આમ તો કોરા ચેક પર સહી કરીને રાખવી સલાહભર્યું નથી. ચેકબુકને લોક એન્ડ કી માં રાખવાની સતર્કતા રાખવી પણ જરૂરી છે. આમ છતાં કેટલાંક ગ્રાહકો કયાં તો એટલા જાગૃત નથી હોતાં યા તો એક યા બીજા કારણ યા જરૂરતને લીધે ચેકબુક હંમેશાં લોક એન્ડ કી માં રાખતા નથી, તેમજ ચેકબુકમાં એક-બે કોરા ચેક પર પોતાની સહી કરીને રાખી મુકે છે. આવા સંજોગોમાં સહી કરેલો ચેક ચોરાઇ જાય યા ગેરવલ્લે જાય અને કોઇ ત્રાહિત દ્વારા તેનો દુરૂપયોગ થાય તો ગ્રાહકને મોટા નાણાંકીય નુકશાનમાં ઉતરવાનો વારો આવે. સહી કરેલ ચેક ગુમ થઇ જવાની જાણ થતાં જ જાગૃત ગ્રાહક તાત્કાલિક તેવા ચેકનું પેમેન્ટ સ્ટોપ કરવા બેંકને લેખિતમાં જાણ કરતો પત્ર લખશે અને એવા પત્રની નકલ પર બેંકને મળ્યાની એકનોલેજમેન્ટ બદલ બેંકના જવાબદાર અધિકારીના સહી-સિકકા કરાવશે. પરંતુ, આટલી કાળજી લીધા પછી પણ જો એવા એટલે કે સ્ટોપ પેમેન્ટ કરાયેલા ચેકનું પેમેન્ટ બેંકના સ્ટાફની શરતચૂકથી થઇ જતું હોવાના પ્રસંગો પણ વારંવાર બનતા રહે છે. આવા સંજોગોમાં બેંક ગ્રાહકને વળતર ચૂકવવા જવાબદાર બનશે એવું ગ્રાહક અદાલતોએ ઠરાવ્યું છે.
આવા જ એક કેસ WTD Sri Italy Vs State Bank Of India ના કેસની વિગતો લઇએ તો, Italy ની કંપની WTD Sri Italy (મૂળ ફરિયાદી) ભારતમાં બિઝનેસ કરતી હતી અને સામાવાળા State Bank Of India માં કરંટ એકાઉન્ટ ધરાવતી હતી. સામાવાળા બેંકે ઇસ્યુ કરેલ ચેકબુક ફરિયાદી કંપનીની ઓફિસમાંથી ગુમ થઇ ગઇ હતી. સગવડ ખાતર કંપનીના અધિકૃત અધિકારીએ ચેકબુકના કોરા ચેક પર સહી સિકકા કરી રાખ્યા હતા. ચેકબુક ગુમ થયાની જાણ થતાં ફરિયાદી કંપનીએ સામાવાળા બેંકને તા. ૪/૨/૦૩નો પત્ર લખીને મજકુર ચેકબુકમાંથી તા. ૪/૨/૦૩ સુધી વટાવ્યા હોય તે ચેક સિવાયના તમામ ચેકનું સ્ટોપ પેમેન્ટ કરવાની લેખિત સૂચના આપી હતી. જે પત્ર સામાવાળા બેંકને મળી પણ ગયો હતો.
મજકુર સ્ટોપ પેમેન્ટની સૂચના બેંકને મળ્યા બાદ લાંબા સમય બાદ ફરિયાદી કંપનીએ પોતાના બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ સામાવાળા બેંક પાસે માંગ્યું હતું. જે સંજોગોમાં ફરિયાદી કંપનીને પોતે સ્ટોપ પેમેન્ટ કરાવેલા ચેકો પૈકી ૩ ચેકનું પેમેન્ટ બેંકે તા. ૭/૭/૦૩ ના રોજ અને બીજા ૩ ચેકનું પેમેન્ટ ૨૬/૭/૦૩ ના રોજ કરેલ હોવાનું જણાયું હતું. મજકુર ૬ ચેકની રકમ રૂા. ૧૧,૯૮,૦૮૧/- થતી હતી. ચેકોના સ્ટોપ પેમેન્ટની સ્પષ્ટ લેખિત સૂચના હોવા છતાં સામાવાળા બેંકે આ પ્રમાણે લગભગ ૧૨,00,000/-રૂપિયાના ચેકોનું પેમેન્ટ ફરિયાદી કંપનીના ખાતામાંથી કરી દીધું હતું.
ફરિયાદી કંપનીએ દિલ્હી ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી કુલ રૂા. ૨૦,૭૫,૬૨૦/- નું વળતર અપાવવાની દાદ માંગી હતી. સામાવાળા બેંકે તેમના બચાવમાં જણાવ્યું હતું કે, સામાવાળા બેંકે પોતે જે ચેકનું પેમેન્ટ કર્યું હતું તે ૬ ચેકના નંબરો ફરિયાદીએ ચેકનું સ્ટોપ પેમેન્ટ કરવાની સૂચના આપતા પત્રમાં જણાવ્યા ન હતા. જેથી, સામાવાળા બેંક દ્વારા મજકુર ચેકનું પેમેન્ટ કરવામાં કોઈ ખામી થઇ ન હતી.
દિલ્હી સ્ટેટ કમિશને તેમના હુકમમાં જણાવ્યું હતું કે, ફરિયાદીએ સ્ટોપ પેમેન્ટની સૂચના આપતાં પત્રમાં વિવાદવાળા ચેકોના નંબર અલબત્ત ન જણાવ્યા હતા. પરંતુ, ૪/૨/૦૩ સુધી એનકેશ (Encash) થયેલ ચેક સિવાયના તમામ ચેકનું સ્ટોપ પેમેન્ટ કરવાની સૂચના આપી હતી અને ફરિયાદવાળા ૩ ચેકનું પેમેન્ટ તા. ૭/૭/૦૩ ના રોજ અને બીજા ૩ ચેકનું પેમેન્ટ તા. ૨૬/૭/૦૩ ના રોજ એટલે કે તા. ૪/૨/૦૩ પછી જ થયું હતું. જે સંજોગોમાં સામાવાળા બેંકના પક્ષે બેદરકારી અને સેવામાં ક્ષતિ થઈ હતી અને ફરિયાદી કંપનીને થયેલ નુકશાન ભરપાઇ કરવા માટે સામાવાળા બેંક જવાબદાર બનતી હતી. એમ જણાવી સ્ટેટ કમિશને ફરિયાદી કંપનીને તેના ૬ ચેકની રકમ રૂા. ૧૧,૯૮,૦૮૧/- વાર્ષિક ૯% લેખેના વ્યાજ સહિત ચૂકવી આપવા તેમજ કાર્યવાહીના ખર્ચ માટે બીજા રૂા. ૧૦,000/- ચૂકવી આપવા સામાવાળા બેંકને હુકમ કર્યો હતો. આમ, ચેકનું સ્ટોપ પેમેન્ટ કરવાની ગ્રાહકની સૂચના હોવા છતાં બેંક દ્વારા તેવા ચેકનું પેમેન્ટ થવાના સંજોગોમાં બેંક ગ્રાહકને થયેલ નુકશાન ભરપાઇ કરવા જવાબદાર બનશે.