Comments

નામમાં શું રાખ્યું છે? કાનૂન સુધાર કહો કે શોષણ

શેક્સપિયરના વિખ્યાત નાટક ‘રોમિયો અને જુલિયટ’નો એક જાણીતો અને બહુ વપરાતો સંવાદ કંઈક આવો છે, ‘નામમાં શું રાખ્યું છે? ગુલાબને કોઈ પણ નામે ઓળખો, તે એટલું જ સુવાસિત અને મહેકતું રહેશે.’કહેવાનો અર્થ એ કે કોઈ વ્યક્તિના મૂળભૂત ગુણ કે ગુણધર્મ વધુ મહત્ત્વના છે, ચાહે એનું નામ ગમે તે હોય. ઘણી વાર એમ લાગે કે આપણી સરકારોએ શેક્સપિયરનું આ વાક્ય બરાબર આત્મસાત્ કરી લીધું છે, પણ જરા જુદી રીતે. કોઈ કર્મચારીને ‘કર્મયોગી’કહેવાથી એ ખરેખર એવો બની જશે? શ્રમિકને ‘શ્રમયોગી’તરીકે સંબોધવાથી એનું શોષણ અટકશે? મૂળ પ્રશ્ન નિસ્બતનો છે અને એનો અભાવ હોય તો નામ ગમે એ રાખો, કશો ફરક પડતો નથી.

ગુજરાત સરકારે ‘કારખાના ધારા (ગુજરાત સુધારા) 2025 વિધેયક’ભારે વિરોધ વચ્ચે વિધાનસભામાં પસાર કર્યું અને એને કાનૂનનું સ્વરૂપ આપ્યું. એ મુજબ શ્રમિકો માટે કામના કલાકોની મર્યાદા વધારીને રોજના બાર કલાકની કરવામાં આવી છે. સાથોસાથ એવી જોગવાઈ છે કે એક સપ્તાહના કામના કુલ કલાકો 48 કલાકથી વધુ ન હોવા જોઈએ. બીજી પણ અનેક જોગવાઈઓ છે. રાજ્યમાં વધુ ને વધુ ઉદ્યોગોને આકર્ષવા માટે અને આર્થિક વિકાસને વેગ આપવા માટે પ્રવર્તમાન કાનૂનમાં આ સુધારા જરૂરી હોવાનું શ્રમ અને રોજગાર મંત્રીએ જણાવ્યું છે. સાથોસાથ શ્રમિકોના હિતોનું ધ્યાન રાખવાનો તેમજ વધુ નોકરીઓ ઊભી કરવાનો પણ આશય હોવાનું જણાવાયું છે.

સ્વાભાવિક છે કે કાગળ પર આવી જોગવાઈઓ રાખવામાં આવે જ. પણ વાસ્તવિકતા શી હોય છે એ જાણવા જેવું છે. વડોદરાસ્થિત ‘પીપલ્સ ટ્રેનિંગ રિસર્ચ સેન્‍ટર’(પી.ટી.આર.સી.) 1992માં થયેલી એની સ્થાપનાથી વ્યાવસાયિક આરોગ્ય અને સલામતીના મુદ્દે કાર્યરત છે. વ્યાવસાયિક રોગો વિશે સમાજમાં જાગૃતિ ફેલાવવી, તેના વિશે શિક્ષણ આપવું, એ વિશે સંશોધન કરવું, રોગોનાં પીડિતોને શોધવાં અને સામાજિક સુરક્ષા કાયદા હેઠળ તેમના કાનૂની અધિકારો મેળવવામાં મદદ કરવી વગેરે કામ તે નિષ્ઠાપૂર્વક કરી રહી છે.

સીલીકોસીસ રોગને કારણે મૃત્યુ પામેલાં કામદારોનાં પરિવારોને આર્થિક વળતર અપાવવા માટે તેણે નોંધપાત્ર કામ કર્યું છે. હમણાં આ સંસ્થાએ ‘કેદમાં કાયદા’શીર્ષકથી એક પુસ્તિકા પ્રકાશિત કરી છે, જેમાં ખરેખર તો આ સંસ્થાના જગદીશ પટેલ અને ચિરાગ ચાવડા દ્વારા હાથ ધરાયેલા એક અતિ મહત્ત્વના અભ્યાસની વિગતો છે. આ અભ્યાસ કરવા માટે સંસ્થા શી રીતે પ્રેરાઈ એ જાણવા જેવું છે. ત્રણેક વર્ષથી મોરબીમાં સીલીકોસીસ અંગે જાગૃતિ, તેનાં દર્દી શોધવાં, સીલીકોસીસથી પીડિત કામદારને યોગ્ય વળતર મળે અને તેમનાં પરિવાર મૂળભૂત જરૂરિયાતોથી વંચિત ન રહે એ માટે સંસ્થા કાર્યરત છે.

