Columns

બ્લેક હોલ અને વ્હાઈટ હોલ વચ્ચે ટક્કરથી શું થાય?

બ્લેક હોલનું રહસ્ય ઉકેલાય જાય તો બ્રહ્માંડને સમજવામાં મદદ મળી શકે. બ્લેક હોલ કેમ બને છે તેની અનેક થિયરી છે. એક થિયરી, મહાકાય તારાનું આયુષ્ય ખતમ થઈ જાય ને એમાંથી ગુરુત્વાકર્ષણની અસ્થિરતા સર્જાય ત્યારે એ સંકોચાવા લાગે. જેને તારાનો વિસ્ફોટ કહેવાય છે. તેના પરિણામે એક બ્લેક હોલ સર્જાય છે. બીજી થિયરી, ગેલેક્સીની રચના થઈ ત્યારે જ બ્રહ્માંડનો ઘણો ભાગ બ્લેક હોલમાં પરિવર્તિત થઈ ગયો. એ બ્લેક હોલ ગેલેક્સીના કેન્દ્રબિંદુમાં હોય છે. ગેલેક્સીના મધ્યમમાં કુદરતી સંતુલન બનાવી રાખે છે. આ પ્રકારના બ્લેક હોલ તારામંડળથી પણ જૂના છે. અબજો-ખરબો વર્ષ જૂના આ બ્લેક હોલનું રહસ્ય હજુય વૈજ્ઞાનિકો ઉકેલી શક્યા નથી.

આવી થિયરી વચ્ચે વિજ્ઞાનીઓએ બે નવાં તારણો રજૂ કર્યાં છે. જો કોઈ અતિ મહાકાય બ્લેક હોલ પૃથ્વીની નજીક આવે અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતાં એનું ગુરુત્વાકર્ષણ શક્તિશાળી હોય તો શું થાય? જો પૃથ્વી બ્લેક હોલમાં જઈ ચડે તો એનું અસ્તિત્વ ખતમ થઈ જાય. અત્યારે આવી શક્યતા નથી કેમ કે, સૌથી નજીકનો બ્લેક હોલ 1560 પ્રકાશ વર્ષ દૂર છે. પૃથ્વી બ્લેક હોલના સંપર્કમાં આવે તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ પૂરું થઈ જાય, ઈલેક્ટ્રોન્સ ખેંચાઈને બ્લેક હોલમાં જવા લાગે એટલે પૃથ્વીના ગ્રહમાંથી તત્ત્વો બ્લેક હોલમાં સમાઈ જાય. માનવ સહિત આખી સજીવસૃષ્ટિ ગુરુત્વાકર્ષણ વિહોણી બનીને બ્લેક હોલમાં જાય. એ પછી શું થાય એની તો કલ્પના જ કરવાની રહે છે.

બ્લેક હોલ અને ગ્રહ વચ્ચેની ટક્કર થાય તો આવું થાય અને બે બ્લેક હોલ ટકરાય તો પણ દૃશ્ય મોટેભાગે આવું જ રહે છે. બે વિશાળ બ્લેક હોલની ટક્કર થાય તો અમાપ ગુરુત્વાકર્ષણ બળનું સામ્રાજ્ય ફેલાય. શક્તિશાળી તરંગો નીકળે, પ્રકાશનો વિસ્ફોટ થાય અને આસપાસમાં કંઈ ન દેખાય એવો અગનગોળો સર્જાય. બંનેના ગુરુત્વાકર્ષણ બળથી કેટલાય એસ્ટ્રોઈડ, અવકાશી તરંગો, અવકાશી પદાર્થો, પ્રકાશ વગેરે સંકોચાઈ જાય. એ બધું જ પેલા બંને બ્લેક હોલ તરફ ખેંચાઈ આવે. થોડી મિનિટોમાં બંને બ્લેક હોલ એકબીજા સાથે ટકરાઈને એક થવા માંડે. જે બ્લેકહોલના કેન્દ્રમાં સૌથી વધુ ગુરુત્વાકર્ષણ હશે એમાં બીજો બ્લેક હોલ સમાઈ જશે અને બંનેના વિસ્ફોટક મર્જરથી ખૂબ જ મોટો બ્લેક હોલ સર્જાય.

