પ્રાથમિક શાળા પાસેથી વરઘોડો નીકળ્યો અને એક બાળકી વર્ગખંડ, શિક્ષણ મૂકીને બારીએ દોડી…. વરઘોડો જોવા… વળી ફરી એક વાર બારી બહાર ઊડતી ચકલી જોવામાં આ બાળકી વર્ગ શિક્ષકને જોવાનું ભૂલી ગઇ. આપણી ઔપચારિક શિક્ષણની વ્યવસ્થા બાળકને સમાજથી છૂટો પાડે છે. કુદરતથી જુદો પાડે છે. વૈશ્વિક વિશાળતામાંથી વર્ગખંડની સંકડામણમાં પૂરે છે અને હવે આપણે આ જ યોગ્ય છે તેમ માની લીધું છે. ‘મકાન’ અને ‘સંસ્થા’ આ બે અલગ બાબત છે. પણ આપણે તો શાળા કોલેજના મકાનને જ ‘શિક્ષણ સંસ્થા’ માની લીધી છે. 1990 ના સમયગાળામાં જે પાંચ સૂત્રી કાર્યક્રમ ડો. યશપાલ સહિતના તજજ્ઞોએ વિચાર્યો હતો એ તો હવે કોઇને યાદ જ નથી લાગતો કે શિક્ષણને દિવાલોમાંથી મુકત કરો. શિક્ષણને સમયપત્રકમાંથી મુકત કરો. શિક્ષણને (ફિકસ) અભ્યાસક્રમમાંથી મુકત કરો. શિક્ષણને અધિકારીઓના નિયમોથી મુકત કરો. જે શિક્ષણ પોતે જ પૂર્વગ્રહોથી બંધાયેલું હશે તે વિદ્યાર્થીમાં મુકિતની ઝંખના કેવી રીતે જગાવશે?
46 ડીગ્રી તાપમાં ફરવાથી ચકકર ન આવે તે સૌને ઉપરના મુદ્દા વાંચીને તમ્મર આવી જાય છે. પરિવર્તનની વાત તો એક બાજુ, તે માટેનો નાનો સરખો વિચાર પણ આપણને હલાવી મૂકે છે! માટે જ વર્ગખંડમાં શિક્ષકની વાત પડતી મૂકી બારીએ દોડી જતી દીકરી આપણને સ્વીકાર્ય નથી. શાળા કોલેજમાં વર્ગખંડમાંથી બહાર જઇને વિદ્યાર્થીને ભણાવવા માંગતા શિક્ષકો – અધ્યાપકો આપણને માન્ય નથી. નિયમિતતાને આપણે ઉદ્યોગોના મજૂરોમાંથી શાળા – કોલેજના શિક્ષકોમાં ફેરવી નાખી છે. વાત વૈશ્વિક જ્ઞાનની કરવાની પણ વિદ્યાર્થી અને શિક્ષક બન્નેએ રહેવાનું ચાર દિવાલોમાં! માટે જ પેલી વારે વારે પોતાના કુતૂહલ, જિજ્ઞાસા અને પ્રકૃતિને જાણવાની મથામણ કરનારી છોકરીને કોઇ શાળાઓ રાખવા તૈયાર ન થઇ… આ કહેવાતી ‘તોફાની છોકરી’ને ભણાવવી કેમ?
જાપાનમાં બીજા વિશ્વયુદ્ધ વખતે રેલવેના ખાલી ડબ્બામાં શાળા ચલાવતા શિક્ષક મી. કોબાયાન્સીને આ દીકરી ખરી વિદ્યાર્થી લાગી અને આ શિક્ષકે આ વિદ્યાર્થિનીને તદ્દન સહજ રીતે ઔપચારિક શિક્ષણમાં જોડી. આ વિદ્યાર્થીની જાપાનીઝ ટેલિવિઝનની પ્રખ્યાત સ્ટાર બની. ‘તાત્સુકો કુરોયાનગી’ અને તેણે પોતાના શિક્ષણના, બાળપણના અનુભવોનું 1981 માં પુસ્તક લખ્યું – ‘તોતોચાન’ જે બેસ્ટ સેલર બન્યું! યુનેસ્કોએ તેને શિક્ષણ માટેની સલાહકાર સમિતિમાં પણ નીમી. શિક્ષણ ક્ષેત્રે પોતાના શિક્ષક ડોબોયાન્સીના પ્રયોગો ‘તોતોચાન’ દ્વારા દુનિયા સમક્ષ આવ્યા. કદાચ આપણી નવી શિક્ષણનીતિના ઘડવૈયાઓએ ગિજુભાઇ, માનભાઇને જ યાદ નથી કર્યા તો ‘તોતોચાન’ તો કદાચ ન જ યાદ આવે! શિક્ષણનીતિમાં શું છે? તેની ચર્ચા ઘણી થાય છે.