આ દરમિયાન તેમના ધ્યાનમાં આવ્યું કે સીલીકોસીસથી પીડિત કામદારોમાં ઘણા ઈ.એસ.આઈ.(કામદાર રાજ્ય વીમા યોજના)ના કાયદા હેઠળ આવરી લેવાયેલા વિસ્તારોમાં કામ કરતા હતા, પણ યોગ્ય અમલીકરણને અભાવે આ કાયદાનો લાભ તેમને મળી શકતો ન હતો. આટલું ઓછું હોય એમ, રોજગારના અપૂરતા પુરાવાના અભાવે કામદાર વળતર ધારા હેઠળ તેઓ વળતર માટેનો દાવો પણ કરી શકતા નહોતા. તેમનું વેતન પણ 21,000થી ઓછું હતું. આવી પરિસ્થિતિ નિહાળીને સંસ્થાએ નિર્ણય લીધો કે રાજ્ય સરકારના સામાજિક સુરક્ષાના કાયદાના અમલીકરણ બાબતે અભ્યાસ હાથ ધરવો.

આ અભ્યાસ મુખ્યત્વે સીરામીકનું ઉત્પાદન કરનારાં એકમો, એ સિવાયની અન્ય ચીજોનું ઉત્પાદન કરનારાં એકમો અને સેવા ક્ષેત્રનાં કેટલાંક એકમોના મળીને કુલ બે હજાર કામદારો માટે કરવામાં આવ્યો. એટલે કે કુલ બે હજાર કામદારોને નિર્ધારિત પ્રશ્નાવલિ આપવામાં આવી અને તેમના ઉત્તર મેળવવામાં આવ્યા. આ અભ્યાસનાં વિગતવાર પરિણામો અને તારણો ‘કેદમાં કાયદા’પુસ્તિકામાં છે, જે ‘પી.ટી.આર.સી.’ના જગદીશ પટેલ પાસેથી મંગાવી શકાય (ઈ-મેલ: jagdish.jb@gmail.com). કેટલીક મુખ્ય બાબતો જોઈએ તો, આ અભ્યાસ અનુસાર 93 ટકા કામદારોને ઈ.એસ.આઈ.કાયદા હેઠળ યોગદાન આપવામાં આવતું નથી.

કાયદા મુજબ, દસ કે તેથી વધુ કામદારોને રોજગારી આપતાં એકમોમાં રૂ. એકવીસ હજાર સુધીનું વેતન મેળવનાર કામદારોને ‘કામદાર રાજ્ય વીમા કાયદા’માં આવરી લેવામાં આવે છે. કામદારો અને નોકરીદાતા બન્ને આ વીમાના પ્રિમીયમ પેટે નિર્ધારિત ટકાવારીમાં યોગદાન આપે છે. આ અભ્યાસમાં જણાયું કે 92 ટકા કામદારોનું પ્રોવિડન્‍ટ ફન્‍ડ કાપવામાં આવતું નથી. વીસ કે વધુ કામદારોને રોજગારી આપતાં એકમોમાં આ કાનૂની જોગવાઈ ફરજિયાત છે, કેમ કે, ખાનગી ક્ષેત્રનાં કામદારોને વયનિવૃત્તિ પછી પેન્‍શન જેવા લાભ મળતા નથી. એ જ રીતે અભ્યાસમાં જાણવા મળ્યું કે 90 ટકા કામદારોને પગારપાવતી અપાતી નથી.

પગારપાવતી પણ ફરજિયાત કાનૂની જોગવાઈ છે, જેમાં નોકરીદાતાનું નામ, સરનામું, સંપર્ક વિગતો તેમજ વેતનની વિગતો, જેમ કે, કેટલા દિવસનું છે, ઓવરટાઈમ હોય તો એ, પગાર સાથે અને કપાત પગારની રજાઓની સંખ્યા, ઈ.એસ.આઈ. અને પી.એફ.યોગદાનની કપાતની રકમ તેમજ લોન યા દંડ હોય તો એની વિગત પણ ઉલ્લેખાયેલી હોવી ફરજિયાત છે. આમ, શોષણ પૂરેપૂરું થાય છે, પણ એમાંય પુરુષ કામદારોની સરખામણીએ મહિલા કામદારોનું અને સ્થાનિક કામદારોની સરખામણીએ સ્થળાંતરિત કામદારોનું વધુ થાય છે.

વિશ્વભરમાં ‘સીરામિક કેપીટલ’તરીકે ખ્યાતનામ એવા મોરબીનાં કામદારોની આ સ્થિતિ છે. કુલ 290 ઔદ્યોગિક એકમો પૈકી ફક્ત 27 એકમો ઈ.એસ.આઈ.કાયદાનો અમલ કરે છે. જોવા જેવી વાત એ છે કે મોરબીના ઔદ્યોગિક વિસ્તારોમાં ઈ.એસ.આઈ. કાયદો છેક 1968માં અમલી બનાવાયો હતો. તેનાં 57 વર્ષ પછી પણ અમલ બાબતે આ સ્થિતિ છે.  ફરીને વાત એ જ મુદ્દે આવે છે કે કામદારોના રક્ષણ માટે કેવળ કાયદા બનાવી કાઢવા પૂરતા નથી. એના અમલ માટેનું તંત્ર ગોઠવાય તો પણ મહત્ત્વની બાબત છે એ માટેની વૃત્તિ. કાયદો બનાવનારના તેમજ એનો અમલ કરનારના એમ બન્ને પક્ષે. આ અભ્યાસની વધુ વિગતો આગામી સપ્તાહે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top