જેમ બ્લેક હોલનું અસ્તિત્વ સ્વીકારાયું છે એમ વ્હાઈટ હોલની ઓળખ પણ થઈ છે. રશિયન સ્પેસ સાયન્ટિસ્ટ ઈગોર નોવિકોવે 1964માં પહેલી વખત વ્હાઈટ હોલની થિયરી રજૂ કરી હતી. બ્લેક હોલ જ્યાં પૂરો થાય છે ત્યાંથી વ્હાઈટ હોલ શરૂ થાય છે એવી ધારણા છે. રસપ્રદ એ છે કે એક તરફ બ્લેક હોલ ગ્રહોને ગળી જાય છે અને બીજી બધી અવકાશી ચીજવસ્તુઓનો પણ કોળિયો કરી જાય. તેનાથી વિરોધી ગતિવિધિ વ્હાઈટ હોલ એને જોડવાનું કામ કરે છે. તેને એવું કરવામાં ભલે લાખો-કરોડો વર્ષ લાગી જાય છે પરંતુ એ અવકાશી ગ્રહો, લઘુગ્રહોને જોડે છે.

બ્લેક હોલ વિનાશ કરે છે, વ્હાઈટ હોલ સર્જન કરે છે. હાઈપોથેટિકલી સુપર કમ્પ્યુટર્સથી એવીય થિયરી રજૂ થઈ છે કે જો બ્લેક અને વ્હાઈટ હોલ એકબીજા સાથે ટકરાય તો એ ટક્કર અંતહીન બની રહે. એ પ્રક્રિયા સતત ચાલતી રહે. સંશોધકો માને છે કે આવી ટક્કરનું કોઈ પરિણામ આવે નહીં. જો બંનેનું કદ સમાન હોય તો આ ટક્કર પરિણામ આપ્યા વગર સેંકડો વર્ષ સુધી ચાલે છે. એ બંનેની ટક્કર તો જ અટકે કે જો બીજા કોઈ બ્લેક હોલ કે વ્હાઈટ હોલની ટક્કર થાય. જો કોઈ વ્હાઈટ હોલ આ બંનેની પ્રક્રિયામાં વચ્ચે આવે તો વ્હાઈટ હોલની શક્તિ વધે છે અને બ્લેક હોલ એમાં સમાઈને વ્હાઈટ હોલ થઈ જાય છે. જો કોઈ બ્લેક હોલ આ બંનેની ટક્કરમાં આવે તો બ્લેક હોલની શક્તિ વધે છે અને એ વ્હાઈટ હોલ પર ભારે પડે છે.

જો કે બ્રહ્માંડમાં અત્યારે બ્લેક હોલની સ્થિતિ એવી છે કે એના ટક્કરની શક્યતા નથી. બ્રહ્માંડના વિશાળ બ્લેક હોલ આકાશગંગાઓની મધ્યમાં હોય છે. તેને સુપરમેસિવ બ્લેક હોલ પણ કહેવાય છે. સુપરમેસિવ બ્લેક હોલનું કદ 10 લાખ સૂર્ય કરતાં ક્યાંય મોટું હોય છે. એવા વિરાટ બ્લેકહોલ અંગે યુરોપિયન સ્પેસ એજન્સીના સંશોધકોની થિયરીમાં દાવો થયો છે કે બ્લેક હોલ વિસ્તરણની ઝડપ પહેલાંની સરખામણીએ ઘણી જ ઘટી ગઈ છે. મહાવિસ્ફોટ પછી બ્રહ્માંડ સ્ટેબલ થયું હોવાથી બ્લેક હોલનો વિસ્તાર જેટલો છે એટલો જ રહેવા લાગ્યો છે.
હરિત મુનશી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top