ છે.   બિહારમાં દારૂબંધીનો અમલ કરાવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે  તેવું ભાજપનું પણ કહેવું છે.

હવે ભાજપ બિહારમાં દારૂબંધી વિશે બોલતા હોય તો પછી ગુજરાતમાં તો ભાજપનું જ રાજ છે અને અહીં પણ દારૂબંધી  વર્ષોથી અમલમાં છે અને અહીં પણ લઠ્ઠાકાંડ  થતા જ હોય છે જ્યાં દારૂબંધી નથી તેવાં રાજ્યોમાં પણ ઝેરી દારૂ પીવાથી અનેક વ્યક્તિઓનાં મોતના બનાવો બનતા રહે છે. હમણાં જ તાજેતરમાં જ ગુજરાતમાં ઝેરીલો દારૂ પીવાથી બોટાદમાં 55 લોકોનાં મૃત્યુ થયાં હતાં. ગુજરાતમાં દારૂબંધી સફળ બનાવવા સરકાર એડીચોટીનું જોર લગાવે છે છતાં ગુજરાતમાં  પડોશી રાજયોમાંથી દારૂ આવે છે, વેચાય છે અને પીવાય છે.  ગુજરાતની દારૂબંધી 62 વર્ષથી આવી રીતે જ રીતે અમલમાં છે. ગુજરાત સરકારને આવી દારૂબંધીથી કેટલો અને ક્યો ફાયદો થાય છે તેની જાણકારી પ્રજા સમક્ષ ઉજાગર કરવી જોઈએ.   
સુરત              – વિજય તુઈવાલા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

વિશિષ્ટ પૂર્તિ
તા.૨૭ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ ‘ગુજરાતમિત્રે’ મંગળવારની આસપાસ ચોપાસ પૂર્તિની જગ્યાએ ૨૦૨૨ બાય બાય પૂર્તિ બહાર પાડી છે, જેમાં ૨૦૨૨ ના વર્ષમાં બનેલા એક એક મહત્ત્વના બનાવોનું આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે. એટલું જ નહી પૂર્તિના પાના નં ૨ અને ૩ ઉપર નીચેના ભાગમાં જાન્યુઆરીથી – ડિસેમ્બર ૨૦૨૨ સુધીના દરેક મહિનામાં બનેલા અગત્યના બનાવોની દરેક મહિનાની અલગ અલગ યાદી આપી છે જે ધ્યાનાકર્ષક છે. તે ઉપરાંત પહેલા પાના પર ડાબી બાજુએ આખી પૂર્તિમાં સમાવવામાં આવેલા બનાવોની યાદી આપી છે તે પૂર્તિમાં શું શું સમાવવામાં આવ્યું છે તેની વિગત પૂરી પાડે છે. વાચકોને આખા વર્ષ દરમ્યાન બનેલી અગત્યની વાતોને એક જ પૂર્તિમાં સમાવી લઈને ‘ગુજરાતમિત્રે’ ખરેખર એક અત્યંત સુંદર કાર્ય કર્યું છે  ‘ગુજરાતમિત્ર’ને તે માટે અભિનંદન સાથે બિરદાવીએ તે સર્વ રીતે ઉચિત ગણાવું જોઈએ.
સુરત     – સુરેન્દ્ર દલાલ- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top