જે છે તેનો અમલ કેવી રીતે થશે તેની ચર્ચા ઓછી થાય છે પણ થાય છે ખરી… પણ શિક્ષણનીતિમાં શું નથી! જે હોવું જરૂરી હતું તેની તો ચર્ચા જ નથી થતી. સરકારની ઔપચારિક શિક્ષણનીતિનો સૌથી મોટો આધાર શિક્ષણ સંસ્થાઓ છે. ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થામાં કોલેજો અને તેને નિયમથી જોડતી યુનિવર્સિટીઓ હોય છે તથા પ્રાથમિક, માધ્યમિક શિક્ષણમાં સ્કુલ બોર્ડ કે તેની સાથે જોડાયેલી શાળાઓ હોય છે. બહુ ઓછાનું ધ્યાન હશે કે ‘નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઇન’, ‘ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ’ કે એવી સ્વાયત્ત સંસ્થાઓ પણ દેશમાં છે.
જો કે તે ઉચ્ચ શિક્ષણમાં છે અને ત્યાં પ્રવેશનો મૂળ આધાર તો ઔપચારિક શિક્ષણ સંસ્થામાંથીજ છે! તો મુદ્દો છે શિક્ષણ સંસ્થાનો. ઔપચારિક શિક્ષણની કોઇ પણ સંસ્થામાં મુખ્ય બે જરૂરિયાત સંતોષાવી જોઇએ : એક તો પ્રાથમિક ભૌતિક સુવિધાઓ અને બે ભણાવનારા તજજ્ઞ શિક્ષકો એટલે સામાન્ય રીતે શાળાનું મકાન, મેદાન, પ્રાથમિક સુવિધાઓથી સજજ ભૌતિક વ્યવસ્થા જયાં અભ્યાસ સહાયક વાતાવરણ હોય. ચોક, ડસ્ટર, બ્લેક બોર્ડ પુસ્તકાલય, પ્રયોગશાળાનો સંપુટ એ શાળા છે! પણ આ તમામ ભૌતિક સુવિધામાં શિક્ષક જ ન હોય તો? તો આત્મા વગરનું શરીર! હવે બીજું વિચારો, મકાન નથી, બ્લેક બોર્ડ નથી, મેદાન નથી, પુસ્તકાલય નથી, પણ જાણવાની ઇચ્છાવાળા વિદ્યાર્થી અને અભ્યાસુ શિક્ષક છે!
તો શિક્ષણ થશે! જ્ઞાન પ્રસરશે! વર્ષોથી આ જ થયું છે. આ ઔપચારિક શિક્ષણને માંડ બસો વરસ પણ નથી થયાં અને જ્ઞાનની ધારા તો હજારો વર્ષોથી વહી છે. તો શાળા કોલેજની મંજૂરીમાં પ્રાથમિકતા કોને મળવી જોઇએ! બિલ્ડીંગને કે શિક્ષકોને? કમનસીબે આપણા દેશમાં બિલ્ડીંગ મેદાન જેવી ભૌતિક સુવિધાઓ મંજૂરીમાં અગ્રસ્થાને છે. શિક્ષક અધ્યાપક તો બીજા નંબરની વાત છે. માટે જ વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ધનપતિઓ શિક્ષણની વ્યવસ્થા પર ચડી બેઠા છે. એમની પાસે કરોડો રૂપિયા છે. જમીન ખરીદવાના, મકાન બાંધવાના અને મંજૂરી મેળવવાના વેપારનું લાયસન્સ મળી જાય પછી શિક્ષક, અધ્યાપક અને વિદ્યાર્થીનું શોષણ કરવાના પરવાના તેમની પાસે છે.
એક કરોડપતિ શિક્ષણ સંસ્થા શરૂ કરી શકે છે પણ ત્રણ-ચાર નિષ્ઠાવાન નિસ્બતવાળા શિક્ષકો શાળા ચાલુ નથી કરી શકતા! એટલે જ રેલવેના ખાલી ડબ્બામાં બાળકોને મુકતપણે શિક્ષણના પાઠ ભણાવનારા મી. કોબાયાન્સી આપણને નથી મળતા કે નથી પૂરી થતી બારીએ ઊભેલી બાળકી ‘તોતોચાન’ની અખૂટ જિજ્ઞાસા… છેક જાપાન સુધી જવાની જરૂર જ નથી. ભારતીય આશ્રમવ્યવસ્થા અને મુકત જ્ઞાનની વ્યવસ્થાનો તો ઇતિહાસ છે અને આ સરકારને તો તે સમજાવવો પડે તેમ પણ નથી! – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
પ્રાથમિક શાળા પાસેથી વરઘોડો નીકળ્યો અને એક બાળકી વર્ગખંડ, શિક્ષણ મૂકીને બારીએ દોડી…. વરઘોડો જોવા… વળી ફરી એક વાર બારી બહાર ઊડતી ચકલી જોવામાં આ બાળકી વર્ગ શિક્ષકને જોવાનું ભૂલી ગઇ. આપણી ઔપચારિક શિક્ષણની વ્યવસ્થા બાળકને સમાજથી છૂટો પાડે છે. કુદરતથી જુદો પાડે છે. વૈશ્વિક વિશાળતામાંથી વર્ગખંડની સંકડામણમાં પૂરે છે અને હવે આપણે આ જ યોગ્ય છે તેમ માની લીધું છે. ‘મકાન’ અને ‘સંસ્થા’ આ બે અલગ બાબત છે. પણ આપણે તો શાળા કોલેજના મકાનને જ ‘શિક્ષણ સંસ્થા’ માની લીધી છે. 1990 ના સમયગાળામાં જે પાંચ સૂત્રી કાર્યક્રમ ડો. યશપાલ સહિતના તજજ્ઞોએ વિચાર્યો હતો એ તો હવે કોઇને યાદ જ નથી લાગતો કે શિક્ષણને દિવાલોમાંથી મુકત કરો. શિક્ષણને સમયપત્રકમાંથી મુકત કરો. શિક્ષણને (ફિકસ) અભ્યાસક્રમમાંથી મુકત કરો. શિક્ષણને અધિકારીઓના નિયમોથી મુકત કરો. જે શિક્ષણ પોતે જ પૂર્વગ્રહોથી બંધાયેલું હશે તે વિદ્યાર્થીમાં મુકિતની ઝંખના કેવી રીતે જગાવશે?
46 ડીગ્રી તાપમાં ફરવાથી ચકકર ન આવે તે સૌને ઉપરના મુદ્દા વાંચીને તમ્મર આવી જાય છે. પરિવર્તનની વાત તો એક બાજુ, તે માટેનો નાનો સરખો વિચાર પણ આપણને હલાવી મૂકે છે! માટે જ વર્ગખંડમાં શિક્ષકની વાત પડતી મૂકી બારીએ દોડી જતી દીકરી આપણને સ્વીકાર્ય નથી. શાળા કોલેજમાં વર્ગખંડમાંથી બહાર જઇને વિદ્યાર્થીને ભણાવવા માંગતા શિક્ષકો – અધ્યાપકો આપણને માન્ય નથી. નિયમિતતાને આપણે ઉદ્યોગોના મજૂરોમાંથી શાળા – કોલેજના શિક્ષકોમાં ફેરવી નાખી છે. વાત વૈશ્વિક જ્ઞાનની કરવાની પણ વિદ્યાર્થી અને શિક્ષક બન્નેએ રહેવાનું ચાર દિવાલોમાં! માટે જ પેલી વારે વારે પોતાના કુતૂહલ, જિજ્ઞાસા અને પ્રકૃતિને જાણવાની મથામણ કરનારી છોકરીને કોઇ શાળાઓ રાખવા તૈયાર ન થઇ… આ કહેવાતી ‘તોફાની છોકરી’ને ભણાવવી કેમ?
જાપાનમાં બીજા વિશ્વયુદ્ધ વખતે રેલવેના ખાલી ડબ્બામાં શાળા ચલાવતા શિક્ષક મી. કોબાયાન્સીને આ દીકરી ખરી વિદ્યાર્થી લાગી અને આ શિક્ષકે આ વિદ્યાર્થિનીને તદ્દન સહજ રીતે ઔપચારિક શિક્ષણમાં જોડી. આ વિદ્યાર્થીની જાપાનીઝ ટેલિવિઝનની પ્રખ્યાત સ્ટાર બની. ‘તાત્સુકો કુરોયાનગી’ અને તેણે પોતાના શિક્ષણના, બાળપણના અનુભવોનું 1981 માં પુસ્તક લખ્યું – ‘તોતોચાન’ જે બેસ્ટ સેલર બન્યું! યુનેસ્કોએ તેને શિક્ષણ માટેની સલાહકાર સમિતિમાં પણ નીમી. શિક્ષણ ક્ષેત્રે પોતાના શિક્ષક ડોબોયાન્સીના પ્રયોગો ‘તોતોચાન’ દ્વારા દુનિયા સમક્ષ આવ્યા. કદાચ આપણી નવી શિક્ષણનીતિના ઘડવૈયાઓએ ગિજુભાઇ, માનભાઇને જ યાદ નથી કર્યા તો ‘તોતોચાન’ તો કદાચ ન જ યાદ આવે! શિક્ષણનીતિમાં શું છે? તેની ચર્ચા ઘણી થાય છે.
જે છે તેનો અમલ કેવી રીતે થશે તેની ચર્ચા ઓછી થાય છે પણ થાય છે ખરી… પણ શિક્ષણનીતિમાં શું નથી! જે હોવું જરૂરી હતું તેની તો ચર્ચા જ નથી થતી. સરકારની ઔપચારિક શિક્ષણનીતિનો સૌથી મોટો આધાર શિક્ષણ સંસ્થાઓ છે. ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થામાં કોલેજો અને તેને નિયમથી જોડતી યુનિવર્સિટીઓ હોય છે તથા પ્રાથમિક, માધ્યમિક શિક્ષણમાં સ્કુલ બોર્ડ કે તેની સાથે જોડાયેલી શાળાઓ હોય છે. બહુ ઓછાનું ધ્યાન હશે કે ‘નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાઇન’, ‘ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ’ કે એવી સ્વાયત્ત સંસ્થાઓ પણ દેશમાં છે.
જો કે તે ઉચ્ચ શિક્ષણમાં છે અને ત્યાં પ્રવેશનો મૂળ આધાર તો ઔપચારિક શિક્ષણ સંસ્થામાંથીજ છે! તો મુદ્દો છે શિક્ષણ સંસ્થાનો. ઔપચારિક શિક્ષણની કોઇ પણ સંસ્થામાં મુખ્ય બે જરૂરિયાત સંતોષાવી જોઇએ : એક તો પ્રાથમિક ભૌતિક સુવિધાઓ અને બે ભણાવનારા તજજ્ઞ શિક્ષકો એટલે સામાન્ય રીતે શાળાનું મકાન, મેદાન, પ્રાથમિક સુવિધાઓથી સજજ ભૌતિક વ્યવસ્થા જયાં અભ્યાસ સહાયક વાતાવરણ હોય. ચોક, ડસ્ટર, બ્લેક બોર્ડ પુસ્તકાલય, પ્રયોગશાળાનો સંપુટ એ શાળા છે! પણ આ તમામ ભૌતિક સુવિધામાં શિક્ષક જ ન હોય તો? તો આત્મા વગરનું શરીર! હવે બીજું વિચારો, મકાન નથી, બ્લેક બોર્ડ નથી, મેદાન નથી, પુસ્તકાલય નથી, પણ જાણવાની ઇચ્છાવાળા વિદ્યાર્થી અને અભ્યાસુ શિક્ષક છે!
તો શિક્ષણ થશે! જ્ઞાન પ્રસરશે! વર્ષોથી આ જ થયું છે. આ ઔપચારિક શિક્ષણને માંડ બસો વરસ પણ નથી થયાં અને જ્ઞાનની ધારા તો હજારો વર્ષોથી વહી છે. તો શાળા કોલેજની મંજૂરીમાં પ્રાથમિકતા કોને મળવી જોઇએ! બિલ્ડીંગને કે શિક્ષકોને? કમનસીબે આપણા દેશમાં બિલ્ડીંગ મેદાન જેવી ભૌતિક સુવિધાઓ મંજૂરીમાં અગ્રસ્થાને છે. શિક્ષક અધ્યાપક તો બીજા નંબરની વાત છે. માટે જ વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ધનપતિઓ શિક્ષણની વ્યવસ્થા પર ચડી બેઠા છે. એમની પાસે કરોડો રૂપિયા છે. જમીન ખરીદવાના, મકાન બાંધવાના અને મંજૂરી મેળવવાના વેપારનું લાયસન્સ મળી જાય પછી શિક્ષક, અધ્યાપક અને વિદ્યાર્થીનું શોષણ કરવાના પરવાના તેમની પાસે છે.
એક કરોડપતિ શિક્ષણ સંસ્થા શરૂ કરી શકે છે પણ ત્રણ-ચાર નિષ્ઠાવાન નિસ્બતવાળા શિક્ષકો શાળા ચાલુ નથી કરી શકતા!
એટલે જ રેલવેના ખાલી ડબ્બામાં બાળકોને મુકતપણે શિક્ષણના પાઠ ભણાવનારા મી. કોબાયાન્સી આપણને નથી મળતા કે નથી પૂરી થતી બારીએ ઊભેલી બાળકી ‘તોતોચાન’ની અખૂટ જિજ્ઞાસા…
છેક જાપાન સુધી જવાની જરૂર જ નથી. ભારતીય આશ્રમવ્યવસ્થા અને મુકત જ્ઞાનની વ્યવસ્થાનો તો ઇતિહાસ છે અને આ સરકારને તો તે સમજાવવો પડે તેમ પણ નથી!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.